ટોપ્સીટર્વી - અજિત પોપટ
05 September 2018
બોલિવૂડ અને હોલિવૂડ બંનેની ફિલ્મોમાં ચમકી ગયેલી ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં પોતાના અમેરિકી બૉયફ્રેન્ડ નીક જોનસ સાથે સગપણની જાહેરાત કરી. બંનેની ઉંમરમાં ખાસ્સો ફરક છે.
સામાન્ય રીતે ભારતમાં જોડી નક્કી કરતી વખતે સ્ત્રી કરતાં પુરુષ એકાદ બે વરસ મોટો હોય એ જોવામાં આવે છે.
કેટલીક જોડીઓમાં આ ફરક વધુ પણ નોંધાયો છે જેમ કે દિલીપ કુમાર અને સાયરા બાનુ અથવા ધર્મેન્દ્ર અને હેમા માલિની. પરંતુ પ્રિયંકાના કેસમાં ઊલટું જોવા મળ્યું. પ્રિયંકા એના મંગેતર કરતાં અગિયાર વર્ષ મોટી છે.
આપણે તો એને શુભેચ્છા આપીએ કે તમારી જોડી સલામત રહે. બાકી અગાઉ આવી કેટલીક જોડી ફટકિયા મોતી જેવી નીવડી હતી. દાખલા તરીકે વીતેલા દાયકાઓની ટોચની અભિનેત્રી અમૃતા સિંઘ અને છોટે નવાબના હુલામણા નામે જાણીતો અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાન.
આ બંને ૧૯૯૧માં પરણ્યાં ત્યારે સૈફ માત્ર ૨૧ વર્ષનો અને અમૃતા ૩૩ વર્ષની હતી. બે બાળકો થયાં પછી કોણ જાણે શું થયું, ૨૦૦૪માં આ જોડી ખંડિત થઇ.
વાત પુરુષ કરતાં સ્ત્રીની ઉંમર વધુ હોય અને છતાં જોડી જામી હોય એની છે.
હોલિવૂડની એક સમયની ટોચની અભિનેત્રી એલિઝાબેથ ટેલરે અડધો ડઝનથી પણ વધુ લગ્ન કર્યાં હતાં અને કેટલીક વાર તો એનો પતિ એના યુવાન પુત્ર કરતાં પણ નાનો હતો. જો કે હોલિવૂડ અને યૂરોપના દેશોની વાત જુદી છે.
ભારત પૂરતી વાત રાખીએ તો એવી વણલખી પરંપરા છે કે સ્ત્રી કરતાં પુરુષ મોટો હોવો જોઇએ. પ્રિયંકાએ એ પરંપરા તોડી છે. અલબત્ત, આવું કરનારી એ પહેલી મહિલા નથી. એ સેલેબ્રિટી છે એટલે આવી ચર્ચા ચાલી છે.
એની પહેલાં ટોચની કોરિયોગ્રાફ કમ ફિલ્મ સર્જક ફારાહ ખાને આવું કર્યું હતું. ૨૦૦૪માં ફારાહ ખાને પોતાની ફિલ્મ મૈં હું ના એડિટર શિરીષ કુન્દર સાથે લગ્ન કર્યાં ત્યારે પણ ઘણાને વિસ્મય થયું હતું. શિરીષ ફારાહ કરતાં અગિયાર-બાર વર્ષ નાનો છે. જો કે તેમનું દાંપત્ય જીવન સુમેળભર્યું છે અને એમને એક સાથે ત્રણ (ત્રિપ્લેટ) બાળકોની ભેટ મળી છે.
બોલિવૂડના આવા કિસ્સાનો આરંભ મધર ઇન્ડિયા ફેમ નર્ગિસ અને અભિનેતા સુનીલ દત્તથી થયો એમ કહીએ તો ચાલે. આ બંને પરણ્યાં ત્યારે નર્ગિસ તો બહુ મોટી સ્ટાર હતી જ્યારે સુનીલ દત્ત હજુ સંઘર્ષ કરતા હતા.
જો કે આ બંનેની જોડી સમગ્ર બોલિવૂડમાં આદર્શ જોડી ગણાઇ ગઇ. નર્ગિસ પોતાના પતિ કરતાં ફક્ત એક વર્ષ મોટાં હતાં. આજની જોડીઓની વાત કરીએ તો ટોચની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન એના પતિ અભિષેક બચ્ચન કરતાં બે વર્ષ મોટી છે. તો સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન એના પતિ કુણાલ ખેમુ કરતાં પાંચ વર્ષ મોટી છે. વીતેલા દાયકાની એક જોડી આદિત્ય પંચોલી અને એની પત્ની ઝરીના વહાબ વચ્ચે પણ છ વર્ષનો ફરક છે.
ઝરીના આદિત્ય કરતાં છ વર્ષ મોટી છે. જો કે બંનેના લગ્ન છેલ્લાં ત્રીસ વર્ષથી ટકી રહ્યાં છે. ટોચનો અભિનેતા-ગાયક-સંગીતકાર-ફિલ્મ સર્જક ફરહાન અખ્તર હવે તો પોતાની પત્ની અધૂનાને તલાક આપી ચૂક્યો છે. આ બંને વચ્ચે પણ છ વર્ષનો ફરક હતો. બંનેને બે પુત્રી છે.
આમ આ બધી જોડીમાં સ્ત્રી ઉંમરમાં મોટી હોવા છતાં આ જોડાં કજોડાં ગણાતાં નથી. જો કે મોટી વયના પુરુષને પરણતી સ્ત્રી માટે એવી માન્યતા છે કે પિતાનો પ્રેમ ઓછો અથવા ન મળ્યો હોય એવી સ્ત્રીઓ ખાસ્સી મોટી ઉંમરના પુરુષને પતિ તરીકે સહેલાઇથી સ્વીકારી લે છે.
તો યુવાન પુરુષ મોટી વયની સ્ત્રી તરફ કયા કારણે આકર્ષાતો હશે એ પણ મનોવૈજ્ઞાનિક પૃથક્કરણનો સરસ કિસ્સો બની શકે. ખરું કે નહીં ?
Comments
Post a Comment