સિનેમેજિક - અજિત પોપટ
સંગીતકાર કલ્યાણજી (કલ્યાણજી આનંદજી)નો મ્યુઝિક રૂમ અનેરી અજાયબી સમો હતો. ત્યાં ગીતકારો, સંગીતકારો, અદાકારો અને સાધુ-સંતો પણ આવે. અનેકવાર ત્યાં અનાયાસે નવું જાણવા-સાંભળવા મળી જતું. એક યાદગાર પ્રસંગ આજે કહેવો છે. ચેન્નાઇ જ્યારે મદ્રાસ હતું ત્યારે ઊગું ઊગું કરતી (આજની પ્રતિષ્ઠિત) ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિએ મદ્રાસ રેડિયો પર ઉસ્તાદ અમીર ખાનનો ઇન્ટરવ્યૂ કરેલો.
કવિતાએ કલ્યાણજીભાઇને એની કોપી મોકલેલી જે અકસ્માતે સાંભળવા મળી હતી. કવિતાએ ઉસ્તાદજીને પૂછેલું, ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન અને અન્ય ટોચના ગવૈયા ફિલ્મ સંગીતને હલકું ગણે છે ત્યારે તમે તો છૂટથી ફિલ્મોમાં ગાઓ છો.
એનું શું કારણ ? ત્યારે ઉસ્તાદજીએ નિખાલસ જવાબ આપતાં કહ્યું, 'જો બેટા, અમે વરસોના રિયાઝ પછી પણ ક્યારેક મહેફિલમાં એકાદા રાગની ધારી જમાવટ કરી શકતા નથી, જ્યારે આ ફિલ્મ સંગીતકારો માત્ર અઢી ત્રણ મિનિટમાં રાગને તમારી સમક્ષ જીવંત કરી દે છે...' પછી ઉસ્તાદજીએ એક દાખલો આપતાં કહ્યું કે મેં કર્ણાટક સંગીતના કેટલાક રાગોને ગાયા છે જેમાં એક છે ચારુકેશી. હું પોણો કલાક ગાઉં તો પણ ક્યારેક રાગની હવા બંધાતી નથી.
હવે તૂં ફિલ્મ 'આરઝૂ'નું શંકર જયકિસને સ્વરબદ્ધ કરેલું અને લતાજીએ ગાયેલું 'બેદર્દી બાલમા તુઝ કો મેરા મન યાદ કરતા હૈ...' સાંભળી જો. ત્રણ મિનિટમાં રાગ ચારુકેશી તમારી સમક્ષ હાજર થઇ જાય છે. એટલે મને આ સર્જનકલામાં રસ છે.
આ સંદર્ભમાં મદન મોહન બહુ ગમે છે. કેટલાક વાચકોેને મદન મોહન આ કૉલમમાં બહુ લંબાઇ ગયા હોય એવું લાગે છે. પરંતુ મદન મોહનનું કામ એવું સત્ત્વશીલ છે કે એમના વિશે જેટલી વાત કરીએ તેટલી ઓછી એવું સતત લાગ્યા કર્યું છે.
મદન મોહન વિશેનાં પુસ્તકોમાં પણ ઉસ્તાદ અમીર ખાન સાથે એના એક કરતાં વધુ ઉલ્લેખો અને ફોટોગ્રાફ્સ છે. ઉસ્તાદ અમીર ખાનનો આ ઇન્ટરવ્યૂ એ સંદર્ભમાં મહત્ત્વનો છે. ચારુકેશી ઉસ્તાદ અમીર ખાનનો માનીતો રાગ હતો અને ઘણી મહેફિલોમાં છૂટથી ગાતા.
જેને મેરુખંડ (વિવિધ સરગમો)ના પ્રકારો કહે છે એવા પાંચેક હજાર ટુકડા એમને કંઠસ્થ હતા એવું એમના શિષ્યોએ નેાંધ્યું છે. મદન મોહન થોડું વધુ જીવ્યા હોત તો એમને પૂછી શકાયું હોત કે તમે ચારુકેશી ક્યારે આટલી હદે આત્મસાત કર્યો ? રાજિન્દર સિંઘ બેદીની ફિલ્મ 'દસ્તક' (બારણે ટકોરા)ના એક ગીતનો અછડતો ઉલ્લેખ મદન મોહનનાં રાગદારી આધારિત ગીતોની વાત કરી ત્યારે કર્યો હતો.
અત્રે એ ગીતની ફરી વાત કરવા પાછળનો હેતુ સમજવા જેવો છે. એક નવવિવાહિત યુગલ રેડ લાઇટ તરીકે ઓળખાતા કૂટણખાના વિસ્તારમાં અજાણતાંમાં ભાડાના ઘરમાં રહેવા આવે છે. ત્યારબાદ રોજ કૂટણખાનાના ગ્રાહકો દ્વારા એમના બારણે ટકોરા પડતા રહે છે એવી કથા ફિલ્મમાં હતી.
આ ફિલ્મના સંગીતે મદન મોહનને શ્રેષ્ઠ સંગીતનો નેશનલ એવોર્ડ અપાવેલો. કૂટણખાના અને કોઠા (તવાયફોના અડ્ડા) વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. મદન મોહને દસ્તકનું 'બૈયાં ના ધરો ઓ બલમા, ના કરો મોંસે રાર... 'ગીત રાગ ચારુકેશીમાં સ્વરબદ્ધ કરીને ઉસ્તાદ અમીર ખાનની શાબાશી મેળવી હતી.
ગીતના શબ્દો અને ગૂઢાર્થ બંને ફિલ્મમાં કૂટણખાનાની નિયમિત મુલાકાત લેનારને અને ફિલ્મના દર્શક તથા સાંભળનારને સતત જુદો જુદો અહેસાસ કરાવે છે. એ આ ગીતની તર્જનો સ્થાયી ભાવ છે. કહો કે તર્જની ખૂબી છે.
અદ્ધા કે પંજાબી ઠેકા તરીકે ઓળખાતા આ તાલમાં ગીતનું ભીતરી સૌંદર્ય અનેરી છટા ધારણ કરે છે. એમાંય લતાજી જ્યારે ના... ધરો ના... ધરો...ના ધરો... રિપિટ કરે છે ત્યારે મન ભાવે ને મૂંડી હલાવે જેવો નાયિકાનો મીઠ્ઠો ઇનકાર અનુભવી શકાય છે.
સોળ માત્રાના ત્રિતાલનું આ એક અલગ સ્વરૂપ છે. ધા ધીં ધીં ધા જેવી ખુલ્લી ચાર માત્રાને બદલે ધા- ધીન્-ન- ધા જેવા ખંડિત બોલ દ્વારા આ તાલ જે વિશિષ્ટ પ્રભાવ સર્જે છે એ માણવા જેવો છે. અગાઉ આવો પ્રયોગ એસ ડી બર્મને પણ 'મેરી સૂરત તેરી આંખેં' માં કરેલો. રાગ અહિર ભૈરવ પર આધારિત મન્ના ડેએ ગાયેલા 'પૂછો ના કૈસે મૈંને રૈન બીતાયી...' ગીતમાં અદ્ધાનો સરસ વિનિયોગ કરાયો હતો. આજે આટલું બસ. વધુ ફરી ક્યારેક.
Comments
Post a Comment