ચીનની બીજી બધી ચીજોનો બહિષ્કાર કરીએ, પરંતુ આ આરોગ્યવર્ધિની વિદ્યા શીખી લેવી જોઇએ

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

દિવાળી કે મકર સંક્રાન્તિ જેવા પર્વો પર જાહેર અપીલ દ્વારા આપણને કહેવામાં આવે છે કે ચીન આપણંટ મિત્ર રાષ્ટ્ર નથી. એટલે ચીની ચીજોનો બહિષ્કાર કરો.

જો કે આજે દસમાંથી આઠ મોબાઇલ ફોન કે કેસિયો યામાહા જેવાં વાજિંત્રો પણ ચીની બનાવટનાં વપરાઇ રહ્યાં છે એ જુદી વાત છે.

ડાહ્યા માણસો કહે છે કે આપણા લાભની હોય એવી શત્રુની પણ સારી વાત અચૂક અપનાવી લેવી જોઇએ. અધ્યાત્મ ક્ષેત્રે ખૂબ આગળ વધેલાં એક બહેન તરફથી તાજેતરમાં ચીનની એક અણમોલ વિદ્યાશાખાની માહિતી મળી. વિશ્વના કેટલાક દેશોમાં આ વિદ્યાશાખા વૈકલ્પિક ચિકિત્સા તરીકે પણ સ્વીકારી લેવામાં આવી છે.

આપણે ત્યાં આ વિદ્યાશાખા થોડા જુદા નામે જાણીતી છે. ખૂબીની વાત એ છે કે આ વિદ્યાશાખામાં એક કરતાં વધુ માસ્ટર કી સંકળાયેલી છે. આપણે ત્યાં યોગ ગુરુ તાવરિયાજીએ ધાવણા બાળક જેવી શ્વાસોચ્છવાસની લયબદ્ધ પદ્ધતિનો પ્રચાર કર્યો હતો. સદ્ગત સત્યનારાયણ ગોએન્કાજીએ શ્વાસોચ્છવાસ પર આધારિત ધ્યાન પદ્ધતિ વિપશ્યનાનો પ્રચાર કરેલો.

જે ચીની વિદ્યાશાખાની વાત કરવાની છે એ સમજવા માટે એક નાનકડા દાખલાથી શરૂ કરીએ. ધારો કે તમે ટુ વ્હીલર ચલાવવામાં નિપુણ છો. તમે કલાકના દોઢસો-બસો કિલોમીટરની ઝડપે વાહન ભગાવી શકો છો. પરંતુ તમને એમ કહેવામાં આવે કે તમે કલાકના પાંચ કિલોમીટરની ઝડપે વાહન દોડાવી બતાવો.

તો તમારી આકરી કસોટી થઇ જવાની. ફાસ્ટ સાઇક્લીંગ રેસ કરતાં, સ્લો સાઇક્લીંગ રેસ વધુ મુશ્કેલ હોય છે. આપણે દર મિનિટે બારથી વીસ વખત શ્વાસોચ્છવાસ કરીએ છીએ. માણસ ધ્યાનમાં ઊતરી જાયે ત્યારે આપોઆપ શ્વાસની ગતિ ધીમી થઇ જાય. જે ચીની વિદ્યાની વાત કરીએ છીએ એને ચીનની પ્રજા તો કરાટે- કુંગ ફૂ જેવી માર્શલ આર્ટનો એક હિસ્સો ગણે છે.

એને તાઇ ચી અથવા ચી તરીકે ઓળખાવાય છે. એકદમ હળવાફૂલ (રિલેક્સ્ડ ) થઇને એકદમ નિરાંતે સુખાસનમાં બેસીને પહેલાં બ્રીધીંગ (શ્વાસોચ્છવાસ)ની ગતિ નિહાળો. મગજને સ્વાભાવિક રીતેે વિચારશૂન્ય થઇ જવા દો. વિચારશૂન્ય થવાના પ્રયાસોથી વાત બગડી શકે છે.

અત્યંત નિરાંતથી ઊંડા શ્વાસ લો. જેટલા ઊંડા લઇ શકાય એટલા લો. પ્રાણાયમની ભાષામાં કહીએ તો ઊંડો શ્વાસ લીધા પછી એને બેથી પાંચેક સેકંડ શરીરમાં રોકી રાખો. (યોગશિક્ષકો એને કુંભક કહે છે) પછી ધી..મે ધી..મે ઉચ્છવાસને બહાર નીકળી જવા દો. બીજો ઊંડો શ્વાસ લેવા અગાઉ ફરી બેથી પાંચ સેકંડ આરામ લ્યો. પછી ફરી ઊંડો શ્વાસ લો.

કોઇ પ્રયત્ન વિના શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ કરતાં રહો.  થોડા દિવસમાં એનો મહાવરો આવી જશે. એક નવી ઊર્જા શરીરમાં પ્રગટ થશે.આપણે જેને પ્રાણ શક્તિ કે ચૈતન્ય ઊર્જા કહીએ છીએ એ જ આ તાઇ ચી કે ચી. યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા અને યુનિવર્સિટી ઑફ લીવરપુલના સંશોધકોએ ૩૩થી ૫૫ વર્ષના હાર્ટ પેશન્ટો પર આ વિદ્યાનો પ્રયોગ અજમાવ્યો.

આશ્ચર્યજનક રિઝલ્ટ્સ જોવા મળ્યા. હોંગકોંગની એક યુનિવર્સિટીએ મેનોપોઝ (રજોનિવૃત્તિ) આવી ગયેલી થોડી મહિલાઓ પર આ વિદ્યાશાખા અજમાવી. ફરી વિસ્મયજનક પરિણામો મળ્યા.

સૌથી મહત્ત્વની વાત એ છે કે આજના પ્રદૂષિત હવામાન અને દિવસે ગરમી, રાત્રે ઠંડી જેવી બબ્બે સીઝન હોય એવા વિપરીત પર્યાવરણ વચ્ચે આપણી રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) આ યોગપ્રકારથી ખૂબ વધે છે.

જપાની રેકી પદ્ધતિની જેમ આ વિદ્યાશાખા દ્વારા તમે અન્ય વ્યક્તિને પણ બીમારીમાં સહાય કરી શકો છો. તાજેતરમાં એક વિશ્વવિખ્યાત મેડિકલ જર્નલમાં વાંચેલું કે વિટામિનની ગોળીઓ અને કહેવાતાં ટોનિક્સ પણ હવે સિન્થેટિક બને અને વેચાય છે.

એેની શરીર પર ધારી અસર થતી નથી. કોઇ દવા ઇંજેક્શન કે વિટામિન સપ્લીમેન્ટ વિના માત્ર રોજ પંદર વીસ મિનિટ ચી કે તાઇ ચીને આપવાથી એકસો ટકા સાજાં રહેવા મળતું હોય તો દવાઓ પાછળ પૈસા અને શક્તિ શા માટે વેડફી નાખવાં ? અલબત્ત, ચી કે તાઇ ચીમાં  સૌથી પહેલી અને અનિવાર્ય આવશ્યકતા 'ધીરજ' છે.

અગાઉ કહ્યું એમ અહીં તો એ..ક..દ..મ ધી..મે ધી..મે સાઇકલ ચલાવવાની છે. આપણા શિરડીના સાંઇબાબા કે વીરપુરના જલાબાપા જેવી ચમત્કારી શક્તિ આ ચી કે તાઇ ચીમાં છે. જો કે તાઇ ચીમાં બીજું ઘણું કરવાનું હોય છે. જેમને વધુ રસ હોય એવા વાચકો  Onlymyhealth.com   નામની વેબસાઇટ જોઇ શકે છે.

Comments