ટોપ્સીટર્વી - અજિત પોપટ
15 August 2018
પાકિસ્તાનમાં થઇ ગયેલી સંસદીય ચૂંટણી પછી ભૂતપૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન વડા પ્રધાન તરીકે સોગંદ લેવા થનગની રહ્યો હતો ત્યારે પાકિસ્તાની સરહદી વિસ્તારમાં ખૈબર પખ્તુનવા વિસ્તારમાં વધુ એક ગાયિકા-અભિનેત્રી રેશમાને ઠાર કરવામાં આવી. એનો અપરાધ એ હતો કે એ ગીતો ગાતી હતી અને ટીવી સિરિયલો તથા ફિલ્મોમાં અભિનય કરતી હતી.
થોડાં પાછળ જઇએ તો આપણી સાથેજ લગભગ આઝઆદ થયેલા પાકિસ્તાનમાં મલ્લિકા-એ-તરન્નુમ નૂરજહાંએ પાકિસ્તાન જવાનું પસંદ કર્યું હતું. ઝિયા ઉલ હકનું શાસન સ્થપાયું એ સાથે કેટલાક મુલ્લા મૌલવીઓએ એને જાસો મોકલવાનું શરૃ કર્યું. એમની દલીલ એવી હતી કે ઇસ્લામ મેં ગાના બજાના હરામ હૈ... એટલે તમે ગાવાનું છોડી દ્યો.
નૂરજહાંએ બેધડક મુલ્લાઓને કહી દીધું કે મારા માટે મારું ગાયન મારી ઇબાદત (પ્રાર્થના કે ભક્તિ) છે. હું ગાવાનું છોડીશ નહીં. તમારાથી થાય તે કરી લો... મુલ્લાઓ થોડો સમય હો હા કરીને ટાઢા પડી ગયા. પરંતુ એ દિવસો આજે રહ્યા નથી. આજે પાકિસ્તાનમાં કહેવાતી લોકશાહી છે. વાસ્તવમાં લશ્કર, આઇએસઆઇ અને આતંકવાદીઓનું શાસન છે.
૨૦૧૮ના વર્ષનો આ હજુ તો આઠમો મહિનો ચાલી રહ્યો છે. આશરે સવા બસો દિવસ વીત્યા છે.
એટલામાં તો પંદર મહિલા કલાકારોની ઠંડે કલેજે હત્યા કરવામાં આવી છે. રેશમા પૂરતી વાત કરીએ તો એના હાલના પતિની એ ચોથી પત્ની હતી. પતિને પત્ની દ્વારા કમાયેલા પૈસામાં વધુ રસ હતો.
એની અગાઉની ત્રણ પત્નીનં શું થયું એ હજુ જાહેર થયું નથી પોલીસે તો એમ કહીને વીંટો વાળી દીધો કે પતિ-પત્ની વચ્ચે ઘરઘરાઉ મુદ્દે ઝઘડો ચાલતો હો એટલે ગુસ્સામાં આવી ગયેલા પતિએ એના પર ક્લોઝ્ડ રેંચથી ગોળીબાર કરીને એને ઠાર કરી દીધી. આ વર્ષના ફેબુ્રઆરીમાં સનબુલ નામની ગાયિકા અભિનેત્રીની આ જ રીતે ઠંડે કલેજે હત્યા કરવામાં આવી હતી. સનબુલે એક આયોજક સાથે એકલા કોઇ પાર્ટીમાં જવાની ના પાડી હતી. પેલાએ મોં માગ્યા નાણાં ચૂકવવાની ઑફર કરી હતી. પરંતુ સનબુલે એકલા આ રીતે જવાની તૈયારી દાખવી નહીં અને એનો જાન ગયો.
એપ્રિલ માસમાં લારકાના વિસ્તારમાં એક પ્રેગનન્ટ લોકગાયિકાને ચાલુ સ્ટેજ પ્રોગ્રામ દરમિયાન સેંકડો લોકોની હાજરીમાં ઠાર મારવામાં આવેલી. સમીના સિંધુ નામની આ ગાયિકાને ઠાર મારવાનું કારણ શું ?
તો કહે પોતે પ્રેગનન્ટ હોવાથી એણે ગાતાં ગાતાં ડાન્સ કરવાની ના પાડી. એટલે ઉશ્કેરાઇ ગયેલા એક તારિક જટોઇએ સમીનાને ઠાર કરી. સમીના અને એની કૂખમાં પાંગરી રહેલા બાળક બંનેનું મોત થયું.
આઘાતજનક હકીકત તો એ હતી કે પોલીસે આ કેસ નોંધવાનો પણ ઇનકાર કર્યો અને કહ્યું કે તારીક શરાબના નશામાં હતો એટલે ભાન ભૂલી ગયો. ઉસ મેં ક્યા હુઆ ...
આવા કિસ્સાઓની હવે પાકિસ્તાનમાં નવાઇ નથી રહી. અગાઉ જણાવ્યું તેમ આ વર્ષના પહેલા દિવસથી આજ સુધીમાં આ રીતે પંદર મહિલા કલાકારોને ઠંડે કલેજે ઠાર કરવામાં આવ્યા. અગાઉ ડઝનબંધ મહિલા કલાકારોેને ઇસ્લામના બહાને ઠાર કરવામાં આવી છે.
પોલીસે કેટલાક કિસ્સામાં તો ફરિયાદ નોંધવાની પણ ના પાડી. પાકિસ્તાની લશ્કર અને આતંકવાદીઓના પીઠ્ઠુ જેવો ભૂતપૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન મહિલા કલાકારોને રક્ષણ આપી શકશે ? કે પછી એ પોતે પણ બેઠો બેઠો આ પ્રકારની હિંસા ચૂપચાપ જોયા કરશે ? આગામી સમય એનો જવાબ આપશે.
Comments
Post a Comment