ટોપ્સીટર્વી - અજિત પોપટ
03 October 2018
જમ્મુ કશ્મીરથી વાતનો આરંભ કરીએ તો રોજના રોકડા પાંચ રૂપિયા મેળવીને સિક્યોરિટી દળો પર પથ્થરમારો કરતા ટીનેજર્સની સંખ્યા બેથી પાંચ હજાર હોવાનું લશ્કરી પ્રવક્તા કહે છે.
પથ્થરબાજોની સંખ્યા મિનિમમ બે હજારની ગણીને ચાલીએ તો પણ આ લોકોને ચૂકવાતી રકમ રોજની એેક લાખ રૂપિયાની થઇ. અન્ય રાજ્યોમાં અશાંતિ સર્જવાનો ખર્ચ અલગ. ઉપરાંત આતંકવાદીઓને પનાહ આપતા કશ્મીરી સ્લીપર સેલ્સને પણ રોજના હજારો રૂપિયા ચૂકવાય છે.
આટલી મોટી રકમ આવે છે ક્યાંથી ? નેશનલ સિક્યોરિટી એજન્સી કહે છે કે આ રકમ મુંબઇ પરના ૨૬-૧૧ના આતંકવાદી હુમલાના સૂત્રધાર હાફિઝ સૈયદની કહેવાતી એનજીઓ 'ફલાહ-એ-ઇન્સાનિયા' ચૂકવે છે. આ કહેવાતી એનજીઓનો પરિચય જાણવા જેવો છે.
અમેરિકા અને યૂનોેએ હાફિઝ સૈયદ અને એની જમાત-ઉદ્-દાવા (ટંૂકમાં જૂડ)ને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યા બાદ હાફિઝે નવી ચાલ ચાલવાની યોજના ઘડી હતી. પૂર, ભૂંકપ, ગંભીર અકસ્માત જેવી આપત્તિઓ ટાણે અસરગ્રસ્તોને સહાય કરીને એમની સહાનુભૂતિ જીતી લે અને જરૂર પડયે પોતાની આતંકવાદી પ્રવૃત્તિનાં લક્ષ્યાંકો પાર પાડે એવી એક સંસ્થા એણે ઊભી કરી. એ સંસ્થા એટલે ફલાહ-એ-ઇન્સાનિયા. ફલાહ એટલે સફળતા કે વિજય. સંસ્થાના નામનો અર્થ થાય છે માનવતાનો વિજય. આ તો ઘેટાની ખાલ ઓઢીને ફરતા વરુ જેવી વાત થઇ. હાફિઝ સૈયદ અને માનવતા ?
બંને પરસ્પરના વિરોધી શબ્દો ગણાય.
હાફિઝની આયોજન શક્તિ કાબિલ-એ-દાદ છે. હાફિઝ આરબ દેશો કનેથી સતત અને નિયમિત રૂપે કરોડો પેટ્રોલિયા ડૉલર્સ મેળવતો રહ્યો છે. એણે આ નાણાંની મદદથી લાહોરના પૂર્વ સીમાડે બસો એકર-યસ સર, વાંચો ફરીથી બસો એકર જમીનમાં આ સંસ્થાનું વડું મથક બનાવ્યું છે.
એના દરવાજા અમેરિકાની એફબીઆઇ કે ભારતની રૉને પણ ટક્કર મારે એવા સખ્ખત પોલાદના અને બોંબ વિરોધી કવચથી સજ્જ કરવામાં આવ્યા છે. આટલું ઓછું હોય તેમ એના દરવાજે ચોવીસે કલાક કદાવર કાયા અને કાચોપોચો માત્ર જોઇને બેહોશ થઇ જાય એવા હથિયારધારી પઠાણો ચોકી કરે છે.ચારે બાજુ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કેમેરા ગોઠવેલા છે. ઉપરાંત દુનિયાના સૌથી હિંસક ગણાતા કૂતરા ગોઠવ્યા છે.
આ છાવણી બે ભાગમાં વહેંચાયેલી છે. એકમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ ટાણે લોકોને સહાય કરે એવી વ્યવસ્થા છે. અહીં મોબાઇલ હૉસ્પિટલો, ડૉક્ટરો, એમ્બ્યુલન્સીસ, એક સાથે પાંચ દસ હજાર લોકોેને બે ટાઇમ ભોજન આપી શકે એવી વ્યવસ્થા ઇત્યાદિ સરંજામ છે.
છાવણીના બીજા હિસ્સામાં આતંકવાદને પ્રોત્સાહન આપે એવું સાહિત્ય તથા કોઇ પણ દેશના ચલણની બનાવટી નોટ્સ તૈયાર કરતું પ્રિન્ટીંગ પ્રેસ, વિડિયો ફિલ્મો તૈયાર કરતો વિભાગ, બાળકોને ગૂમરાહ કરીને સૂસાઇડ બોમ્બર બનાવતા મદ્રેસા, દુનિયાના કોઇ પણ ખૂણે બનતા લેટેસ્ટ શસ્ત્રોની વિગતો મેળવતી ખૂફિયા પાંખ, એ હથિયારો જિહાદીઓને ક્યાંથી કેવી રીતે મળી શકે એેની ફિરાકમાં રહેતો વિભાગ, આમ આદમીને ગેરમાર્ગે દોરે એવી માહિતી પીરસતી ટીવી ચેનલ વગેરે આવેલાં છે.આ નાનકડા વિનાશકારી નગરમાં ખુદ હાફિઝ સૈયદની સંમતિ વિના બહારની કોઇ વ્યક્તિ દાખલ થઇ શકતી નથી.
મોટે ભાગે બ્રિટિશ પાઉન્ડ અને અમેરિકી ડૉલર્સમાં દાન મેળવવામાં આવે છે. આ વિદેશી ચલણને પાકિસ્તાની કે ભારતીય રૂપિયામાંપરિવર્તિત કરીને ભારતમાં રહેલા સ્લીપર સેલ્સને મોકલવામાં આવે છે. એનએસઆઇએ પકડેલા ત્રણ જણ આવા સ્લીપર સેલ્સનો એક સાવ નાનકડો હિસ્સો છે.
ભારતીય લશ્કરના વડા કાયમ કહેતા રહ્યા છે કે ઘરના ઘાતકી (લશ્કરી વડાની ભાષામાં સ્લીપર સેલ)ની મદદ વિના આટલા મોટા પાયે ભાંગફોડ શક્ય બને નહીં. માત્ર જિહાદી આતંકવાદ નહીં, નક્સલવાદીઓને પણ હાફિઝ સૈયદની આ કહેવાતી માનવતાવાદી પાંખ પૈસા મોકલતી હોવાનું કહેવાય છે.
હાફિઝનો એક માત્ર મુદ્રાલેખ છે આખાય ભારતમાં ઇસ્લામી શાસનની સ્થાપના કરવી. એકવાર ભારત હાથમાં આવી જાય તો દુનિયાના બાકીના દેશોમાં ઇસ્લામી શાસન ફેલાવવાનું બહુ મુશ્કેલ નથી એવું હાફિઝ દ્રઢપણે માને છે. એણે એકવાર કહેલું કે અમે ૨૦૦૧ના ટ્વીન ટાવર પરના હુમલા દ્વારા અમેરિકા અને અન્ય જે કોઇ પોતાને મહાસત્તા સમજતું હોય એ સૌને સંદેશો આપી દીધેલો કે જિહાદીઓ ધારે તે કરી શકે છે.
ફલાહ-એ-ઇન્સાનિયામાં જિનિયસ ભેજા કહેવાય એવા ટોચના ડૉક્ટર્સ, (કોમ્પ્યુટર્સ, ઇલેક્ટ્રીકલ, સિવિલ, એસ્ટ્રોનોમિકલ, ઇલેક્ટ્રોનિક એમ વિવિધ શાખાના ) એંજિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ્, પ્લાનર્સ, શસ્ત્ર નિષ્ણાતો અને કાનૂનવિદો સંકળાયેલા છે. પાકિસ્તાનની નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ઑથોરિટીના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ તારિક પરવેઝના કહેવા મુજબ આ સંસ્થાના સત્કાર્યો દ્વારા હાફિઝ સ્થાનિક લોકોનાં દિલ જીતીને પછી પાકિસ્તાન પર રાજ કરવાના સપનાં જુએ છે.
પાકિસ્તાની લશ્કર કે સરકાર હાફિઝનો વાળ સુદ્ધાં વાંકો કરી શકે એમ નથી. એકવાર એ સર્વસત્તાધીશ બની જાય તો માત્ર પાકિસ્તાન નહીં, સમગ્ર વિશ્વ માટે ગંભીર ખતરો પેદા કરી શકે છે. સમયસર ચેતી જવાની જરૂર છે.
Comments
Post a Comment