સિનેમેજિક - અજિત પોપટ
દરેક સંગીતકાર અમુક તમુક વાદ્યનો ઉપયોગ પોતાની સ્ટાઇલથી કરીને અલગ ભાત પાડવા મથતોે હોય છે
અગાઉથી જામી ગયેલા સંગીતકારોની વચ્ચે પોતાનો અલગ સિક્કો જમાવતી વખતે દરેક નવા સંગીતકારે કંઇક નવું કરી બતાવવું પડે. હુશ્નલાલ ભગતરામે શું નવું કરી બતાવ્યું ? સિને મ્યુઝિશિયન એસોસિયેશનના એક સિનિયર સાજિંદાએે જણાવ્યા મુજબ આ બંને ભાઇઓએ આરંભે તબલાં, ઢોલક, વાયોલિન, સારંગી અને હવાઇયન ગિટાર ( જે પાછળથી માસ્ટર હજારા સિંઘ અને વાન શિપ્લેએ ઓ. પી. નય્યર વગેરે સાથે અનિવાર્ય સાજ બનાવી દેખાડેલું)નો ખૂબીપૂર્વકનો ઉપયોગ કર્યો હતો.
તબલાં કે ઢોલક અન્ય સંગીતકારોએ નહોતા અપનાવ્યા એમ નહીં પરંતુ દરેક સંગીતકારનો પોતીકો એક ઠેકો હોય છે. એના મનમાં એ ઠેકો સતત પડઘાતો રહેતો હોય છે. આ બંને ભાઇઓ પણ એ રીતે કહેરવા જેવા સીધાસાદા તાલનો પોતાની આગવી રીતે ઉપયોગ કરતા હતા.
અહીં એેક મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે. અગાઉ કોઇ સંગીતકારે આ વાદ્યોનો સમુચિત ઉપયોગ નહોતો કર્યો એમ નહીં. પરંતુ દરેક સંગીતકાર અમુક તમુક વાદ્યનો ઉપયોગ પોતાની સ્ટાઇલથી કરીને અલગ ભાત પાડવા મથતોે હોય છે. હુશ્નલાલ ભગતરામ પણ એમાં બાકાત નહોતા. એમણે આ વાદ્યોનો ઉપયોગ બડી બહન, મીના બાઝાર, જલતરંગ, અફસાના, શમા પરવાના જેવી ફિલ્મોમાં જે રીતે કર્યો એ તમે આ ફિલ્મોનાં ગીતો સાંભળો ત્યારે ખ્યાલ આવે. એમાં પણ વાયોલિનનો મહત્તમ ઉપયોગ તો ખરોજ.
ગયા સપ્તાહે વાતનો આરંભ લતાજીએ આ બંને માટે ગાયેલાં ગીતોથી કરેલો. આજે એવાજ બે ત્રણ ગીતો સુરૈયાનાં લઇએ. સુરૈયાની પોતાની આગવી ગાયનશૈલી હતી. કંઠની ખૂબી, સ્વરફેંક (થ્રો), શબ્દોની સ્પષ્ટતા અને સંગીતકારને જોઇએ એ રીતે ગીતને પ્રસ્તુત કરવાની ક્ષમતા- આ બધી બાબતો દરેક ગાયક ગાયિકા સાથે સંકળાયેલાં હોય છે. સુરૈયા સાથે હુશ્નલાલ ભગતરામે જે થોડીક ફિલ્મો કરી એમાં બડી બહન, શમા પરવાના, સનમ, કંચન વગેરે ફિલ્મોનાં ગીતોની વાત કરી શકાય. આપણે એવાં બે ત્રણ ગીતોનો આસ્વાદ લઇએ.
આપણે જે શમ્મી કપૂરને એક્સપર્ટ ડાન્સર અને તરવરિયા શમ્મી કપૂર તરીકે ઓળખીએ છીએ એવો એ ૧૯૫૦ના દાયકાના આરભમાં થયો નહોતો. એ પરિવર્તન તો ગીતાબાલી સાથેનાં લગ્ન પછી આવ્યું. ૧૯૫૪ની આસપાસ ડી ડી કાશ્યપની ફિલ્મ શમા પરવાના આવેલી. એમાં શમ્મી કપૂરે મુઘલ કાળના એક કવિનો રોલ કરેલો.
મુઘલ શહેનશાહના મહેલમાં કવિ એક ગીત ગાય છે અને આવી કથાઓમાં બને છે એમ રાજકુમારી એેના પ્રેમમાં પડી જાય છે. એ બંનેને પરણતાં અટકાવવા બાદશાહ કેવાં કાવતરાં ઘડે છે એની આ કથા હતી. સુરૈયા અને શમ્મી કપૂરે મુખ્ય રોલ કર્યા હતા. આ ફિલ્મમાં સુરૈયાના એક બે નહીં ચાર સોલો હતા. એમાંના બે'ક ગીતો તો સુરૈયાના ચાહકો અને મધુર સંગીતના રસિકોને જરૂર યાદ હશે. એવું એક સોલો એટલે આ- 'તેરી કુદરત તેરી તદબીર, મુઝે ક્યા માલૂમ, બનતી હોગી કઇ તકદીર મુઝે ક્યા માલૂમ...'
મજરૂહ સુલતારપુરીના આ ગીતનું ફિલ્માંકન એવી રીતે કરાયું છે કે આસમાન તરફ જોઇને નાયિકા પરમાત્માને ફરિયાદ કરતી હોય. આ પ્રકારના ગીત અને એનું શ્રેષ્ઠ ફિલ્માંકન આપણે પાછળથી કે આસિફની ફિલ્મ 'મુઘલે આઝમ'ના 'બેકસ પે કરમ કીજિયે સરકાર-એ-મદીના' ગીતમાં જોયું. નૌશાદ સાહેબે બેકસ પે કરમમાં રાગ કેદારમાં કમાલ કરી નાખી હતી. શમા પરવાનામાં પોતાના પ્રિયતમની ગેરહાજરીમાં પ્રિન્સેસ આલમ આ ગીત ગાતી હોય એે રીતે રજૂ થયું છે. અહીં પણ સંગીતકારે છ માત્રાનો દાદરા તાલ વાપર્યો છે.
આ જ ગીતના અનુસંધાનમાં રચાયું હોય એવું સુરૈયાના ભાગે આવેલું ઔર એક ગીત એટલે આ ઃ 'તૂ હી ભરોસા, તૂ હી સહારા,પરવરદિગારા પરવરદિગારા...' અહીં પણ દાદ કહો, ફરિયાદ કહો, વીનવણી કહો, આજીજી કહો એવા શબ્દો મજરૂહ સાહેબે વાપર્યા છે. અંતરાની પહેલી બે પંક્તિમાં કહે છે-'કહને લગી હૈ અબ દિલ કી ધડકન, મુશ્કિલ હૈ પાના સાહિલ કા દામન...તૂ હી બદલ દે કિસ્મત કા ધારા, પરવરદિગારા પરવરદિગારા...' બંને ગીતો સરસ બન્યાં હતાં અને સુરૈયાના ચાહકો માટે કલેક્શન આઇટમ જેવાં બની રહ્યાં હતાં.
આ જ ફિલ્મમાં સુરૈયાના બીજા બે સોલો છે- અલવિદા ઓ જાન-એ-તમન્ના અને ઓ પરવાને શમા કો અપની રુસ્વા ન કરના... ફિલ્મ રજૂ થઇ ત્યારે આ બંને ગીતો પણ સારા એવા લોકપ્રિય થયાં હતાં. આજે તો ફક્ત સુરૈયાના ચાહકો માટે એ યાદગાર બની રહ્યાં છે. બાકી આજની પેઢીના બહુ ઓછા ટીનેજર્સને જાણ હશે કે સુરૈયા નામની કોઇ ગાયિકા અભિનેત્રી એક જમાનામાં લાખોની લાડકી હતી.
Comments
Post a Comment