સો સો સલામું ઇ જવાનોને .....

ટોપ્સીટર્વી - અજિત પોપટ
29 August 2018

છેલ્લા થોડા દિવસથી વ્હૉટ્સ એપ પર ફરતી થયેલી એ વિડિયો ક્લીપ તમે પણ જોઇ હશે. કેરળમાં છેલ્લાં એકસો વર્ષમાં ન આવ્યો હોય એવો ગાંડોતૂર વરસાદ આવ્યો. ભીષણ પૂર આવ્યાં.

એવાં પૂરનાં પાણીમાં ચોપગા જીવની જેમ ગોઠણિયે પડીને ભારતીય લશ્કરનો એક જવાન બેઠો છે. પોતાના મોં અને નાકમાં પૂરનાં પાણી ન જાય એ માટે એણે ડેાક સતત ઊંચી રાખી છે.

એની બંને બાજુ એક એક જવાન ખડે પગે ઊભો છે અને મુસ્લિમ મહિલાઓ ઊભેલા જવાનોનો ટેકો લઇને, ગોઠણિયે પડેલા જવાનની પીઠને પગથિયું બનાવીને લશ્કરી હોડીમાં બેસે છે... જોયું  છે ને આ દ્રશ્ય ?

ભારતીય લશ્કરની ત્રણે પાંખના સમર્પિત જવાનો કેરળમાં દિવસરાત રાહત કાર્ય કરી રહ્યા છે. એવા સમયે એક બિહામણી કલ્પના કરી જુઓ. પાકિસ્તાનમાં અત્યારે લશ્કર અને આઇએસઆઇના હાથવાટકા જેવો ઇમરાન ખાન વડો પ્રધાન છે. સરહદે પાકિસ્તાની લશ્કરે એકાદું કારગિલ ટાઇપનું છમકલું કર્યું હોત તો...!

કશ્મીરના વિકાસ માટે આપણે સૌએ  છેલ્લાં ૭૦ વર્ષમાં અબજો રૃપિયાનું આંધણ કર્યું. પરિણામ શું છે ? અત્યાર લગી અલગાવવાદીઓની હામાં હા ભરનારા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડૉક્ટર ફારુખ અબ્દુલ્લા 'ભારત માતા કી જય' બોલ્યા એટલે ઇદની નમાઝ પઢવા આવેલા ફારુખને લોકોએ ધક્કે ચડાવ્યા.

આ કશ્મીરી પ્રજા ખરેખર કૃતઘ્ની છે. ૨૦૧૪થી સતત કશ્મીરમાં પણ પૂર આવે છે. દરેક કુદરતી આપત્તિમાં ભારતીય લશ્કરના જવાનો કશ્મીરી પ્રજાની વહારે ચડયા છે.

જાનના જોખમે આ જવાનો રાહત કાર્ય કરતા રહ્યા છે.  કશ્મીરી પ્રજાની મનોવૃત્તિ એવી થઇ ગઇ છે કે એકવાર કુદરતી આફતનું જોખમ ટળી જાય એટલે પોતાનો જાન બચાવનારા જવાનો પર પથ્થરમારો કરવો. રોજના પાંચ દસ રૃપિયા પથ્થરમારો કરવાના મળે છે ને...?

એક માત્ર ભારતીય લશ્કરજ ખરા અર્થમાં સેક્યુલર છે. કેરળમાં રાહત કાર્ય કરતા કોઇ કહેતાં કોઇ જવાને પૂરગ્રસ્તોને પૂછ્યું નહીં કે તમે હિન્દુ છો કે મુસલમાન છો કે પછી ખ્રિસ્તી ? એમનું ધ્યેય માત્ર એક જ હતું. કોઇ પણ રીતે પૂરગ્રસ્તોને ઊગારી લેવા. પોતાના ચા-નાસ્તા કે ભોજનની પરવા કર્યા વિના, પોતાના ઊંઘ આરામની ખેવના રાખ્યા વિના એ લોકો સતત પૂરગ્રસ્તોની વચ્ચે રહ્યા.

ક્યાંક કોઇ વૃદ્ધ વ્યક્તિને તેડીને પૂરનાં પાણી વચ્ચે ઘૂમતા રહ્યા તો ક્યાંક કોઇ ધાવણા બાળકને બ્લેન્કેટમાં વીંટાળીને પૂર અને વરસતા વરસાદમાં સુરક્ષિત સ્થળે લઇ જતા દેખાયા. ભારતીય લશ્કર આ બાબતમાં બેમિસાલ છે. લશ્કરની જવાબદારી સામાન્ય રીતે સીમાડા સાચવવાની હોય છે.

પરંતુ સામ માણેકશાએ કહ્યું એમ ખરા અર્થમાં સેક્યુલર એવું ભારતીય લશ્કર એ ઉપરાંત પણ ઘણી જવાબદારી હસતા મોઢે અને નિઃસ્વાર્થભાવે કરી દેખાડે છે. કુદરતી આપત્તિ ટાણે, કાયદો અને વ્યસ્થા જોખમાય ત્યારે અને રાષ્ટ્રને જ્યારે પણ અન્ય કોઇ પ્રયોજન ખાતર જરૃર પડે ત્યારે જવાનો તરત હાજર હોય છે.

માત્ર પાંચ દસ રૃપરડી કમાવાની લાલચે આવા ફરજપ્રેમી જવાનો પર વિના કારણે પથ્થરમારો કરી રહેલા કશ્મીરી યુવાનો માટે ખરેખર તો ગદ્દારી જેવો શબ્દ પણ ઓછો પડે.

કૂતરાને બટકું નાખો તો ભૂલતું નથી. આ તો માણસો છે. ઉપકાર કરનારા પર અપકાર કરી રહ્યા છે.

એમને પોતાના ગેરવર્તનની લાજ શરમ પણ નથી. આપણા લશ્કરના જવાનો જે સંયમ દાખવીને કશ્મીરમાં પરિસ્થિતિ થાળે પાડવા માટે પસીનો રેડી રહ્યા છે એને સો સો સલામું...!

Comments