સમકાલીનોને મુગ્ધ કરનારાં મદન મોહન અને લતાજીનાં એ બે ચિરંજીવ ગીતોની અદકેરી ઝલક

સિનેમેજિક - અજિત પોપટ

સદૈવ ઉત્તમ કામ કરનારા સંગીતકાર મદન મોહન અને સ્વરકિન્નરી લતા મંગેશકરે આપણને વારસામાં આપેલાં ચિરંજીવ ગીતોની વાત છેલ્લા ત્રણ ચાર સપ્તાહથી આપણે કરી રહ્યાં છીએ. સંખ્યાબંધ ગીતોમાંથી રસાસ્વાદ માટે કયું લેવું અને કયું ન લેવું એ ઘણીવાર મીઠ્ઠી મૂંઝવણ થઇ પડે છે. 

મદન મોહન-લતાજીનાં મોટા ભાગનાં ગીતો ગમતાં હોય પરંતુ એ દરેક ગીતની વિગતવાર ચર્ચા અહીં ન કરી શકાય એવું પણ બને. આજે જે બે ગીતોની વાત કરવી છે એ લતાજીનાં મદન મોહન સાથેનાં સદાબહાર ગીતો ગણાય છે.

સુવર્ણયુગના જે થોડા સંગીતકારોને રૃબરૃ મળવાની તક મળી છે એ બધાએ આ બે ગીતોના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. એવા સંગીતકારોમાં નૌશાદ અલી, ઓ પી નય્યર, ખય્યામ, પંચમદા (આર ડી બર્મન) અને કલ્યાણજી આનંદજીનો સમાવેશ થાય છે. 

એમાંય નૌશાદ અને પંચમદાએ તો મદન મોહન વિશે ખાસ્સો ઊંચેરો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આપણે બધાં પણ એ બે ગીતોના  તો દિવાના છીએ જ. આ બે ગીતોની વાત માટે કદાચ બે એપિસોડની જરૃર પણ પડે. ૧૯૫૭-૫૮માં રજૂ થયેલી નરગિસ, પ્રદીપ કુમાર અને પ્રાણને રજૂ કરતી ડાયરેક્ટર કાલિદાસની ફિલ્મ 'અદાલત'નાં ગીતોની વાત છે.

બાય ધ વે, અદાલતની કથાના બીજ પરથીજ લગભગ, પછીના દાયકે સુચિત્રા સેનને ડબલ રોલમાં ચમકાવતી આસિત સેનની ફિલ્મ મમતા આવેલી. એમાં અશોક કુમાર અને ધર્મેંદ્ર હતા. બંને ફિલ્મની પરાકાષ્ઠા મુખ્ય સ્ત્રી પાત્ર દ્વારા ખલનાયક જેવી વ્યક્તિની હત્યા થાય છે અને બંનેમાં એનું નિકટનું સ્વજન વકીલ તરીકે કોર્ટમંા એનો બચાવ કરે છે.

જો કે મમતામાં નાયિકા સુચિત્રા સેન સાથે અશોક કુમારનું પણ છેલ્લે મૃત્યુ થતું દેખાડાયું હતું અને એ અંત સચોટ બન્યો હતો. એનું સંગીત રોશને આપેલું અને અદાલતના એક ગીત જેવોજ ભાવ મમતાના એક ગીતમાં પણ હતો. મમતાનાં ગીત સંગીત પણ સચોટ અને હૃદયસ્પર્શી હતાં. અદાલતનાં ગીતો રાજિન્દર ક્રીષ્ણાનાં હતાં જ્યારે મમતાનાં ગીતો મજરૃહ સુલતાનપુરીનાં હતાં આટલી પ્રસ્તાવના પછી હવે બંને ગીતોની વાત કરીએ.

પહેલું ગીત એટલે 'ઉન કો યહ શિકાયત હૈ કિ હમ કુછ નહીં કહતે, હમ કો તો યહ આદત હૈ કિ હમ કુછ નહીં કહતે...' આ ગીતનું મુખડું ગણગણો અને પછી વી શાંતારામની એવરગ્રીન ફિલ્મ 'ઝનક ઝનક પાયલ બાજે'નંુ ગીત 'નૈન સો નૈન નાહિં મિલાઓ, દેખત સૂરત આવત લાજ સૈયાં...' ગણગણો. કંઇ ખ્યાલ આવે છે ? બંને ગીતનું મુખડું એક સરખી સૂરાવલીથી શરૃ થતું હોય એવું લાગતું હોય તો તમે સાચા રસ્તે છો.

'ઉન કો યહ શિકાયત હૈ..' ગીત અત્યંત મધુર રાગ માલગૂંજી પર આધારિત છે. આ રાગ રાગેશ્રી ( કૌન આયા મેરે મન કે દ્વારે, ફિલ્મ દેખકબીરા રોયા ), બાગેશ્રી (રાધા ના બોલે ના બોલે ના બેાલે રે ફિલ્મ આઝાદ) અને રાગ ખમાજ  (આયો કહાં કે ઘનશ્યામ ફિલ્મ બુઢ્ઢા મિલ ગયા) - ત્રણેના ત્રિવેણી સંગમ જેવો રાગ છે. 

આપણા ગરવા ગુજરાતી પંડિત ઓમકારનાથ ઠાકુરે આ રાગને ખૂબ ગાયો છે. એના સ્વરૃપને મન મૂકીને બિરદાવ્યું છે. એને ખૂબ લાડ કર્યાં છે. આરોહમાં મિલનનો રાગ રાગેશ્રી, અવરોહમાં વિરહનો રાગ બાગેશ્રી અને બંનેની સાથે અલપઝલપ ખમાજ.. આમ આ રાગ ઘૂમતો રહે છે. ગીતના શબ્દો સાવ સાદા સરળ છે. પરંતુ તર્જ મનમોહક બની છે એ હકીકત સ્વીકાર્યે છૂટકો.

આ ગીત અને હવે પછી જે ગીતની વાત કરવાના છીએ એની બંદિશો મોટા ભાગના સમકાલીન સંગીતકારોને આકર્ષી ગઇ હતી અને સૌએ આ બંને ગીતોની સૂરાવલિને બિરદાવી હતી. આજે સંગીતકારોમાં એવી ખેલદિલી બહુ ઓછી જોવા મળે છે. નૌશાદ સાહેબે તો એવો દાવો  સામે કરેલો કે મેં મધરાતે મદનના ઘરે જઇને એને બિરદાવતાં કહેલું કે મારું સર્વસ્વ તારી આ બે બંદિશો પર ન્યોછાવર છે.

નૌશાદ પોતે શાયર અને કથાકાર પણ હતા એટલે કોઇ પણ પ્રસંગને બહેલાવીને કહેવાની એમને ફાવટ હતી. લતાજી અને મદન મોહનના ફિલ્મ અદાલતના બીજા ગીતની વાત આવતા શુક્રવારે.

Comments