ટોપ્સીટર્વી - અજિત પોપટ
26 September 2018
દાયકાઓ પહેલાં જૂની ગુજરાતીમાં એક વાર્તા આવતી. તરસ્યા કાગડાએ એક સાંકડા મોઢાવાળું વાસણ જોયું. એમાં ખાસ્સું તળિયા પાસે થોડુકં પાણી હતું. ચતુર કાગડો એક એક કરીને કાંકરા લાવ્યો અને વાસણમાં નાખ્યા.
પાણી ઉપર આવ્યું અને કાગડાએ પી લીધું. આજના ઇન્ટરનેટ યુગનાં બાળકો હોય તો કહેશે, આવું કેમ કર્યું ? એના કરતાં એક સ્ટ્રો લાવીને પાણી પી શક્યો હોત. ખેર, શરાધિયા શરૂ થયા. બે સપ્તાહ સુધી મંગળ કાર્યો નહીં થાય.
ભાદરવા વદ પડવાથી અમાસ સુધીના દિવસો કેટલીય સદીઓથી શ્રાદ્ધના દિવસો ગણાય છે. નાનો મોટો દરેક પરિવાર પોતાના દિવંગત વડીલોને યાદ કરીને ધાબા પર વડીલોને ભાવતી વાનગી મૂકશે અને કાગડા રૂપે પિતૃઓ આવીને એ ગ્રહણ કરશે એવી માન્યતા સમાજમાં પ્રવર્તે છે આમ તો કાગડો દીઠો ગમે નહીં અને એનો કર્કશ ધ્વનિ બપેાર વેળાએ વામકુક્ષી કરતી વખતે સંભળાય તો ઘણાનેે ગુસ્સે આવી જાય છે.
પરંતુ અહીં એક સરસ વાત નોંધવા જેવી છેે. મહર્ષિ વેદ વ્યાસજીના મહાભારતમાં અંતે એક શ્વાન (કૂતરો) છેક સુધી યુધિષ્ઠિરની સાથે રહે છે, તો મહર્ષિ વાલ્મીકિ અને તુલસાદાસજીના રામાયણમાં દેવરાજ ઇન્દ્રનો પુત્ર કાગડા સ્વરૂપે સીતાજીના પગના અંગુઠામાં ચાંચ મારે છે એવો ઉલ્લેખ છે.
ભગવાન રામનું બાણ એની પાછળ પડે છે.
કાગડો સમગ્ર સૃષ્ટિમાં નાસતો ફરે છે પરંતુ ભગવાન રામના ગુનેગારને આશ્રય આપવા કોઇ તૈયાર નથી. આખરે હારી થાકીને કાગડો ભગવાન રામ કને પાછો ફરીને માફી આપવા કરગરે છે.
ગુનો કર્યો તો સજા તો ભોગવવી પડે એ ન્યાયે તુલસીદાસજી કહે છે એમ 'સુનિ કૃપાલ અતિ આરત બાની, એક નયન કરી તજા ભવાની...' ભગવાન રામે એને કાણો કરીને જતો કર્યો. એનો અર્થ એ છે કે કૂતરો અને કાગડો છેક મહાભારત-રામાયણ કાળથી માનવ સમાજ વચ્ચે રહ્યા છે.
જો કે એને પિતૃ તરીકે કેમ ગણવામાં આવ્યો એનો પ્રતીતિજનક ખુલાસો મળતો નથી.
કાગડો આમ તો ખૂબ ચતુર પંખી ગણાય છે. તમે સહેલાઇથી કાગડાને પાળી શકો નહીં. જો કે આવા ચતુરસુજાણ કાગડાને છેતરનારું એક પંખી છે ખરું. એમ કહેવાય છે કે કોયલ પોતાના ઇંડા પોતે સેવતી નથી પણ કાગડીનાં ઇંડાં સાથે મૂકી આવે છે.
કાગડો પરિવાર પ્રિય પંખી છેે એટલે કાગડી ઇંડાં મૂકે એનું રક્ષણ કાગડો પોત્તે કરે છે. કાગડીનાં ઇંડાં સાથે કોયલનાં ઇંડાં સેવાઇ જાય છે. એક હળવી કલ્પના એવી પણ કરી શકાય કે કદાચ કાગડાને મધુરકંઠી કોયલ પ્રત્યે એકપક્ષી પ્રેમ હશે એટલે ઇંડાં પોતાના નથી એમ જાણ્યા પછી પણ એને સેવી નાખે. એ કંઇ માણસ થોડો છે કે પ્રેમ નહીં સ્વીકારનાર યુવતી પર એસિડ રેડી દે ?
પર્યાવરણવાદીઓ અને પક્ષીવિદો કાગડાને કુદરતનો સફાઇ કર્મચારી ગણે છે. ધરતી પર પડેલો એંઠવાડ, મરેલાં ઢોરનું માંસ કે ગાય ભેંસની પીઠ પરના જખમમાં પડેલાં જીવજંતુ કાગડો ઠોલી ખાય છે. એ રીતે એ ગંદકીને દૂર કરે છે.
દુનિયા આખીમાં ચાલીસેક જાતના કાગડા છે. કાગડો આદિ કાળથી માણસની સાથે રહ્યો છે એના પુરાવા રૂપે કેટલાક રૂઢિપ્રયોગો કે લોકોક્તિઓ પણ મળે છે.
એક લોકોક્તિ તો ખૂબ જાણીતી છે.
ઘરની બારી પર બેસીને કાગડો બોલે તો ઘરે મહેમાન આવે એવી માન્યતા છે.
મેવાડની રાજરાણી ભક્ત કવયિત્રી મીરાંના નામે ચડેલું એક સુભાષિત પણ બહુ પ્રચલિત છે- 'કાગા સબ તન ખાઇયો, ચુન ચુન ખાઇયો માંસ, યહ દો નૈના મત ખાઇયો, મોંહે પિયા મિલન કી આસ...' વિજ્ઞાાનીએા કહે છે કે કાગડાની ચાંચ અન્ય પક્ષીઓની તુલનાએ ખૂબ કઠોર હોય છે. ભૂલથી પણ તમને ચાંચ મારી દે તો ક્વચિત્ હાડકું પણ ભાંગી નાખે.
ઔર એક લોકોક્તિ પણ પોલિટિશ્યનોના સંદર્ભમાં બહુ બોલાય છે- કાગડા સર્વત્ર કાળા. નેતા તો બધા પક્ષના સરખા...
એવો કાળો, કદરૂપો અને લગભગ વરસ આખું ધિક્કારાતો કાગડો આજથી પંદર દિવસ માટે પિતૃ તરીકે પ્રિય પરોણો બની રહેવાનો છે. જો કે વૃક્ષોના આડેધડ નિકંદનના પગલે અન્ય પક્ષીઓની જેમ હવે કાગડા પણ દુર્લભ થવા માંડયા છે.
આપણા પુણ્ય જોર કરતાં હોય તો આપણા ધાબે પિતૃ બનીને શ્રાદ્ધની વાનગીઓ ઝાપટવા આવેય ખરો.
Comments
Post a Comment