ટોપ્સીટર્વી - અજિત પોપટ
08 August 2018
માત્ર અને માત્ર 2019ની સંસદીય ચૂંટણીને નજર સામે રાખીને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી સહિતના વિપક્ષી નેતાએાએ નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (એનઆરસી) ના ડ્રાફ્ટ વિશે કાગારોળ મચાવી છે. માત્ર ડ્રાફ્ટની વિગતોને વળગી રહીએ તો પણ સત્ય જુદી દિશામાં હોવાનું જોઇ શકાય છે.
ડ્રાફ્ટમાં જણાવાયા મુજબ આસામની હાલની (અહીં 'હાલની' શબ્દ ખૂબ મહત્ત્વનો છે) વસતિ ૩ કરોડ ૨૯ લાખની છે. એનઆરસીની ડ્રાફ્ટમાં ૨ કરોડ ૯૦ લાખ લોકોને સમાવી લેવાયાં છે. એમાં આસામના મૂળ રહેવાસીઓની સંખ્યા એક કરોડ ત્રીસ લાખની છે.
બીજા શબ્દોમાં એનો અર્થ એવો થયો કે ડ્રાફ્ટમાં પણ બીજા એક કરોડ સાઠ લાખ 'મુસ્લિમો' અને 'બાંગ્લાદેશીઓ'નો સમાવેશ તો થઇ જ ચૂક્યો છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જેમનાં નામો નથી એમને પોતાની નાગરિકતા પુરવાર કરવાની પૂરેપૂરી તક અપાશે. તો પછી આ ગોકીરો શા માટે અને કોના હિતમાં થઇ રહ્યો છે ?
વોટબેકની લાહ્યમાં છતી આંખે ગાંધારીની જેમ પાટા બાંધીને અંધ થઇ રહેલા પોલિટિશ્યનો આ હકીકત તરફ ધ્યાન આપવા તૈયાર નથી. અહીં એક ઐતિહાસિક તથ્ય તરફ પણ ધ્યાન આપવું જોઇએ. ઇંદિરા ગાંધીએ અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાની ઐસી તૈસી કરીને કટોકટી જાહેર કરી એ હુકમનામા પર બાથરૃમમાં બેઠેલા ત્યારના રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે આંખ મીંચીને સહી કરી આપી હતી.
છેક ૧૯૭૪-૭૫માં ફખરુદ્દીન અલી અહમદ સામે એવો આક્ષેપ થયો હતો કે પોતાની વોટબેંકને તગડી કરવા ફખરુદ્દીને બે લાખ બાંગ્લાદેશી પરિવારોને આસામમાં ગેરદાયદે પનાહ આપી હતી. કહેવાતા માનવ અધિકારવાદીઓ બૂમરાણ મચાવી રહ્યા છે કે શરણાર્થીઓને આ રીતે તગેડી મૂકી દઇ શકાય નહીં.
આ કહેવાતા માનવ અધિકારવાદીઓ ઇરાદાપૂર્વક એક હકીકત વિસારે પાડી રહ્યા છે કે ઘરના છોકરાં ઘંટી ચાટતાં હોય ત્યારે પાડોશીને આટો આપવાનો કોઇ અર્થ ખરો ?
આસામની મૂળ વસતિ કરતાં પણ બહારથી ઘુસી આવેલા લોકોની સંખ્યા વધી જતી હોય ત્યારે સ્થાનિક વસતિની ખોરાક-પાણીની અને અન્ય મૂળભૂત જરૃરિયાતોનું શું ?
૧૯૮૪-૮૫માં રાજીવ ગાંધીએ આસામ ગણ સંગ્રામ પરિષદના પ્રફુલ્લ કુમાર મહંતો વગેરે સાથે કરેલા આસામ કરારની (૫.૮) કલમમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે ૧૯૭૧ના માર્ચની ૨૪મી પછી આસામમાં ગેરકાયદે ઘુસી આવેલા તત્ત્વોને ખોળી કાઢીને તેમની સામે કાયદેસર પગલાં લેવામાં આવશે અર્થાત્ તેમની હકાલપટ્ટી કરવામાં આવશે.
યોગાનુયોગે હજુ ગઇ કાલ સુધી કેન્દ્રમાં યુપીએ સરકાર હતી. વડા પ્રધાનપદે રહેલા મનમોહન સિંઘ પણ આસામમાંથી રાજ્યસભામાં નિમણૂંક પામ્યા હતા.
આજે કોંગ્રેસી નેતાઓ અન્યો સાથે કોરસમાં હૈસો હૈસો કરી રહ્યા છે તો એમને પૂછવું જોઇએ કે મનમોહન સિંઘે કેમ ગેરકાયદે ઘુસણખોરોને હાંકી ન કાઢ્યા ? જ્યારે એ પોતે પણ આસામથી રાજ્યસભામાં આવ્યા હતા. આસામના નાગરિકો પ્રત્યેની એમની કોઇ જવાબદારી ખરી કે નહીં ?
આસામ ગણ સંગ્રામ પરિષદના આંદોલન વખતે પોલીસ ગોળીબારમાં અને હિંસક દેખાવોમાં સત્તાવાર આંકડા મુજબ ૮૫૫ યુવાનો માર્યા ગયા હતા. એમના જેવા કેટલા નવલોહિયા યુવાનેાની શહાદતને એળે જવા દેવી ?
એ વિચારવા જેવું છે. એક સમયે મુંબઇ મહારાષ્ટ્રમાં બાળાસાહેબ ઠાકરેની આગેવાની હેઠળ શિવસેનાએ ભૂમિપુત્રના અધિકારોના રક્ષણની ઝુંબેશ શરૃ કરી હતી. એ હકીકત શિવસેનાના હાલના સૂત્રધારોેએ યાદ રાખવી જોઇએ. મમતા બેનરજી માત્ર પોતાનું હિત જુએ છે.
એમને દેશના હિતની કંઇ પડી નથી. દુનિયાના કેટલા દેશોમાં આ રીતે કરોડોના હિસાબે ઘુસણખોરી થઇ છે ? માત્ર બાંગ્લાદેશીઓ નહીં, ક્રિકેટની મેચ
જોવાના બહાને વીસા મેળવીને અહીં રહી પડેલા અસંખ્ય પાકિસ્તાનીઓને પણ હાંકી કાઢવાનો સમય પાકી ગયો છે. દેશના દરેક રાજ્યમાં એક યા બીજા બહાને બાંગ્લાદેશીઓ ઘુસી ગયા છે અને સ્થાનિક નેતાઓની મદદથી મોજ કરી રહ્યા છે.
અહીં ઔર એક વાત સમજી લેવી જોઇએ. મજહબના નામે અલગ પાકિસ્તાનની માગણી કરીને દેશના ટુકડા કરાવનારા લોકો હવે એમ કહે છે કે ભારતે પૂર્વ પાકિસ્તાન અર્થાત્ હાલના બાંગ્લાદેશના ઘુસણખોરોને આશરો આપવો જોઇએ.
તો શું ભારત એક અનાથાશ્રમ કે બોડી બામણીનું ખેતર છે કે જે આવે એને આશરો આપે ? અગાઉ લેખિકા તસલીમા નસરીન, પાકિસ્તાની ગાયક અદનાન સામી વગેરેએ ભારતમાં આશરો લીધો ત્યારે પણ આવી સૂફિયાણી વાતો કરાઇ હતી. અલબત્ત, ઘુસણખોરોને રેશન કાર્ડ, આધાર કાર્ડ કે પાન કાર્ડ
અપાવનારા પોલિટિશ્યનો પણ એટલા જ જવાબદાર છે. માત્ર પોતાની વોટબેંક જમાવવા આ નેતાઓ સ્થાનિક પ્રજાને મુશ્કેલીમાં મૂકે છે.
ખરેખર તો એમ કહેવું જોઇએ કે આ સ્થાનિક નેતાઓ દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે. એમને યાદ રહેવું જોઇએ કે મેક્સિકો તરફથી કે અન્ય રુટ દ્વારા અમેરિકામાં ઘુસવા માગતા લોકોને ઠાર કરવામાં આવે છે.
અમેરિકાનો વિરોધ કરી જુઓ જોઉં. ઇસ્લામપરસ્ત આરબ દેશોમાં ઘુસણખોરો સાથે કેવેા વર્તાવ કરવામાં આવે છે, વારુ ? ત્યાં વિરોધ કરી બતાવો જોઉં. અહીં માનવ અધિકારની વાતો કરનારાઓએ ત્યાં જઇને માનવ અધિકારની વાતો કરવી જોઇએ..
Comments
Post a Comment