દસમુખો અસલી રાવણ એટલે આ...!

ટોપ્સીટર્વી - અજિત પોપટ
24 October 2018

હજુ ગયા સપ્તાહે નવરાત્રિ ગઇ. આપણે સૌ હોંશે  હેાંશે જાગરણો કર્યાં, ગરબા ગાયા અને દાંડિયે રમ્યા. દશેરાએ ફાફડા જલેબી ખાતાં ખાતાં લંકેશ રાવણને ફટાકડા ભરેલા પૂતળા દ્વારા હણી નાખ્યો.

ખરેખર ? વાસ્તવિક પરિસ્થિતિ જોતાં એવું લાગતું નથી. ગેંગરેપ, લૂંટફાટ  અને હત્યા જેવી રોજ બનતી ઘટનાઓની આ વાત નથી. આ વાત જરા જુદી છે અને સમજવા જેવી છે.

વાલ્મીકિ અને તુલસીદાસજી બંનેના રામાયણમાં એક વાત કોમન છે. રાવણને એમ કહેવામાં આવેલું કે તારા દસે માથાં જુદી જુદી વાત કરે ત્યારે તારો વિનાશ નિકટ સમજી લેજે. બહુ સંકેતમય વાત છે આ. આમ તો રાવણ જબ્બર વિદ્વાન હતો. એણે રચેલું શિવતાંડવ સ્તોત્ર જગવિખ્યાત છે.

પરંતુ જનકપુરીમાં સીતા સ્વયંવર પ્રસંગે શિવધનુષ્ય ઊંચકવા જતાં ગબડી પડેલો અને સીતાજીના સાત્ત્વિક સૌંદર્યને જોઇને મોહિત થઇ ગયેલો એટલે સીતાહરણ કર્યું. 

રામાયણ અને મહાભારતની કથાઓને પ્રતીક ગણીને એનું સાંપ્રત સમયના સંજોગોને અનુરૃર અર્થઘટન કરનારા વિદ્વાનો કહે છે કે દસ માથાંળો રાવણ એટલે ખરેખર તો લોકશાહી. એમાં ધારાસભા અને સંસદમાં બિરાજતા તેમજ પ્રધાનપદો ભોગવતા સભ્યો વડા પ્રઘાનનાં દસ માથાં સમાન હોય છે.

એકલા વડા પ્રધાન અણીશુદ્ધ પવિત્ર હોય પરંતુ બાકીનાં માથાં જુદી જુદી વાત કરે ત્યારે લંકેશને આપવામાં આવેલી ચેતવણી યાદ આવે- તારાં દસે દસ માથાં જુદી જુદી વાત કરે ત્યારે સમજજે કે તારો વિનાશ નજીક છે... છેલ્લા પંદર વીસ દિવસની બે ત્રણ ઘટનાઓ પર ઊડતી નજર કરીએ તો ખ્યાલ આવે કે આ ચેતવણી આજે પણ કેટલી બધી સુસંગત (ટાઇમલી) છે.  

 હવે જુદા જુદા માથા દ્વારા કરાયેલાં વિધાનો કે વર્તનની વાત કરીએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતે અલ્ટિમેટમ આપ્યું કે રામ મંદિર બનાવો. ધારો કે મુસ્લિમ સમાજે એકસો ટકા સહકાર આપ્યો અને રામ મંદિર બની ગયું. તેથી શું આપણી સમક્ષની તમામ સમસ્યાઓ હલ થઇ જશે ?

આંતરરાષ્ટ્રીય બજારમાં રૃપિયાનાં મૂલ વધી જશે ? મહારાષ્ટ્રમાં મુંબઇના દરિયામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થપાઇ રહી છે તો ગુજરાતમાં સરદાર વલ્લભભાઇની સૌથી ઊંચી પ્રતિમાની સ્થાપના થઇ રહી છે. આ બંને પ્રતિમાનો સામાજિક-આર્થિક કે શૈક્ષણિક સમસ્યાઓ ઉકેલવામાં કશો ફાળો ખરો ? ના, ના, ના. તો પછી કરોડો રૃપિયાના ખર્ચે આવી પ્રતિમાઓ ઊભી કરીને મિથ્યાગૌરવ અનુભવવાનો ઉદ્દેશ શો ?

 ગુજરાત રાજ્યમાં એક અક્કલમંદ નેતાએ પરપ્રાંતીયોને ભગાડવાની ઝુંબેશ શરૃ કરી. સેંકડો પરપ્રાંતીયો જીવ બચાવવા ભાગ્યા. સરદારે દેશને અખંડિત રાખવા કરેલા ભગીરથ પ્રયાસો પર પાણી ફેરવવાનો આ ઉદ્યમ હતો. એમ જુઓ તો ગુજરાતીઓ દેશ અને દુનિયાના ખૂણેખૂણામાં વસી ગયા છે.

આપબળે વેપાર ધંધા વિકસાવે છે. એમને ત્યાંથી પહેરેલે કપડે ચાલ્યા જવાનો સત્તાવાર હુકમ આપવામાં આવે તો ? અગાઉ યુગાન્ડાના ગાંડા સાસક ઇડી અમીને આવું કરેલું પણ ખરું. એવું અન્યત્ર પણ થઇ શકે. બિહારના નીતિશ કુમાર અને બીજાઓએ કરેલી ટકોર આ સંદર્ભમાં મહત્ત્વની છે કે વડા પ્રધાને પણ ઉત્તર પ્રદેશમાં પાછા જવાનું છે. પરપ્રાંતીયોને ભગાડવાની હાકલ કરનારાને રાવણનું ઔર એક મસ્તક ગણવું પડે.

ખરું પૂછો તો રાધાકૃષ્ણની જોડીમાંનાં રાધાજીની જેમ રાવણ એ વ્યક્તિ નહીં પણ વૃત્તિ છે. આસુરી સંપત્તિનું પ્રતીક છે. એક વિચારકે સરસ વિધાન કરેલું કે દરેક વ્યક્તિ જીવનમાં એકાદ નબળી પળે રાવણ (આસુરી) વૃત્તિનો શિકાર બની જાય છે. પરિણામે અપરાધ જન્મે છે.

અત્યારે રાજ્યો અને કેન્દ્રના શાસક પક્ષના મોટા ભાગના નેતાઓ જુદા જુદા મુદ્દે જુદી જુદી વાત કરી રહ્યા છે. શત્રુઘ્ન સિંહા જેવા ભડભડિયા નેતાની વાત ન કરીએ પરંતુ યશવંત સિંહા જેવા બીજા  કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ ઘણીવાર ભરડી નાખે છે.

એનું નુકસાન મુખ્ય નેતા નામે વડા પ્રધાનને અને શાસક પક્ષને થાય છે. તોળાઇ રહેલી વિધાનસભાઓની અને આવી રહેલી સંસદની ચૂંટણીમાં આ બધા બફાટની બહુ ભારે કિંમત ચૂકવવાની આવશે એનો ખ્યાલ આ અવિચારી બડબડ કરનારા અને તળિયા વગરના લોટા જેવા લોકોને નથી આવતો.

2014માં મળેલી એવી બહુમતીની વાત જવા દો પરંતુ સાદી બહુમતી મળે તો ય ઘણું એવો વિચાર સુદ્ધાં આ વગર વિચાર્યે બડબડ કરતા નેતાઓ સમજતા નથી. મતદારો સાવ ભોટ નથી હોતા એ આ લોકોએ યાદ રાખવું જોઇએ.

ઇંદિરા ગાંધી જેવા વિચક્ષણ અને ધુરંધર નેતાને મતદારોએ એક નાનકડી ચોકડીના આધારે ઘર ભેગાં કરી દીધાં હતાં એ વાત દરેક પક્ષના દરેક નેતાએ યાદ રાખવા જેવી છે. ભીતર રહેલો રાવણ ગમે ત્યારે ઊથલો મારે એ શાસક કે વિરોધ પક્ષ, બંનેના કહેવાતા નેતાઓ માટે અત્યંત જોખમી બાબત ગણાય.

Comments