બે મિસાલ સંગીતકાર હુશ્નલાલ ભગતરામ

સિનેમેજિક - અજિત પોપટ

એ સમયે આજના જેવી ટેક્નોલોજી નહોતી છતાં જે મખમલી મધુર ગીતો સર્જાયાં એવાં ગીતો આજે સાંભળવા મળતાં નથી

'આપને એમ કહેવામાં આવે કે આપે દરેક સંગીતકારનંુ તમને ગમતું માત્ર એક ગીત પસંદ કરવાનું આવે તો હુશ્નલાલ ભગતરામના કયા ગીતને તમે પસંદ કરશો ?'  દૂરદર્શનની ડી ડી ભારતી ચેનલ પર શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો દ્વારા જાણીતા થયેલા સંગીત સમીક્ષક યતીન્દ્ર મિશ્રે એવો સવાલ સ્વરકિન્નરી લતા મંગેશકરને પૂછ્યો હતો.

આંખનો પલકારો ય માર્યા વિના લતાજીએ કહ્યું, 'ફિલ્મ અફસાનાનું વો પાસ રહકર ભી પાસ નહીં, હમ દૂર ભી રહકર દૂર નહીં...' લતાજીએ ૧૯૪૦ અને '૫૦ના સંગીતકારોને બિરદાવતાં એક સરસ વાત કરી હતી કે એ સમયે આજના જેવી ટેક્નોલોજી નહોતી છતાં જે મખમલી મધુર ગીતો સર્જાયાં એવાં ગીતો આજે સાંભળવા મળતાં નથી. એકસો ટકા સાચી વાત છે.

આપણે વાત શરૂ કરી હતી હુશ્નલાલ ભગતરામની. ખુદ લતાજી કહે છે કે આ બંને ભાઇઓ પ્રતિભાવાન હતા. પરંતુ એકવાર કામિયાબી મળ્યા બાદ એમણે પોતાનીજ તર્જોનું જુદી રીતે પુનરાવર્તન કરવા માંડયું એમાં એમની કારકિર્દી વહેલી અસ્ત થઇ ગઇ. આની પહેલાંના એપિસોડમાં આપણે વાત કરેલી કે નૌશાદ, શ્યામ સુંદર અને સી રામચંદ્ર વચ્ચે પણ આ બંને ભાઇઓએ સારો પગપેસારો કરી લીધો હતો.

અને હા, લાહોરનું સંગીત શ્યામ સુંદરનું જ હતું. હળવી ભાષામાં કહું તો માણસની જેમ ક્યારેક પેન પણ લખતી વખતે લપસી જાય અને શ્યામ સુંદરના સ્થાને માસ્ટર ગુલામ હૈદર યાદ આવી જાય. આમ તો બંનેએ પંજાબી ફૉકને હાઇલાઇટ કર્યું હતું. કેવા કેવા ટોચના સંગીતકારો વચ્ચે આ હુશ્નલાલ ભગતરામેે પોતાની કારકિર્દીના શ્રીગણેશ માંડયા હતા. એમનાં થોડાં યાદગાર ગીતોનો આસ્વાદ લઇને એમને વિદાય આપીશું.

આ બંને સંગીતકારોને યશ બક્ષનાર બે ગીતો એટલે ૧૯૪૯ની ફિલ્મ 'બડી બહનટ' માટે એક સોલો અને એક ડયુએટ. સોલો ગીત એટલે 'ચલે જાના નહીં, નૈન મિલા કે હાય, સૈયાં બેદર્દી... ' રાજેન્દ્ર કૃષ્ણના શબ્દો હતા. ગાયિકા અભિનેત્રી સુરૈયા, ચુલબુલી નટખટ અભિનેત્રી ગીતા બાલી, રહેમાન, પાછળથી એક અને અજોડ વિલન બની રહેલા પ્રાણ અને ઉલ્હાસને ચમકાવતી ડી ડી કાશ્યપની ફિલ્મ 'બડી બહન'નું આ ગીત પ્રાણ અને ગીતા બાલી પર ફિલ્માવાયું હતું.

આ ગીતની બે-ત્રણ ખૂબી હતી- એક, એની તર્જ રમતિયાળ બની હતી અને બે, ગીતમાં સ્ટોરી આગળ વધવાનો અણસાર હતો. વાર્તામાં પ્રાણ પ્રેમનું નાટક કરીને ગીતા બાલીને પ્રેગનન્ટ બનાવીને છૂ થઇ જાય છે એવી વાત હતી. એટલે આ ગીતમાં એનો અણસાર છે ચલે જાના નહીં, નૈન મિલા કે.. અને સૈયાં બેદર્દી... એજ રીતે મુખડાને જ્યાં ઝટકો આપવામાં આવ્યો એ પણ આવનારા સમયનો સંકેત કરે છે, ચલે જાના નહીં, પછી આ ક્ષણજીવી ઝટકો આવે છે.  ખૂબી તર્જમાં માણી શકાય છે. જેમ જેમ ફિલ્મની કથા આગળ વધતી જાય તેમ તેમ ગીતના શબ્દોનો મર્મ સ્પષ્ટ થાય છે.

લતાજી અને પ્રેમલતાના કંઠે ગવાયેલું ગીત પણ એ રીતે અલગ ભાત પાડે છે. પ્રેમલતા મૂળ તો સંગીત માર્તંડ પંડિત ઓમકારનાથ ઠાકુરની શિષ્યા. શાસ્ત્રીય સંગીતની સ્કોલર, પંડિતજીએ લખનઉમાં સ્થાપેલા સંગીત વિદ્યાલયની આચાર્યા. આપણા શાસ્ત્રીય સંગીતના ધુરંધરો પંડિત રવિશંકર અને અલી અકબર ખાનની જેમ શરૂમાં પ્રેમલતાએે પણ ફિલ્મ સંગીતમાં થોડુંક પ્રદાન કરેલું.

એવું એક ગીત એટલે લતાજી સાથે ગાયેલું બડી બહનનું 'ચૂપ ચૂપ ખડે હો, જરૂર કોઇ બાત હૈ, પહલી મુલાકાત હૈ...' ગીતના શબ્દો અને તર્જ બંને પહેલીવાર મળતા અને એકમેક તરફ આકર્ષાતા યુવક-યુવતીના મનોભાવને વ્યક્ત કરે છે. અહીં પણ આઠ માત્રાના કહેરવા તાલની લચક માણી શકાય છે.

તર્જમાં જે રીતે 'ચૂપ ચૂપ..' શબ્દો લહેરાય છે અને 'જરૂર કોઇ બાત હૈ..' રજૂ થાય છે એમાં સંગીતકારની સૂઝ-સમજ માણી શકાય છે. લતાજીએ કહ્યું એમ તદ્દન પાંખી ટેક્નોલોજી દ્વારા આટલું સરસ રિઝલ્ટ આપવામાં સંગીતકારો સફળ થયા છે.  શબ્દોને બહેલાવવાની અને સૂરાવલિમાં રમાડવાની બંને ભાઇઓની ખૂબી માણી શકાય છે. (ક્રમશઃ)

Comments