લોકરક્ષક પરીક્ષાની ગુનાહિત બેદરકારી માટે જવાબદારને આકરી સજા થવી ઘટે


        સૌનો સાથ સૌનો વિકાસ જેવું રૂપાળું સૂત્ર આપનારા ભારતીય જનતા પક્ષની ગુજરાત રાજ્યની સરકાર કેટલી હદે રેઢિયાળ છે એનો જીવંત પુરાવો લોકરક્ષક પરીક્ષાની ઘટનામાં જોવા મળ્યો. જરા કલ્પના તો કરો કે ગુજરાત રાજ્યમાં કેટલી હદે બેકારી છે. ફક્ત નવ હજાર નોકરીઓ ખાલી હતી અને એને માટે નવ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપવાના હતા.

     નવ લાખ વિદ્યાર્થી માટે પ્રશ્નપત્રની નવ  લાખ નકલો છાપવી પડે, ઉત્તર પત્રિકાની એના કરતાં બમણી નકલો પ્રગટ કરવી પડે. આ બધા પરીક્ષાર્થીઓના બેસવાની વ્યવસ્થા, સુપરવાઇઝર્સ, પીવાની પાણીની વ્યવસ્થા અને ઉત્તર પત્રિકાઓની વાજબી તપાસ માટેની જોગવાઇ...અઢળક ખર્ચ કરવો પડે. 

         એ પૈસા મારા તમારા જેવા પ્રમાણિક કરદાતાના ગજવામાંથી ખર્ચાય. પરંતુ પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ થઇ. લાખ્ખો લોકોનો એક આખ્ખો દિવસ નકામો ગયો. ત્રણેક વિદ્યાર્થી મરણ પામ્યા. વડોદરાથી પોતાની ધાવણી બાળકી સાથે અમદાવાદ પરીક્ષા આપવા આવેલાં ગૃહિણી જેવાં કેટલાય ઉમેવારો હતાશ થયા હશે એની કલ્પના કરવા જેવી છે.

         આ આખી ઘટનાએ બે મુદ્દા આપણી સમક્ષ રજૂ કર્યા કહી શકાય. એક, ગુજરાતમાં 'સૌનો વિકાસ' થયો નથી. નવ હજાર નોકરી માટે નવ લાખ ઉમેદવારો આવે એ દેખાડે છે કે ગુજરાત રાજ્યમાં બેકારી કેટલી હદે વ્યાપ્ત છે ! બીજો મુદ્દો એ કે સરકાર જ્યાં હાથ નાખે છે ત્યાં છબરડા થાય છે. આ મુદ્દાની સાથોસાથ એક મુદ્દો આડપેદાશ જેવો છે. તે આ કે જે લોકો આ પેપર ફોડવામાં આરોપી પુરવાર થાય એમને સજા થશે કે પછી ભીનું સંકેલાઇ જશે ?

    વાસ્તવમાં આવા લાખ્ખો બેકારોના ભાવિ સાથે રમત કરનારા આવા ગુનેગારોને આરબ દેશોમાં થાય છે એવી ઇસ્લામી સજા કરવી જોઇએ. ધાક એવી જામવી જોઇએ કે બીજીવાર કોઇ આવું કામ કરવા અગાઉ સો વાર વિચાર કરે. બાકી જેમની ધરપકડ થઇ એ સૌને કોર્ટમાં રજૂ કરવાનો કશો અર્થ રહેશે નહીં.

      આપણી કોર્ટોમાં કરોડો કેસો પેન્ડિંગ પડયા છે. પૂરતા ન્યાયમૂર્તિઓ આપણી પાસે નથી. વળી, નાનકડી કોર્ટમાં એક ચુકાદો આવે એ શકમંદોને પ્રતિકૂળ લાગે તો એ ઉપલી કોર્ટમાં ધા નાખે. ત્યાંથી સુપ્રીમ કોર્ટમાં કેસ જાય. બધીયે કોર્ટમાં તારીખો પડે. કેસને લૂલો કરી નાખવા શકમંદો ગમે તે હદે જાય. અને આ બધી જફામાં વરસો વીતી જાય. આજે લોકરક્ષકની પરીક્ષા આપવા ઇચ્છુક ઉમેદવારોનાં સંતાનો યુવાન થઇ જાય ત્યારે ચુકાદો આવે એ શા કામનો ?

     આવી ઘટનાઓ ટીનેજર્સને ખોટે રસ્તે જવાની પણ આડકતરી પ્રેરણા આપતી હોય છે. તાજેતરમાં રજૂ થયેલી અને હિટ નીવડેલી જ્હૉન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેની પરાકાષ્ઠામાં પોલીસ વડા મનોજ અને જ્હૉનને કહે છે કે સત્યમેવ જયતે ભ્રામક સૂત્ર છે. સત્ય કદી જીતતું નથી. અહીં તો સત્તા અને સંપત્તિ જેના હાથમાં હોય એજ વિજેતા બને છે. સત્યની  વ્યાખ્યા આવા લોકોજ નક્કી કરે છે.

Comments