કલા પ્રત્યેની સમર્પિતતા એટલે આ...


ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના કે સંજીવ કુમારની વાત કરીએ ત્યારે એમ કહેવાય છે કે આ ત્રણમાંના રાજેશ ખન્ના કદી સેટ પર સમયસર આવતા નહોતા. અને આવે ત્યારે શરાબના નશામાં ચુર હોય. પરંતુ ઋષીકેશ મુખરજી કહેતા એમ કેમેરાની સામે આવે ત્યારે પાત્રમાં સાંગોપાંગ ઊતરી જતા.

કોઇને ખ્યાલ સુદ્ધાં ન આવે કે એ શરાબના નશામાં ચુર છે. ધરમ ગરમ અને સંજીવ કુમાર પણ કેમેરા સામે આવે એ સાથે શરાબની અસર દૂર થઇ જતી અને એમનામાં રહેલા અભિનેતા જાગ્રત થઇ જતો. કલાકારની સમર્પિતતા કેવી હોય છે એનો આ એક પ્રકારનો દાખલો છે.

એક પ્રકાર શબ્દ એટલા માટે વાપર્યો કે છેલ્લા થોડા સમયથી સેટ પર અકસ્માત થવાથી ઇજા થવા છતાં સલમાન ખાન કે શાહરુખ ખાને રજા લીધી નથી. કામ ચાલુ રાખ્યું છે. એવુંજ બ્રહ્માસ્ત્રના સેટ પર આલિયા ભટ્ટે પણ કરી દેખાડયું. આ બીજા પ્રકારની સમર્પિતતા છે.

આ વાત આજે યાદ આવવાનું કારણ તાજેતરમાં ડેવિડ ધવને કરેલું એક વિધાન છે. ડેવિડે સરસ વાત કરી. ૧૯૫૦ના દાયકામાં આજે લેજંડ ગણાતા અને અભિનય સમ્રાટ ગણાતા દિલીપ કુમારે ડઝનબંધ ફિલ્મોમાં પ્રણય ભગ્ન નાયકની ભૂમિકા એટલી આબાદ કરેલી કે એ ગંભીર ડિપ્રેશનનો ભોગ થઇ પડયા હતા.

દિદાર, સંગદિલ, ફૂટપાથ,અંદાજ, દેવદાસ વગેરે એવી કેટલીક ફિલ્મો હતી. ડિપ્રેશનના કારણે એમને મનોચિકિત્સક પાસે સારવાર લેવી પડી. એ માટે વિદેશ જવાની ફરજ પડી હતી. મનોચિકિત્સકે એમને આ પ્રકારી ભૂમિકા કરવાની ના પાડી ત્યારબાદ દિલીપ કુમારે હળવા રોલ કરવા માંડયા. ખાસ કરીને આઝાદ, કોહિનૂર, રામ ઔર શ્યામ વગેરે ફિલ્મો આ પ્રકારની હતી.

આવું ઘણા કલાકારો સાથે બન્યું છે. તાજેતરની વાત કરીએ તો સિનિયર અભિનેતા સંજય દત્તે કરણ જોહરની અગ્નિપથ ફિલ્મમાં પહેલીવાર અત્યંત ઘાતકી વિલનનો રોલ કર્યો ત્યારની વાત છે.

સંજયે મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે પરદા પરના મારા પાત્રની ક્રૂરતા જોઇને હું પોતે પણ છળી ઊઠયો હતો. આ મેં ભજવેલો રોલ છે ? એવો સવાલ મને થયો હતો. આવોજ અનુભવ તાજેતરમાં પ્રભુતામાં પગલાં પાડનારા રણવીર સિંઘને સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતમાં થયો હતો.

આ ફિલ્મમાં એણે અલ્લાઉદ્દીન ખીલજી ટાઇપનો રોલ કર્યો હતો. એણે પણ ફિલ્મ રજૂ થયા બાદ એકરાર કર્યો હતો કે આ રોલ મને માનસિક રીતે ખૂબ ડિસ્ટર્બ કરી ગયો હતો. હું દિવસો સુધી અપસેટ રહ્યો હતો. એણે નિકટના દોસ્તોને કહ્યું હતું કે મારે મનોચિકિત્સકની મુલાકાત લેવી પડી હતી.

 એક નોંધ રિચા ચડ્ડાની પણ લેવી જોઇએ. લવ સોનિયા ફિલ્મમાં બાળકીઓ અને ટીનેજર કન્યાઓના દેહવિક્રયની વાતો હતી. એમાં રિચાએ એક દલાલ ટાઇપનો રોલ કરેલો. રોલ કરવા અગાઉ એણે મુંબઇના રેડ લાઇટ કહેવાતા કેટલાક વિસ્તારોની મુલાકાત લઇને કેટલીક સેક્સ વર્કર્સ સાથે વિગતે વાત કરી હતી. ત્યારબાદ ફિલ્મ તો બની ગઇ, રજૂ પણ થઇ ગઇ.

પરંતુ રિચા આ પાત્રમાંથી સહેલાઇથી બહાર નીકળી શકતી નહોતી. એને પણ એક મનોચિકિત્સકે મદદ કરી હોવાનું કહેવાય છે. કલા પ્રત્યેની નિષ્ઠા વ્યક્તિને કેટલી હદે પાત્રમાં ઓતપ્રોત કરી દે છે એના આ બેચાર દાખલા છે.

Comments