વિસર્જન- મૂર્તિનું કે વિવેક બુદ્ધિ-કોમન સેન્સનું? કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે

ટોપ્સીટર્વી - અજિત પોપટ
19 September 2018

બરાબર ચાર દિવસ પછી રવિવાર, 23 સપ્ટેંબરે અનંત ચતુર્દશીએ વિઘ્નહર્તા ગણેશજીને ભાવભરી વિદાય અપાશે. પ્લાસ્ટર ઑફ પેરિસ અને મૂર્તિની સજાવટ માટે વપરાતા રાસાયણિક રંગો નદી-સાગરના જળને કેટલી હદે પ્રદૂષિતકરી રહ્યા છે એ વિશે સેંકડો લેખો પ્રગટ થઇ ગયા. ટીવી ચેનલ્સ પર ખંડિત મૂર્તિઓ સાથેના અહેવાલ છેલ્લાં કેટલાંય વરસોથી પ્રગટ થાય છે. 

વીસ પચીસ વર્ષ પહેલાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોમાં ફક્ત ગણપતિ દાદાની મૂર્તિઓ બનતી. ઉત્તર ભારત અને કોલકાતામાં મહિષાસુર મર્દિનીની પ્રતિમા બનતી.

પરંતુ પછી કોણ જાણે શી રીતે બીજાં પર્વો સાથે મૂર્તિઓ જોડાઇ ગઇ. દશામાના વ્રતની મૂર્તિઓ સુધી વાત બરાબર હતી. આ વરસે પહેલીવાર જન્માષ્ટમીએ ગીતાકાર ભગવાન કૃષ્ણની મૂર્તિઓ બની અને એનું વિસર્જન થયું.

સાચું પૂછો તો આ આપણા સૌની વિવેકબુદ્ધિનું વિસર્જન છે. દરિયા કિનારા અને નદીતટો દિવસે દિવસે વધુ ને વધુ ગંદા બનતાં જાય છે. આટલું ઓછું હોય તેમ દેવદેવીની મૂર્તિઓના વિસર્જનના પગલે જળચરોનો પણ ભોગ લેવાય છે. રાસાયણિક રંગો ભળવાથી પાણીમાં રહેલો ઓક્સિજન ઘટે છે અને જળચરો તરફડી તરફડીને મરે છે.  

 પરંતુ ઉત્સવ પૂરો થયા પછી એજ મૂર્તિને ગમે તેમ પધરાવી દેવાથી તો ઊલટું આપણે દોષમાં પડીએ છીએ. ભક્તિ વિકૃતિમાં પલટાઇ જાય છે કારણ કે પ્રકૃતિ-પર્યાવરણની સમતુલા જળવાતી નથી. વધુ આકરી ભાષામાં કહીએ તો દેવપ્રતિમાનું વિસર્જન કરનારા આપણે કોણ ? પરમાત્માના સ્વરૂપનું વિસર્જન કાળા માથાનો માનવી શી રીતે કરી શકે ? આ ભક્તિ તો નથી. કદાચ ભક્તિનો દેખાડો  કહેવાય. યથા પિંડે તથા બ્રહ્માંડે એમ ગ્રંથોમાં કહ્યું છે, એ વિચારને વિસ્તારીને કબીરે કહ્યું, મોકો કહાં ઢૂંઢે બંદે મૈં તો તેરે પાસ મેં.. હું તો તારા હૃદયમાં બિરાજમાન છું. મને બહાર ક્યાં શોધે છે ?

કબીરના જ ઔર એક ભજનમાં વધુ સચોટ રીતે વાત કરી છે- પાની મેં મીન પિયાસી મોં હે સુન સુન આવે હાંસી... (પાઠાંતરમાં મોં હે દેખત આવે હાંસી એમ પણ છે).  

બાળ ગંગાધર લોકમાન્ય ટિળકે બ્રિટિશ સરકાર સામેના સ્વાતંત્રય સંગ્રામ દરમિયાન વિવિધ કોમો અને જ્ઞાાતિજાતિને સંગઠિત કરવા ગણેશોત્સવની સ્થાપના કરી હતી. એ સ્થાપના ત્યારબાદ એક સાર્વજનિક ઉત્સવ બની રહી. એમાં કશું અનુચિત નથી. પરંતુ ઉત્સવની ઉમળકાભરી ઊજવણી પછી એ જ દિવ્ય સ્વરૂપની આવી ઘોર અવગણના શી રીતે કરી શકાય ? 

આ તો પરસ્પર વિરોધી વર્તન ગણાય. એમાં ન રહે ભક્તિ કે ન રહે ભાવ, ઊલટું આપણે જેને ઘેર કે સ્થાનિક વિસ્તારમાં લાવીને પ્રાણપ્રતિષ્ઠા કરેલી એનેા નિતાંત અનાદર થયો ગણઆય. વાત શાંતિથી-સ્વસ્થતાથી વિચારવા જેવી છે. 

અજાણતામાં થયેલી ભૂલ માફ થાય છે પરંતુ સમજી-વિચારીને રઘવાયા બનીને કરેલી ભૂલ માફ થતી નથી. આવી ભૂલ અક્ષમ્ય ગણાય.  જાગ્યા ત્યાંથી સવાર ગણીને વિધિવત્ વિસર્જન કરજો... તો જ પુઢચ્યા વર્ષી લૈાકર યા (આવતા વર્ષે વહેલા પધારજો ) એમ કહેવાનો અધિકાર મળશે...

Comments