ટોપ્સીટર્વી -અજિત પોપટ
1 August 2018
અષાઢ મહિનો લગભગ પૂરો થવા આવ્યો. હિન્દુ સંસ્કૃતિના અડધો ડઝન મહા પર્વનો આરંભ શ્રાવણ શુક્લ એકમથી શરૂ થશે.
શ્રાવણ એટલે અજન્મા અને સ્વયંભૂ પ્રગટ ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણનો મહિનો. હજુ ગયા શુક્રવારે ગુરુ પૂર્ણિમા ગઇ. સ્કંદ પુરાણના ઉત્તરાર્ધમાં ઉમાની પૃચ્છાના જવાબમાં ભગવાન શિવે ગુરુ ગીતા સંભળાવી એવો ઉલ્લેખ છે.
કુરુક્ષેત્રના રણમેદાનમાં અર્જુનનો મોહભંગ ગીતાકાર ભગવાન કૃષ્ણે કર્યો. કૃષ્ણને જગદ્ગુરુ કહ્યા છે. શિવને જગત્ પિતા કહીએ તો કેમ ? અધ્યાત્મના અભ્યાસીઓ એનો જવાબ આપી શકે. શ્રાવણ એટલે ભગવાન શિવ અને ગીતાકાર કૃષ્ણને રીઝવવાનો મહિનો.
આમ તો આખોય મહિનો શિવજીની ભક્તિ-ઉપાસના-સાધના ચાલતી રહેશે. શિવજીના વિવિધ સ્વરૂપો દ્વાદશ જ્યોતિર્લિંગના નામે જગપ્રસિદ્ધ છે. દરેક જ્યોતિર્લિંગની અદ્ભુત કથા પણ છે.
ભારતીય સંગીતના આદિ છ રાગો પણ શિવજીએ સર્જ્યાં હોવાનું પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયું છે.શ્રાવણના ઉત્તરાર્ધમાં કૃષ્ણ જન્મ અને દહીંકાલાનો ઉત્સવ.
આમ શ્રાવણ બબ્બે મહાદેવોની સાધનાનો મહિનો ગણાય.
પિતાની અર્ચના સાધનાથી શ્રાવણ મહિનો પૂરો થાય ત્યાં શરૂ થાય પુત્ર વિઘ્નહર્તા ગણેશજીના આગમનનો. ભાદરવાના બે ભાગ પાડીએ તો પહેલો હિસ્સો વિઘ્નહર્તા ગણપતિનો અને બીજો હિસ્સો આપણા સૌના પિતૃઓનો એટલે કે શ્રાદ્ધ પક્ષનો. પિતા શિવના આઠ સ્વરૂપો સામે સર્વ દેવોમાં સૌથી પહેલાં પૂજાતાં
ગણેશજીના અષ્ટવિનાયક નામે આઠ સ્વરૂપો છે.
ગણેશજીનું તો મૂળ સ્વરૂપ પણ ગૂઢાર્થ ધરાવતું છે. એના વિશે ખૂબ લખાયું છે એટલે પુનરાવર્તન કરવું નથી. ગણપતિ બાપ્પાની હાજરી હવે તો વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીયો અને ખાસ તો મરાઠી-ગુજરાતી પ્રજા વસે છે એવા દરેક દેશમાં માણી શકાય છે.
ભાદરવામાં ક્યારેક હાથિયો વરસે છે એવી માન્યતા છે. જો કે આ વરસે તો ઘણા વિસ્તારમાં ભાદરવો આવ્યા પહેલાંજ હાથિયો વરસ્યો હોય એવું ચોમાસું જોવા મળ્યું.
ભાદરવો વિદાય લે એટલે આવે જગતજનની મા. આસો માસના પણ બે ભાગ પાડવા પડે. પૂર્વાર્ધ માતાજીનો અને ઉત્તરાર્ધ દીપોત્સવનો. શિવજીના બાર સ્વરૂપો સામે ગણેશજીના આઠ અને માતાજીના નવદુર્ગા તરીકે નવ સ્વરૂપ. એથી પણ આગળ વધો તો બાવન શક્તિપીઠ.
જે માતા બાળકને લાડ કરે એ જ માતા બાળક ખોટે રસ્તે જતું હોય ત્યારે બે ધોલ પણ મારે એવો ગૂઢાર્થ લઇ શકીએ. આસુરી સંપત્તિને નષ્ટ કરે એ માતા ભવાની. કવિએ સરસ કહ્યંુ છે, જે કર ઝુલાવે પારણું એ જગત પર શાસન કરે.
માતાની કૂખમાં બાળકનો પિંડ પાંગરતો હોય એવું પ્રતીક અનેક છિદ્રોવાળા ગરબામાં પ્રગટાવાતા દીપમાં જોવા મળે. હવે તો બિનગુજરાતી પ્રજા પણ ગરબા-રાસનો લ્હાવો લેતી થઇ છે.
દુનિયા આખીમાં નવરાત્રિ અનેરા ઉમંગથી ઊજવાય છે. આસો સુદ એકમથી શરૂ થતા આ ઉત્સવની પૂર્ણાહુતિ આમ તો દશેરાએ થતી શસ્ત્ર-પૂજા સાથે થઇ જાય.
પણ ઉત્સવની પરાકાષ્ઠા આવે શરદપૂર્ણિમાએ. પછીના કૃષ્ણ પક્ષમાં દીપોત્સવના મહાપર્વની તૈયારીનો આરંભ થાય. દિવાળી એટલે પર્વોની મહારાણી. આમ શ્રાવણથી શરૂ થતા ઉત્સવો ભગવાન શિવના પરિવારનો મહિમા રજૂ કરતી પર્વ-ત્રિવેણી છે એમ કહીએ તો ચાલે.
ખરેખર તો આવા ઉત્સવો લોકોને એકમેકની સાથે જોડતી એક સરસ કડી છે.
આપણા પ્રાચીન કાળના ઋષિ-મુનિઓએ સમાજના વિવિધ વર્ગના અને જ્ઞાાતિ-જાતિના લોકોને સંગઠિત કરવા આવા ઉત્સવોનું આયોજન કર્યું છે. આજે ભારતીય સમાજ અનેક વાડા-ફિરકામાં વહેંચાઇ ગયો છે ત્યારે આવા ઉત્સવોનો અનેરો મહિમા છે.
એ બહાને ઊંચ-નીચ, રાય-રંક, શ્રમિક-શ્રેણિક, સાક્ષર નિરક્ષર- બધા એક થાય એ આજની અનિવાર્ય જરૂરિયાત છે.
Comments
Post a Comment