મૂંગા જીવોની બોલકી સેવા !

ટોપ્સીટર્વી - અજિત પોપટ
12 September 2018

એક યા બીજા કારણથી છેલ્લી ઘડીએ અમુક ફ્લાઇટ રદ થાય ત્યારે કનેક્ટિંગ ફ્લાઇટમાં જનારા કે નોકરી-ધંધાના ઇન્ટરવ્યૂ માટે જનારા લોકો ઉશ્કેરાઇ જતાં હોય છે. ક્યારેક એરપોર્ટ સ્ટાફ સાથે બોલાચાલી પણ થાય છે. ક્યારેક ઉશ્કેરાયેલું ટોળું ભાંગફોડ પણ કરી બેસે છે.

આવા ઉશ્કેરાયેલા લોકોને બહુ આસાનીથી શાંત કરી દેવા એનિમલ આસિસ્ટેડ થેરપી (આટ) નામની પ્રવૃત્તિનો સહારો લેવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની ગણાતા પૂણે શહેરની એક એનજીઓ (સામાજિક સંસ્થા ) એનિમલ એન્જલ્સ ફાઉન્ડેશન નામની ભગિની શાખા દ્વારા 'આટ' ચલાવે છે. એનિમલ એન્જલ્સ ફાઉન્ડેશનમાં મૂંગા જીવોને અને ખાસ તો ચોક્ક્સ નસ્લના કૂતરા, બિલાડી તથા સસલાંને ખાસ તાલીમ આપવામાં આવે છે. આ જીવો ઉશ્કેરાયેલા લોકોને શાંત પાડવામાં સહાય કરે છે.

અમેરિકા અને યૂરોપના દેશોમાં ૧૯૯૧થી આ પ્રકારના પ્રયોગો શરૂ કરાયા હતા જેને કેનિન થેરપી પણ કહે છે. અત્યંત સુંદર એવા લાબ્રાડોર જાતિના કૂતરા અરાઇવલ લાઉન્જમાં બહારથી આવતા થાકેલા, કંટાળેલાં ઉતારુઓને માનસિક રાહત આપે છે. કેટલાક ઉતારુઓ આ રૂપકડા જીવોને હેત કરે છે તો કેટલાક તાલીમબદ્ધ કૂતરા ઉતારુને રબરની રીંગ કે બૉલ ધરીને એવો સંકેત કરે છે કે જરાક અમારી સાથે રમોને...

ટોચના વેટર્નરી ડૉક્ટર્સ કહે છે કે વરસોના અનુભવે અમે સમજી શક્યા છીએ કે કેટલાક શારીરિક-માનસિક રોગોમાં આવા તાલીમબદ્ધ કૂતરા, બિલાડી કે સસલાં બહુ સચોટ અસર કરે છે. એક દાખલો આપતાં આવા એક ડૉકટરે કહ્યંુ કે શૅરબજારના એેક આગેવાન દલાલને હાઇ બ્લડ પ્રેસર રહેતું હતું. આ ધંધો જ એવો હતો કે માણસ સતત ટેન્શનમાં રહે. એલોપથીની દવાઓની ક્યારેક આડઅસર પણ થાય. અમે એના પરિવારને સમજાવીને એક લાબ્રાડોર પપી (ગલૂડિયું) એમને આપ્યું. માત્ર પંદર દિવસમાં એની પોઝિટિવ અસર દેખાઇ. પેલા વેપારી ગમે તેટલા ટેન્શનમાં હોય, ઘરે આવે એટલે પેલા પપી સાથે રમે અને એમનંુ બ્લડ પ્રેસર નોર્મલ થઇ જાય.

પોતાને આવો અનુભવ થયો છે એવું મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ કહી ચૂક્યા છે.

ઓટીઝમ, ડિપ્રેશન, ડિમેન્શિયા, અલ્ઝાઇમર વગેરે રોગોમાં પણ તાલીમબદ્ધ કૂતરા કે બિલાડી આવીજ પોઝિટિવ અસર કરે છે એવું જાણીતા ન્યૂરો ફિઝિશિયન કહે છે. માત્ર દવાની ટીકડીઓ કે લીક્વીડ પર વ્યક્તિને રાખવા કરતાં આવી કેનિન થેરપી અજમાવવામાં કશું ગુમાવવાનું હોતું નથી. આ સારવાર વ્યક્તિને સતત ખુશમિજાજ રાખવામાં સહાયભૂત થાય છે એવુ આ ચિકિત્સા પદ્ધતિ સાથે સંકળાયેલા લોકો કહે છે.

આવુ એક સેન્ટર ચેન્નાઇ (મદ્રાસ)માં પણ ચાલે છે. સરસ્વતી કેન્દ્ર લર્નિંગ સેન્ટર નામની આ સંસ્થામાં પ્રોબ્લેમ ચાઇલ્ડ તરીકે ઓળખાવાતાં બાળકોેને આ રીતે ચોપગા જીવો સાથે રાખીને તેમની ગ્રહણશક્તિ વધારવાના અને તેમને ભણવામાં સહાયરૂપ થવાના પ્રયોગો સફળ થયા છે એવું કહેવાય છે.

આવા એક કેન્દ્ર સાથે સંકળાયેલા ડૉક્ટર કહે છે કે માણસની જેમ આ જીવોને પણ ટોયલેટ ટ્રેઇન્ડ કરી શકાય છે. પોતાને કુદરતી હાજતો સંતોષવી હોય ત્યારે આ જીવો ટ્રેનરને કે માલિકને જુદી રીતે સંકેત કરે છે. એટલે ઘર બગડવાનો સવાલ પેદા થતો નથી.

કેટલાક ઘરડાંઘરોમાં પણ આવાં ટ્રેઇન્ડ જીવો વડીલોની હતાશા અને નર્વસ બ્રેકડાઉન દૂર કરવામાં સફળ થયા છે. એક વેટર્નરી ડૉક્ટરે સરસ કહ્યું, આ જીવો ન તો પગારવધારો માગે છે, ન કદી હડતાળ પર જાય છે, ન કદી માસ કેઝ્યુઅલ પર ઊતરી જાય છે.

માત્ર બે ટાઇમ સમયસર ભોજન આપો અને રોજ પા અડધો કલાક પ્રેમ વહેંચો.

એ તમને સદા ખુશખુશાલ રાખશે અને કેટલાક વ્યાધિથી બચાવતાં રહેશે.

Comments