સિનેમેજિક - અજિત પોપટ
છેલ્લા ઘણા શુક્રવારથી આપણે મદન મોહનનાં ગીત સંગીતનાં સંભારણાં મમળાવી રહ્યા છીએ. આજે આ એનો છેલ્લેા એપિસાડ છે. ધાર્યા કરતાં મદન મોહન ખાસ્સા લંબાઇ ગયા. જોે કે મદન મોહન માટે આટલા એપિસોડ પણ અપૂરતા છે. પણ હવે આગળ વધીએ. મદનનાં ખૂબ સરસ ગીતોમાં એક ગીત ફિલ્મ બાવર્ચીનંુ છે. રાજેશ ખન્નાની કારકિર્દી હજુ મધ્યાહ્ને હતી ત્યારે બનેલી આ ફિલ્મમાં પરંપરાગત ફિલ્મો કરતાં જુદા પ્રકારની કથા હતી.
પરિવારમાં માંહોમાંહે પ્રવર્તતા વાદવિવાદને દૂર કરવા એક રસોઇયો આવીને કેવો ચમત્કાર કરે છે એની કથા આ ફિલ્મમાં હતી અને દાદુ કલાકારો એમાં જોવા મળ્યા હતા. આમ તો બાવર્ચીનાં લગભગ બધાં ગીતો સરસ હતાં. એનું એક ગમતીલું ગીત આ રહ્યું, 'મોરે નૈના બહાયે નીર, સખી કા કરું, મોરા જિયા ન માને, નૈના મેારે નૈના બહાયે નીર...' કૈફી આઝમીના શબ્દોેને મદને કોઇ ઉપશાસ્ત્રીય રચના હોય એવા લાડ લડાવ્યા હતા.
અત્યારે મોડું મોડું ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે આ ગીત જરૂર યાદ આવે. રાગ મલ્હારનો આધાર લઇને મદન મોહને તર્જનો જાદુ સર્જ્યો છે. આજે પોલિટિક્સમાં પડવાના કારણે જે રૂપેરી પરદા પર બહુ ઓછાં દેખાય છે એ તેજસ્વી આંખો, મારકણું સ્મિત અને ગોઠણ સુધી પહોંચતા લાંબા ચોટલાવાળાં જયા ભાદુડી બચ્ચન પર આ ગીત ફિલ્માવાયું એ પરદા પર પણ સરસ જામ્યું હતું.
બાવર્ચીની વાત કરીએે ત્યારે ઔર એક ગીત યાદ આવે. મન્ના ડે, કિશોર કુમાર ઉપરાંત ભારતીય સંગીતના ઊંડા અભ્યાસી અને સિનિયર અભિનેતા ડૉક્ટર હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, ઉપશાસ્ત્રીય કંઠય સંગીતની પંકાયેલી બે સિનિયર ગાયિકા લક્ષ્મી શંકર અને નિર્મલાદેવીએ ગાયેલું એ ગીત એટલે 'ભોર આયી ગયા આંધિયારા, સારે જગ મેં હુઆ ઉજાલા, નાચે ઝૂમે યે મન મતવાલા... ' આ ગીતની એક કરતાં વધુ ખૂબી માણવા જેવી રહી. દિવસના પ્રથમ પ્રહરે ગાવાની જેની પરંપરા છે એ રાગ અલ્હૈયા બિલાવલનો આધાર આ ગીતમાં મદને લીધો છે.
આ રાગમાં અડધો ડઝનથી વધુ ફિલ્મ ગીતો સહેલાઇથી મળે નહીં. આમ જુઓ તો મીઠ્ઠો રાગ છે. ગ રે ગ પ ધ ની સાં... સાં ની ધ ની (કોમળ) ધ પ મ ગ મ રે સા.. જેવી પકડ ધરાવતા આ રાગમાં તર્જ બાંધ્યા પછી મદન મોહને પોતાની રીતે ગાયકોની પસંદગી કરી. ભલભલા ફિલ્મ સર્જકો અને સંગીતકારોના છક્કા છોડાવી દેતા નટખટ ગાયક કિશોર કુમાર પાસે પણ અહીં મદન મોહન ધાર્યું કામ લઇ શક્યા છે. ઐાર એક મજાની વાત. અગાઉ જેની વાત કરી હતી એ અદ્ધા કે પંજાબી યા સિતારખાની ઠેકા તરીકે ઓળખાતા તાલમાં આ ગીત રજૂ કર્યું છે.
તમે બાવર્ચી ફિલ્મ જોઇ હોય તો આ ગીતની મોજ ફરી ફરીને માણવાનું મન થાય એવું કામ મદન મોહને કર્યું છે. ફિલ્મના લગભગ દરેક પાત્ર પાસે હૃષીકેશ મુખરજી આ ગીતમાં ધાર્યું કામ લઇ શક્યા છે. આજના ધાંધલિયા અને એક્શન પ્રચુર ફિલ્મોના યુગમાં જીવતા ટીનેજર્સને આ ફિલ્મનો પ્રવાહ કદાચ બળદગાડા જેવો અને પ્લોટ નીરસ લાગી શકે.
પરંતુ ફિલ્મ રજૂ થઇ ત્યારે ૧૯૭૧-૭૨માં ચાર પાંચ વખત માણવા જેવી ફિલ્મ હતી. એનું દરેક પાસું માણવા જેવું હતું. કથાનો પ્લોટ, પાત્રાલેખન, ગીતો, સંગીત, સંવાદો અને કલાકારોનો અભિનય... વાહ્ ક્યા બાત હૈ... અને એ બધાંમાં મદન મોહને કરેલી કમાલ. સાચું પૂછો તો મદન મોહનની કારકિર્દીનો સૂર્યાસ્ત અત્યંત મંદ ગતિએ થવા તરફનો હતો.
આપણામાં કહે છે ને દીવો રામ થવાનો હોય ત્યારે વધુ તેજ આપે. કંઇક એવુંજ મદન મોહન પ્રત્યેના માન-આદરને અકબંધ રાખીને કહી શકીએ.
તમને ગમતાં મદનનાં કેટલાંક ગીતો કદાચ નહીં લઇ શકાયાં હોય એવું પણ બને. આમ છતાં મદનનીી સર્જનશીલતાને પૂરો ન્યાય આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે એની નોંધ લેવાય તોય ઘણું. અલવિદા મદન, અમે તમારાં ઓશિંગણ છીએ.
Comments
Post a Comment