સુવર્ણયુગની પહેલી સંગીતકાર જોડી- ખીલી લતાજીની સાથોસાથ, પરંતુ બહુ જલદી મુરઝાઇ ગઇ

સિનેમેજિક - અજિત પોપટ

પંડિત દિલીપચંદ્ર બેદીને વીસમી સદીના મહાન ગાયક, વાદક, શાસ્ત્રકાર, સમીક્ષક, રચનાકાર અને શિક્ષક તરીકે ઓળખાવાયા છે

૧૯૪૨માં એક તરફ રાષ્ટ્રપિતા ગાંધીજીની ક્વીટ ઇન્ડિયા લડત ચાલુ હતી ત્યારે પહિલી મંગળાગૌર ફિલ્મથી સ્વરકિન્નરી લતા મંગેશકરની કારકિર્દીનો ઉદય થયો.

લગભગ એ જ સમયગાળામાં એક તરફ સજ્જાદ હુસૈન, વિનોદ, ગુલામ હૈદર, અનિલ વિશ્વાસ, નૌશાદ અને સી રામચંદ્ર જેવા ધુરંધર સંગીતકારો પોતપોતાની રીતે કામ કરી રહ્યા હતા.

 આપણે જેને ફિલ્મ સંગીતના સુવર્ણયુગ તરીકે ઓળખીએ છીએ એ પ્રક્રિયાનો સૂર્યોદય પણ આ સમયગાળામાં થયો. આ સમયગાળામાં હિન્દી ફિલ્મ સંગીતને સંગીતકારોની પહેલી જોડી મળી એમ કહીએ તો ચાલે. આ જોડીનો સૂર્યાસ્ત થવામાં હતો ત્યારે શંકર જયકિસન, એ પછી કલ્યાણજી આનંદજી અને છેલ્લે આવી લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડી.

આ જોડી એવા સમયે ફિલ્મ સંગીત સાથે સંકળાયેલી હતી જ્યારે ફિલ્મ સંગીત પણ સતત પરિવર્તન પામી રહ્યું હતું. દાખલા તરીકે માસ્ટરજી તરીકે ઓળખાતા સંગીતકાર ગુલામ હૈદર પંજાબી લોકસંગીતને ફિલ્મ સંગીતમાં લાવ્યા એનું જ ઔર એક સ્વરૂપ પાછળથી આ સંગીતકાર જોડીમાં જોવા મળ્યું જેની પરાકાષ્ઠા ઓ પી નય્યર રૂપે આપણને સાંભળવા મળી. અનિલ વિશ્વાસે કે સી રામચંદ્રે પાશ્ચાત્ય સંગીતના જે પ્રયોગો કર્યા એનું પૂર્ણ વિકસિત સ્વરૂપ પાછળથી શંકર જયકિસનમાં જોવા મળ્યું.

૧૯૪૬-૪૭ પછી આવેલી સંગીતકારની જોડીઓ કરતાં લતાજીની સાથોસાથ જે સંગીતકાર જોડી વિકસી એની ખૂબી એ હતી કે એ બંને કલ્યાણજી આનંદજીની જેમ સગ્ગા ભાઇઓ હતા અને એકમેકને પૂરક (સપ્લીમેન્ટરી) હતા. એ જોડી એેટલે પંડિત હુશ્નલાલ ભગતરામ. એક ભાઇ અવ્વલ દરજ્જાનો હાર્મોનિયમ પ્લેયર હતો. બીજો ભાઇ વાયોલિનવાદનનો એક્કો હતો. એ સમયના સૌથી ટોચના  ક્રિશ્ચન અને ગોવાનીઝ વાયોલિનવાદકો પણ આ ભાઇને સલામ કરતા એવું સરસ વાયોલિન એ વગાડતા.

સૌથી રસપ્રદ વાત એ હતી કે શાસ્ત્રીય સંગીતના ભલભલા દિગ્ગજો જેમના નામમાત્રથી ડરતા એવા પંડિત દિલીપ ચંદ્ર બેદી આ બંનેના ગુરુ હતા. એટલે એમના સંગીતની વાત કરતી વેળા પંડિત દિલીપ ચંદ્ર બેદીના વ્યક્તિત્વની ઊડતી ઝલક મેળવી લેવી યોગ્ય ગણાશે. પંડિત દિલીપચંદ્ર બેદીને વીસમી સદીના મહાન ગાયક, વાદક, શાસ્ત્રકાર, સમીક્ષક, રચનાકાર અને શિક્ષક તરીકે ઓળખાવાયા છે.

સૌથી મહત્ત્વની વાત એ હતી કે એ ખ્યાલ ઉપરાંત ધુ્રપદ ગાયકીના પણ ટોચના કલાકાર હતા. સામાન્ય રીતે ધુ્રપદિયા તરીકે ઓળખાતા કલાકારો માત્ર ધુ્રપદ ગાતા હોય છે અને ખ્યાલ ગાયકીના કલાકારો માત્ર ખ્યાલ અને ઠુમરી વગેરે ગાતાં હોય છે.

બેદીજી ગાયકીના તમામ અંગોના દિગ્ગજ હતા અને શુદ્ધતાના તો એવા આગ્રહી કે એમની હાજરીમાં કોઇ કલાકાર કંઇ ભૂલ કરે તો બેદીજી તરત જાહેરમાં એને પડકાર ફેંકતા. એકવાર તો સંગીત માર્તંડ પંડિત ઓમકારનાથજીને આ રીતે જાહેરમાં પડકારેલા અને પંડિતજીએ ખેલદિલીપૂર્વક ભૂલનો સ્વીકાર કરેલો.

બેદીજી જુદા જુદા બે ત્રણ ઘરાનાના શિષ્ય થયા હતા અને દરેક ગુરુ-શિષ્ય પરંપરાની શુદ્ધતા જાળવવા છેલ્લે સુધી મથ્યા હતા. એમના જેેવી નૈતિક હિંમત ત્યારબાદ માત્ર રાવજીભાઇ પટેલમાં જોવા મળેલી જે ગુજરાત ગાંધર્વ મહાવિદ્યાલયના સ્થાપકોમાં એક હતા. એ પણ શાસ્ત્રીય સંગીતની રજૂઆતમાં લોલે લોલ ચલાવતા કલાકારને જાહેરમાં પડકારતા.

ખેર, વાત હુશ્નલાલ ભગતરામની છે.  આ બંને ભાઇઓના મોટાભાઇ પંડિત અમરનાથ પણ ટોચના સંગીતકાર હતા. પ્રસ્તાવનામાં થોડી આડવાત એટલા માટે ઉમેરું છું કે આ બંનેની પ્રતિભાનો સૌને ખ્યાલ આવે. ખાસ્સી મોટી વયના સંગીતપ્રેમીઓને કદાચ માસ્ટર મદનનું નામ યાદ હશે.

સિમલાના રહેવાસી બાળ કલાકાર માસ્ટર મદન બાળવયેજ એટલા પ્રતિભાવાન હતા કે પંડિત અમરનાથે એની કને કેટલીક ગઝલો ગવડાવી હતી જેમાં 'યૂં ન રહ રહ કર,  હમેં તરસાઇયે...' અને 'હૈરત સે તક રહા હેૈ, જહાં-એ-વફા મુઝે...' જેવી ગઝલોનો સમાવેશ હતો. આ જ પંડિત અમરનાથના માર્ગર્શન તળે પાછળથી સંગીતકાર મુહમ્મદ ઝહુર એટલે કે સંગીતકાર ખય્યામ તૈયાર થયા.

આવા ધુરંધર મોટાભાઇ અને પંડિત દિલીપચંદ્ર બેદીના શિષ્યો એવા હુશ્નલાલ ભગતરામની ફિલ્મોગ્રાફી બહુ મોટી નથી. પરંતુ ફિલ્મ સંગીતના સુવર્ણયુગના શ્રી ગણેશ મંડાઇ રહ્યા હતા ત્યારે આ બંને ભાઇઓએ જે થોડીક ફિલ્મો કરી એનાં ગીતો પણ માણવા જેવાં હતાં. એટલે હવે પછીના થોડાક એપિસોડ્સ આ બંને ભાઇઓના સંગીતને મમળાવીશું...

Comments