મદન મોહનની સર્જકતાનો પરિચય કરાવતો વધુ એક પ્રયોગ

સિનેમેજિક - અજિત પોપટ

છેલ્લાં થોડાંક શુક્રવારથી આપણે વિદેશી તર્જોનાં વાવાઝોડાં વચ્ચેય શુદ્ધ ભારતીય સંગીતને વફાદારીપૂર્વક વળગી રહીને પોતાની કારકિર્દી જમાવનારા સંગીતકાર મદન મોહનની વાત કરી રહ્યા છીએ. અહીં ઇરાદાપૂર્વક વાવાઝોડાં એમ બહુવચન દાખવતો શબ્દ વાપર્યો છે. એક કરતાં વધુ સંગીતકારો પાશ્ચાત્ય સંગીતથી આકર્ષાયા હોય ત્યારે એકલદોકલ સંગીતકાર અરણ્યરૂદન કરતો હોય એવું લાગે.

આયુર્વેદના અભ્યાસીઓ કહે છે કે મધ અને ગોળ જેટલાં જૂનાં તેટલાં વધુ ગુણકારી. મદન મોહનના સંગીતમાં પણ એવું જ માધુર્ય આજે દાયકાઓ પછી પણ અનુભવાય છે. ગયા શુક્રવારે એક લાગણીના બે અનોખાં સર્જનોની વાત કરી હતી. આજે થોડાક પુનરાવર્તનના ભયે પણ એવા એક વધુ પ્રયોગની વાત કરૂં છું. એક જ સંવેદન છે.

એનાં બે ગીતો છે. બંને ગીતોની તર્જો વચ્ચે બહુ લાંબો સમયગાળો વ્યતીત થયો નથી. પહેલી ફિલ્મ 1961માં આવી અને બીજી 1964-6૫માં રજૂ થઇ.1961માં આવેલી ફિલ્મ એટલે સંજોગ. 

રસપ્રદ વાત એ કે સંજોગ નામની અત્યાર સુધીમાં ચાર પાંચ ફિલ્મો આવી ગઇ. આપણે જે સંજોગની વાત કરીએ છીએ એનું નિર્દેશન પ્રમોદ ચક્રવર્તીએ કર્યું હતું. રાજા મહારાજા જેવા રોલ વધુ કરતા (પણ અભિનયમાં નબળા એવા) પ્રદીપકુમાર, પાછળથી સંતોષી માતા બનીને બિરદાવાયેલી અભિનેત્રી અનિતા ગૂહા, રાજ મહેરા, શુભા ખોટે અને કોમેડિયન મહેમૂદને ચમકાવતી ફિલ્મ સંજોગમાં આપણે જેને ટીઅરજર્કર કે રોનાધોના કહીએ છીએ એવી સામાજિક કથા હતી. રાજિન્દર કૃષ્ણનાં ગીતોને મદન મોહને સંગીતથી સજાવ્યાં હતાં. 

જે ગીતની આપણે વાત કરીએ છીએ એ મુકેશનાં ચાહકો માટે મસ્ટ કહેવાય એવું ગીત છે- 'ભૂલી હુયી યાદોં મુઝે ઇતના ના સતાઓ, અબ ચૈન સે રહને દો, મેરે પાસ ન આઓ...' શાસ્ત્રીય સંગીતના સાધકોને પૂછો. કહેશે, અમે સંગીત શીખવાનું શરૂ કર્યું ત્યારે સવારે ભૈરવ અને સાંજે યમન, આ બે રાગ એક વરસ સુધી શીખવાડવામાં આવ્યા. આ બે રાગ પાક્કા થઇ ગયા તો બાકીના રાગો શીખવાનું સહેલું થઇ પડશે એવું ગુરૂજી કહેતા.

આ ગીત રાગ યમનમાં છે અને છ માત્રાના દાદરા તાલમાં મૂકેશજીએ ગાયું છે. આ ફિલ્મમાં ઔર એક ગીત લતાજીએ એવુંજ જમાવ્યું છે 'વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ આ ગઇ, નજર કે સામને ઘટા સી છા ગઇ...' અહીં પણ પ્રિયજનની યાદની વાત છે.

બીજું ગીત ફિલ્મ જહાં આરાનું છે. ફિલ્મ મુઘલે આઝમની જેમ અહીં પણ ઐતિહાસિક તથ્યોમાં થોડી છૂટછાટ લેવાઇ છે. તાજમહાલ બનાવનારા મુઘલ શહેનશાહ શાહજહાં (પૃથ્વીરાજ કપૂર)ની પુત્રી જહાં આરા (અભિનેત્રી માલા સિંહા) અને મિર્ઝા યુસુફ ચંગેઝી (ભારત ભૂષણ)ની નિષ્ફળ પ્રેમકથા આ ફિલ્મમાં રજૂ થઇ હતી. અહીં પણ રાજિન્દર કૃષ્ણનાં ગીતો અને મદન મોહનનું સંગીત હતું. જે ગીતની વાત કરવી છે એ મુહમ્મદ રફીના કંઠમાં હતું. 

અહીં કથાનાયક જુદી રીતે વાત કરે છે. 'કિસી કી યાદ મેં, દુનિયા કો હૈં ભૂલાયે હુએ, જમાના ગુજરા હૈ, અપના ખયાલ આયે હુએ...' તમને છંદશાસ્ત્રનો આછો પાતળો ખ્યાલ હોય તો તરત સમજાઇ જાય કે આ ગીતના શબ્દો પણ છ માત્રાના દાદરા તાલમાં એકદમ ફિટ બેસે છે. આ ગીતને ઊર્દૂ ભાષામાં રેખતા તરીકે જાણીતા ગઝલ-પ્રયોગની ઉત્તમોત્તમ ગઝલોમાં પણ સ્થાન મળ્યું છે.

અહીં એક આડવાત યાદ કરવી ઘટે છે. બગદાદમાં જન્મ અને ત્યારબાદ લખનઉ રેડિયો પર કામ કરતી વખતે તલત મહેમૂદ અને બેગમ અખ્તર જેવાનો સહવાસ સાંપડતાં મદન મોહન ઊર્દૂ, અરબી અને ફારસી ભાષા પર સારો કાબુ ધરાવતા હતા. એટલે જ્યારે રેખતા જેવો ગઝલ પ્રયોગ આવે ત્યારે એને અત્યંત આસાનીથી એ આત્મસાત કરી લેતા અને ફિલ્મના પ્રસંગને અનુરૂપ એની તર્જ તૈયાર કરતા.

આ એવો સંગીતકાર હતો જે માત્ર નિર્માતા નિર્દેશક જ નહીં, પોતાને પણ સંપૂર્ણ સંતોષ થાય એ રીતે કામ કરતા. માત્ર કરવા ખાતર નહીં, નવસર્જન કરવાનો આનંદ અનુભવી શકાય એ રીતે આ અલગારી આદમી કામ કરતો. લખતાં ધરવ ન થાય અને તમને વાંચતાં કંટાળો ન આવે એવું કામ આ માણસે કર્યું છે એટલે જ એમના સર્જનની ઊડતી ઝલક આપવાનો હેતુ હતો.

Comments