પાડોશમાં ખેલાય છે ખતરનાક ખેલ

ટોપ્સીટર્વી - અજિત પોપટ
04 July 2018

1947માં આપણી સાથેજ સ્વતંત્ર રાષ્ટ્ર બનેલા પાકિસ્તાનમાં આ મહિનાની પચીસમીએ ચૂંટણી છે.

પાકિસ્તાનમાં ગમે તે પક્ષ કે નેતાની સરકાર રચાય, હુકમનું પાનું લશ્કરના હાથમાં હોય છે.

છેલ્લાં સિત્તેર વર્ષમાં લશ્કરે પાકિસ્તાનમાં સૌૈથી વધુ સત્તા ભોગવી છે અને દુનિયા આખીમાં બદનામ થઇ રહેલા જિહાદી આતંકવાદનું જનક પણ પાકિસ્તાની લશ્કર છે. 

1971ના યુદ્ધમાં ભૂંડે હાલે પાકિસ્તાન હાર્યું એ સમયે ત્યારના વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ 'ભૂખે મરીશું પણ અણુબોંબ મેળવીને રહીશું'ની જાહેરાત કરેલી.

ત્યારપછી તો ઝેલમ અને ચિનાબ નદીમાં બેસુમાર જળ વહી ગયાં. 1980ના દાયકામાં પાકિસ્તાનના પીઠબળથી ખાલિસ્તાન આંદોલન થયું. ઇંદિરા ગાંધીએ એને ભારતીય લશ્કરની મદદથી કચડી નાખ્યું. આ દાયકાના ઉત્તરાર્ધમાં જિહાદી આતંકવાદનો આરંભ થયો. અત્યારે એ આતંકવાદ ચરમસીમાએ છે.
આ બેકગ્રાઉન્ડમાં પાકિસ્તાનની ચૂંટણીને જોવી પડશે.

એક તરફ પનામા પેપર્સના બહાને નવાઝ શરીફને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવી દેવાયા. ત્યારબાદ તેમના પક્ષના કેટલાક નેતાઓને પણ ગેરલાયક ઠરાવાયા.

પાકિસ્તાન પિપલ્સ પાર્ટીમાં બેનઝીર ભુટ્ટો ગયા પછી કોઇ લોકપ્રિય નેતા એવા નથી જેના જોરે ચૂંટણી જીતી શકાય. ક્રિકેટર મટીને પોલિટિશ્યન બનેલા ઇમરાન ખાનની પણ એવી ત્રેવડ નથી કે એ વધુ બેઠકો જીતી શકે.

૩૪૨ સભ્યોની પાકિસ્તાની સંસદમાં સાદી બહુમતી મેળવવા ૧૩૭ બેઠકો જીતવી જરૂરી છે. પાકિસ્તાની લશ્કર અને આઇએસઆઇની ચાલ એવી છે કે કોઇ પક્ષને બહુમતી ન મળે એવો ઘાટ ઘડવો.

લશ્કરનું ગુપ્ત પીઠબળ ધરાવતા  આતંદવાદી નેતા હાફિઝ સૈયદે ચૂંટણી લડવાની અને પોતાના ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરી હતી. પરંતુ પાકિસ્તાનના ચૂંટણી પંચે એક નહી, બે વાર આ અરજી નકારી કાઢી હતી. જો કે હાફિઝ સૈયદ એેમ વાત પડતી મૂકે એવા નથી.

એ પોતાના પીઠ્ઠુઓને અપક્ષ તરીકે કે કોઇ નાનકડા પક્ષના નામે ઊભા કરી શકે. એકવાર એના માણસો ચૂંટણીમાં વિજેતા થાય તો પરિસ્થિતિ ખતરનાક બની શકે. અત્યાર પહેલાં અમેરિકા સહિત સમગ્ર વિશ્વે કરેલી આતંકવાદને ડામવાની વિનંતી પાકિસ્તાને ગણકારી નથી.

જરા એક દ્રશ્યની કલ્પના કરો. અગાઉ એક કરતાં વધુ વખત અમેરિકા અને ભારતે આ દહેશત વ્યક્ત કરી હતી કે પાકિસ્તાનના આતંકવાદીઓના હાથમાં અણુશક્તિ આવી જાય તો કેવું ભયંકર પરિણામ આવી શકે ? અહીં બે શક્યતા વિચારવાની છે.

એક, પાકિસ્તાની લશ્કરની અપેક્ષા ન હોય એવાં ચૂંટણી પરિણામો આવે.  એવા સંજોગોમાં લશ્કર હાફિઝ સૈયદ જેવાને પ્રોત્સાહન આપીને પોતાનું ધાર્યું કરાવી શકે. એનાથી ઊલટાં ચૂંટણી પરિણામો આવે એટલે કે કોઇ પક્ષને બહુમતી ન મળે તો તો લશ્કર પોતાનું ધાર્યુંજ કરે.

આમ હાફિઝ સૈયદને બંને બાજુ હાથમાં લાડવો છે. ચૂંટણી પંચે ભલે એને કે એના ટેકેદારોને ચૂંટણી લડવાની પરવાનગી ન આપી. આખરે તો પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો જ ધાર્યું કરે છે.

આટલું ઓછું હોય તેમ અત્યારે વિવિધ ઇસ્લામી ફિરકા અંદરઅંદર લડે છે. એનો લાભ પણ આખરે તો માથાભારે બની ગયેલા હાફિઝ સૈયદ જેવા આતંકવાદી અને એના જૂથને જ મળે. અલબત્ત આપણાં જાસૂસી તંત્રો આ સિનારિયો પર બાજ નજર રાખીને બેઠા જ હોય.

કેન્દ્ર સરકારે પણ આંખમાં તેલ આંજીને જાગતાં બેસવાનું છે. ચૂંટણી જીતવા માટે વિવિધ પક્ષો કે તેમને  પરાજિત કરવા પાકિસ્તાની લશ્કર ગમે તે હદે જઇ શકે. સરહદે છમકલાં તો ચાલુજ છે.

એવા સમયે આપણે બમણા સાવધ રહેવાની જરૂર છે. આવતા વરસે આપણે ત્યાં પણ ચૂંટણી આવી રહી છે. સૌથી વધુ જરૂર અત્યારે આંખ કાન ખુલ્લા રાખીને પાડોશી પર નજર રાખવાની છે.


Comments