મૂગા, પણ માણસ કરતાં ચઢિયાતાં છે..

ટોપ્સીટર્વી - અજિત પોપટ

17 October 2018

ગયા પખવાડિયે ઇન્ડોનેશિયામાં થયેલા ધરતીકંપ અને ત્સુનામીએે સેંકડો માણસોનો ભોગ લીધો. અનેક ઇમારતો ધરાશાયી થઇ ગઇ. ઘણા સ્થળે વિનાશક પૂર જેવી સ્થિતિ સર્જાઇ ગઇ. સૌથી વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે પશુ-પંખીઓની ખુવારી સૌથી ઓછી થઇ. મૃત્યુના દૂતો માણસોનેજ વધુ ઉપાડી ગયા. નવાઇ લાગે એવી, પરંતુ સચોટ હકીકત છે. આવું આ પહેલીવાર નથી બન્યું.

અગાઉ પણ આવી ઘટનાઓ વૈજ્ઞાનિકોને ચકિત કરી ગઇ હતી. ૨૦૦૪ના ડિસેંબરની ૨૬મીએ- નાતાલના બીજા દિવસે દુનિયાના ૧૪ દેશોમાં ત્સુનામીએ અક્ષરસ:કાળો કેર વર્તાવ્યો હતો. અઢી લાખ માણસો એ ત્સુનામીમાં કાળનો કોળિયો બની ગયા હતા. માલ મિલકતનો નાશ તો બેફામ હતો. એની સરખામણીએ પશુપંખીઓની ખુવારીનો આંક સાવ મામુલી હતો.

એમાંય આંદામાન નિકોબાર વિસ્તારમાં કરાયેલા એેક સર્વેક્ષણમાં જાણવા મળ્યા મુજબ આધુનિક શહેરી જીવનથી દૂર અને સત્તરમી સદીમાં વસતા હોય એવા આદિવાસીઓને કુદરતના કોપની આગોતરી જાણ થઇ ગઇ હતી. એ લોકો દરિયાની સપાટીથી ખાસ્સા ઊંચે પર્વત પર ચાલ્યા ગયા હતા. એમની વસતિમાં સાવ નજીવી ખુવારી નોંધાઇ હતી. આવું શી રીતે બન્યું હશે ? એક બે પ્રસંગો આ સંદર્ભમાં મૂલવવાની ઇચ્છા જાગે છે.

મહારાષ્ટ્રના સંત જ્ઞાાનેશ્વરના જીવનનો એક પ્રસંગ એવો છે કે એક આખલાને ( કે બળદને ) મારેલા દંડાના સોળ જ્ઞાાનેશ્વરની પીઠ પર ઊપસી આવ્યા હતા. બીજા પ્રસંગમાં મા આનંદમયીની વાત છે. એક દિવસ મા આનંદમયીએ પોતાના સહાયકને બૂમ પાડી, 'અરે કોઇ દોડો, માળીને કહો કે ફલાણા છોડ પર કુહાડી ઊગામે નહીં, એ છોડ મને ક્યારનો મને આજીજી કરી રહ્યો છે કે મા, મને બચાવો...'

વાત થોડી અઘરી પણ સમજવા જેવી છે. હવે તો જો કે આધુનિક વિજ્ઞાાન પણ માણસ અને અન્ય જીવસૃષ્ટિ સાથેના તાદાત્મ્ય વિશે સંશોધન કરી રહ્યો છે. સંત જ્ઞાાનેશ્વરે પોતાને પેલા બળદ કરતાં જુદા ગણ્યા નહોતા તેમ મા આનંદમયી અને ચીસો પાડી રહેલા છોડ વચ્ચે એક પ્રકારની આત્મીયતા હતી.

સમષ્ટિ સાથેનું આ સાયુજ્ય હતું. વ્યક્તિ અને સમષ્ટિ એકજ છે એવી અનુભૂતિ હતી. કુદરત અને કુદરતનાં પરિબળો સાથે આવી તાદાત્મ્યતા અનુભવતા પશુ પંખી તેમજ મનુુષ્યોને આવી રહેલી આફતના એંધાણ મળી જાય છે. જેમને ત્યાં દેશી વિદેશી ઓલાદના કૂતરાં પાળેલાં છે એવા ઘણા લોકોએ ગુજરાત પર ત્રાટકેલા ૨૦૦૧ના ખોફનાક ધરતીકંપ પછી કહેલું કે અમારો ડૉગી પાગલની જેમ ઘરમાં ગોળાકારે દોડાદોડ કરી રહ્યો હતો. અમને સમજાતું નહોતું કે આને અચાનક શું થઇ ગયું કે આમ દોડાદોડ કરે છે ? વાસ્તવમાં એ મૂગા જીવોને આવી રહેલા ધરતીકંપનો અહેસાસ થઇ ગયો હતો. 

માણસે આવી કુદરતી આપત્તિ માટે જાતજાતના યંત્રો પર આધાર રાખવો પડે છે. સિસ્મોગ્રાફ નામનું યંત્ર હોવા છતાં ધરતીકંપની આગોતરી આગાહી આજે પણ માણસ કરી શકતો નથી. ધરતીના પેટાળમાં થતી હિલચાલનો ખ્યાલ આપણે જેમને જાનવર કહીએ છીએ એમને આપણી પહેલાં આવી જાય છે.

ચાલુ વર્ષના ઑગષ્ટમાં કેરળમાં પડેલા વરસાદે બેરહમ ખાનાખરાબી કરી હતી. હવામાન ખાતાની આગાહીઓ પણ આટલા બધા વરસાદની ભવિષ્યવાણી કરી શકી નહોતી. અગાઉનાં વરસોમાં કેદારનાથમાં આવી ખુવારી નોંધાઇ હતી. 

કુદરત સાથે આવી આત્મીયતા માણસ ન સાધી શકે ? કેટલાક સંતો કહે છે કે સાધી શકે. એ માટે માણસે ધ્યાનથી આરંભ કરવો જોઇએ.  સાધુ સંતોને તોળાઇ રહેલા ભાવિનો અણસાર શી રીતે આવી જાય છે ? એના જવાબમાં આ સંતો કહે છે કે એકવાર તમે ગહન ધ્યાનમાં ઊંડા ઊતરવાતા જાઓ ત્યારબાદ તમારામાં કુદરતની કેટલીક (બધી નહીં, થોડીક) હિલચાલનો અણસાર આવવાનો શરૂ થઇ જાય છે.  એક દાખલાથી આ વાત સમજીએ. કેટલીક ફિલ્મોમાં આવાં દ્રશ્યો તમે જોયાં હશે- બે જિગરજાન દોસ્તો અથવા મા-દીકરા વચ્ચે ગાઢ પ્રેમ હોય.

એક દોસ્ત પર થોડા ગુંડાઓ હુમલો કરે ત્યારે બીજા દોસ્તને સતત એક પ્રકારની અકળામણ થાય છે. પુત્ર પર આપત્તિ આવે ત્યારે મા ચોંકીને જાગી જાય છે. સગવડની ભાષામાં આપણે એને ટેલિપથી કહીએ છીએ. વાસ્તવમાં આ બે વ્યક્તિ વચ્ચેની ત્રિગુણાત્મક (શારીરિક માનસિક અને વૈચારિક ) એકતા હોય છે. કુદરતનાં પરિબળો સાથે આવી એકતા માણસ સ્થાપે ત્યારે એને આવનારી કુદરતી આપત્તિનો અણસાર આપોઆપ આવી જાય. 

આ એક એવો ચમત્કાર ગણી શકીએ જેને વિજ્ઞાાનની ભાષામાં સમજાવવો અતિ મુશ્કેલ છે. આધુનિક મનોવિજ્ઞાાન આ એકતાને સમજવા મથી રહ્યું છે. કદાચ વીસ પચીસ વર્ષ પછી એનું રહસ્ય આપણી સમક્ષ ખુલી પણ જાય. ત્યાં સુધી એકદમ સહેલો ઉપાય છે ચિત્તને વિચારશૂન્ય કરવા એટલે કે ધ્યાનમગ્ન થવા માટે રોજ નિયમિત થોડો સમય અચૂક ફાળવવો.

Comments