સિનેમેજિક - અજિત પોપટ
આજે મહિનાનો છેલ્લો શુક્રવાર, ટીનેજર્સને ગમતાં ગીતો આપનારા સંગીતકારની વાતો મમળાવવાનો શુક્રવાર. હજુ હમણાં સુધી આપણે દર માસના છેલ્લા શુક્રવારે સંગીતકાર પ્રીતમની વાતો કરતા હતા.
આજે એક નવા સંગીતકારની વાત શરૂ કરીએ છીએ. છે..ક ૧૯૫૦થી આપણો એવો અનુભવ રહ્યો છે કે ફિલ્મ હિટ જાય તો ગીતો અને ગીતકાર-સંગીતકાર યાદ રહે.
બાકી ઇલ્લે ઇલ્લે. એમાં જો કે અપવાદ પણ હતા. કેટલીક ફિલ્મો રજૂ થતાંની સાથે પીટાઇ ગઇ હતી. પરંતુ એનું સંગીત ખૂબ ગાજ્યું હતું. પરંતુ આવા કિસ્સા અપવાદ રૂપ હતા અને અપવાદના નિયમો બનતા નથી. આજે જે સંગીતકારની વાત કરવી છે એની સાથે પણ એક એવો બનાવ બની ગયો. ત્યાંથી વાતની શરૂઆત કરીએ તો કેમ રહેશે ?
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ફિલ્મ હોય કે ટેલિવિઝન યા સ્ટેજ પ્રોગ્રામ હોય, અમિતાભ બચ્ચન જવલ્લેજ ફ્લોપ નીવડયા છે. પરંતુ એક ટીવી શો વચ્ચે એવો આવી ગયો જે ફ્લોપ નીવડયો અથવા એમ કહો કે એનેા ટીઆરપી ઓછો હોવાથી એના સર્જકોને રસ ન રહ્યો.
એમાં એન્કર તરીકે અમિતાભ જરાય ઊણા ઊતર્યા નહોતા. સ્ક્રીપ્ટ પણ સરસ હતી, છતાં આ ટીવી શો એટલી હદે નબળો નીવડયો કે રજૂ થયાના થોડા મહિનામાં એ પાછો ખેંચી લેવો પડયો. યાદ છે તમને એ શો ? ૨૦૧૫ના ઓક્ટોબરમાં રજૂ થયેલો આ શો એટલે 'આજ કી રાત હૈ જિંદગી...' આ શોના ટાઇટલ અને એના એન્કર અમિતાભ બચ્ચન સિવાય આપણને બીજું કશું યાદ નથી. તો શોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પીરસનારા સંગીતકારનું નામ તો ક્યાંથી યાદ હોય ? તો યહ બાત હૈ, દોસ્તોં... માત્ર તેર એપિસોડમાં શો સમેટાઇ ગયો હતો.
હવે દ્રશ્ય બીજું. મુંબઇના વાંદરા ઉપનગરમાં મોટા ભાગના સુપર સ્ટાર્સ કહેવાય એવા કલાકારો વસે છે. સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન... બસ બસ રહેવા દો. વધુ નામો લઇને યાદી બનાવવી નથી. વાંદરા ઉપનગરમાં વસતા એક ભૂદેવ પરિવારના પુત્રની વાત છે. આમ જુઓ તો વરસો સુધી એણે ભારતીય કે પાશ્ચાત્ય સંગીતની બાકાયદા તાલીમ લીધી નથી. પરંતુ કેટલાક લોકો જન્મજાત પ્રતિભા ધરાવતા હોય છે.
જે સંગીતકાર યુવાનની વાત માંડવી છે એને પણ તમે જન્મજાત પ્રતિભા કહી શકો. આપસૂઝથી આગળ વધવામાં એને આ જન્મજાત પ્રતિભાએ ઘણી મદદ કરી છે. વનરાજ ભાટિયા કે રજત ધોળકિયાની જેમ એણે જાહેરખબરોની જિંગલ્સથી સર્જનકલાના શ્રી ગણેશ માંડયા હતા.
કૉલેજકાળમાં એકાદ બેન્ડ સાથે સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા હતા. એ રીતે સર્જન કરવામાં એને અનેરો આનંદ આવતો હતો. એક કોમન ફ્રેન્ડે એને આગેવાન ફિલ્મ સર્જકનો અછડતો પરિચય કરાવ્યો. એ કોમન ફ્રેન્ડ બોલિવૂડને એક નવો પ્રતિભાવાન સંગીતકાર આપવામાં નિમિત્ત બન્યો. આજની યુવાપેઢીને આકર્ષે એવો એક સંગીતકાર આપણને સાંપડયો.
અહીં એક નાનકડી આડવાત. આજના ટીનેજર્સ ખૂબ ખૂબ ભાગ્યશાળી છે. માત્ર આંગળીના ટેરવે એમની સમક્ષ દુનિયા આખીનો સંગીત ખજાનો ખુલી જાય છે. એટલે કોણે ક્યાંથી કયા ગીતની તર્જ ઊઠાવી કે સંપાદિત કરી એ આજના ટીનેજર્સને આંખના પલકારામાં ખબર પડી જાય છે.
જે યુવા પ્રતિભાની વાત હવે પછી આપણે કરવાના છીએ એના પર 'કોપીકર'નું લેબલ લગાડી શકાય એવંુ નથી. એણે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને પોતાની રીતે તર્જો બનાવી છે અને નાના મોટા સૌને ગમી છે. એ એનો પ્લસ પોઇન્ટ છે. એના દિલ-ઓ-દિમાગ પર કોઇનો પ્રભાવ કે અસર નથી. ચોક્કસપણે એમ કહી શકાય નહીં કે એના પર ફલાણા સંગીતકારનો પ્રભાવ છે.
અહીં ઔર એક આડવાત. ૧૯૮૦ના દાયકામાં મિથુન ચક્રવર્તી ગરીબ ફિલ્મ સર્જકોના અમિતાભ બચ્ચન તરીકે પંકાયો હતો. જે ફિલ્મ સર્જકને અમિતાભની ફી ન પરવડે એ મિથુનને સાઇન કરે એવી ખરીખોટી માન્યતા હતી. જે યુવાન સંગીતકારની વાત હવે આપણે શરૂ કરવાના છીેએ એને કોઇ સમીક્ષકેે ગરીબ ફિલ્મ સર્જકોના એ આર રહેમાન તરીકે ઓળખાવવાના પ્રયાસો કર્યા હતા.
એ સરખામણી કેટલી ખોટી હતી એ આપણે આવતા મહિનાના છેલ્લા શુક્રવારથી જોઇશું. ૨૦૦૪-૦૫થી કારકિર્દીનો આરંભ કરનારા આ ગુજરાતી સંગીતકારના સર્જનને હવે આપણે માણવાના છીએ. ધીરજ રાખજો. છેલ્લેા શુક્રવાર દર મહિને એકજ વાર આવે છે... ત્યાં સુધી વાટ જોવી રહી.
Comments
Post a Comment