ટોપ્સીટર્વી - અજિત પોપટ
22 August 2018
ભગવદ્ગોમંડળમાં જોતાં સમાધિ એટલે અત્યંત ઊંડું ધ્યાન અને સાધુ સંતોની વિદાયની વ્યાખ્યા આપી છે. આપણા દેશમાં કોણ જાણે શી રીતે છેક પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને આજ સુધી જે તે નેતાઓની કહેવાતી 'સમાધિ' સ્થાપી દેવાની પરંપરા સ્થપાઇ ચૂકી છે. સ્મૃતિસ્થળ કહો ત્યાં સુધી બરાબર છે, સમાધિ શી રીતે કહેવાય ?
એમાંય પાછું ગંદું રાજકારણ રમાતું રહે. એક જાગૃત નાગરિકે કેન્દ્રના સંબંધિત ખાતાને આરટીઆઇ હેઠળ કરેલી વિનંતીના જવાબમાં એને મળેલી માહિતી ચોંકાવનારી છે. અહીં એ માહિતીનો સાર રજૂ કર્યો છે.
દર વરસે કોઇ ને કોઇ નેતાના મરણ પછી આવી સમાધિ ઊભી કરવા નાગરિકોના ગજવામાંથી રૃપિયા વીસ કરોડનું આંધણ કરવામાં આવે છે. યમુના નદીને કિનારે જ્યાં એક ચોરસફૂટ જમીનની કિંમત સોનાના ભાવ કરતાં પણ વધુ હોય છે ત્યાં હજારો ચોરસફૂટ જમીન આવી કહેવાતી સમાધિ બાંધવા પાછળ વેડફી દેવામાં આવી છે.
દેશના ત્રીસ ટકા લોકોના માથા પર છાપરું ન હોય ત્યારે આવો વેડફાટ શા માટે એવી અરજી કોઇએ સુપ્રીમ કોર્ટમાં કરવી જોઇએ. અહીં માત્ર બે ચાર સમાધિના નામે ફાળવી દેવાયેલી કરોડો રૃપિયાની જમીનનો ઉલ્લેખ કર્યો છે. મહાત્મા ગાંધીજી ભલે રાષ્ટ્રપિતા કહેવાતા હોય પરંતુ એમના કરતાં વધુ જમીન પંડિત જવાહરલાલ નહેરુ અને એમનાં પુત્રી ઇંદિરા ગાંધીને ફાળવવામાં આવી છે. આવું છે કોંગ્રેસી રાજકારણ !
પંડિત નહેરુના સમાધિ સ્થળને શાંતિવન નામ આપ્યું છે અને આ સમાધિ સ્થળને ૫૨. ૬ એકર જમીન આપવામાં આવી છે. સરળતાથી સમજવા અહીં ગણિત માંડીએ. એક એકર એટલે ૪૩, ૫૬૦ ચોરસ ફૂટ.
હવે ૫૨.૬ એકર એટલે કેટલા ચોરસ ફૂટ એની ગણતરી તમે માંડી લો. નહેરુની તુલનાએ રાષ્ટ્રપિતા ગાંધીજીને ૪૪.૩૫ એકર જમીન ફાળવવામાં આવી છે. ગાંધીજી હયાત હોત તો અચૂક જમીનના આવા વ્યયની આકરી ટીકા કરી હોત.
દેશ પર અઢાર વર્ષ રાજ કરનારાં ઇંદિરા ગાંધીની સમાધિ શક્તિ સ્થલને ૪૫ એકર જમીન ફાળવવામાં આવી છે અને અહીં ગ્રે કલરના પથ્થરોનું બાંધકામ કરવામાં આવ્યું છે. પંડિત જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધી માટે આટલી બધી જમીન ફાળવી એ તો જાણે સમજ્યા. આ બંને નેતાઓએ ઘણું પ્રશંસનીય કામ કર્યું છે એ ગઇ કાલનો ઇતિહાસ છે.
પરંતુ રાજીવ ગાંધી અને સંજય ગાંધીની સમાધિ ? આ બંનેની પણ સમાધિ ઊભી કરવામાં આવી છે. દેશની પહેલી મોરારજી દેસાઇની જનતા સરકારને ઊથલાવીને પોતાનું વડા પ્રધાન બનવાનું સપનું સાકાર કરનારા ચરણ સિંઘની પણ સમાધિ સ્થાપવામાં આવી છે. ચરણ સિંઘની સમાધિ માટે ૧૯ એકર જમીન વેડફી દેવામાં આવી છે.
તો નાયબ વડા પ્રધાનપદ ભોગવી ચૂકેલા અને 'ઇસ દેશ મેં એક ચમાર કભી પ્રધાનમંત્રી નહીં બન સકતા' બોલીને નિસાસા નાખનારા બાબુ જગજીવન રામની સમાધિ માટે સાડા બાર એકર જમીન ફાળવવામાં આવી છે.
મારા વડા પ્રધાન કહે તો હું ઝાડુ મારવા તૈયાર છું એવું બોલનારા જ્ઞાાની ઝૈલસિંઘની સમાધિ માટે ૨૨.૫૬ એકર જમીન ફાળવવામાં આવી. આ તમામ સમાધિ સ્થળોની જમીનની કિંમત અબજો રૃપિયાની થવા જાય છે. પરસેવો પાડીને આજીવિકા રળનારા પ્રમાણિક કરદાતા નાગરિકોના પૈસાનો આવો વેડફાટ રોકી ન શકાય ?
Comments
Post a Comment