ટોપ્સીટર્વી -અજિત પોપટ
25 July 2018
લગભગ રોજ અખબારોમાં ખૂણેખાંચરે સમાચાર હોય છે- કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા... , અમેરિકામાં ગુજરાતી વેપારી પર જીવલેણ હુમલો..., ઓસ્ટ્રેલિયામાં ભારતીય મહિલાનો લોહીથી ખરડાયેલો મૃતદેહ મળ્યો...આંખોમાં આર્થિક સમૃદ્ધિનાં સપનાં આંજીને હજારો માઇલ દૂર અજાણ્યા દેશમાં અપરિચિત લોકેા વચ્ચે જતા ભારતીયો આટલા બધા ધિક્કારનો શિકાર કેમ બને છે ? આ મુદ્દો ગંભીર વિચાર માગી લે છે.
કેટલાક વિદ્વાનોના મતે રંગદ્વેષ આવા વૈમનસ્યનું નિમિત્ત બને છે.
બીજા કેટલાક વિદ્વાનોના મતે ભારતીય પ્રજા અમારા નોકરીના હક્ક પર તરાપ મારે છે એેવી સ્થાનિક લોકોમાં પ્રવર્તતી ગેરસમજ નિમિત્ત બને છે. નોકરિયાત ન હોય અને નાની મોટી દુકાન ધરાવતા ભારતીયો પર થતા હુમલાનું શું ? કેટલાક લોકો માને છે કે દુનિયાના દરેક દેશમાં વધતે ઓછે અંશે બેકારી અને ગરીબી છે.
આવા બેકાર લોકો અને ખાસ કરીને બિનગોરા યુવાનો હતાશાના માર્યા હુમલા કરે છે. અમેરિકા ઇંગ્લેંડમાં બિનગોરા યુવાનો પર ઘણીવાર ગુનેગાર હોવાના તહોમત મૂકાયા છે.
ઘણે અંશે એ સાચા પણ સાબિત થયા છે. પરંતુ સવાલ એ છે કે ભારતીય લોકો અને ખાસ તો ગુજરાતીઓ હિંસક હુમલાનો ભોગ કેમ બનતા રહ્યા છે ?
પૈસે ટકે પગભર થવા ભારતનાં પંજાબ કે ગુજરાત યા કેરળ જેવાં રાજ્યોમાંથી સંખ્યાબંધ યુવાનો વિદેશ જાય છે. ઉચ્ચ શિક્ષણ લેવા ગયેલા વિદ્યાર્થીઓ સ્વદેશ પાછાં આવવા તૈયાર હોતાં નથી. ત્યાંજ રહી પડે છે. વિદેશમાં રાતોરાત તો શ્રીમંત થવાય નહીં. એટલે દિવસરાત સખત મહેનત કરે. અમેરિકનો કે યૂરોપિયનો શનિ-રવિએ રજા પાળે.
ત્યારે પણ આપણા લોકો કામ કરે અને કરકસર કરીને પૈસા બચાવે. સવારે સાત વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી સતત પરસેવો પાડે. ઘણાની આવી પુરુષાર્થ યાત્રા પાંચેક વર્ષમાં ફળે છે અને એ આર્થિક દ્રષ્ટિએ પગભર થાય છે. ખરી તકલીફ ત્યારપછી શરૂ થાય છે.
ખાસ કરીને આપણા ગુજરાતીઓ સારું કમાતા થાય એટલેે ભદ્ર વિસ્તારમાં મકાન અને કાર ખરીદે. પછી દેખાડો કરતા થઇ જાય. ખાસ કરીને ભારતીય તહેવારો-ઉત્સવોની ઊજવણી કરતી વખતે ગુજરાતીઓ છૂટથી પૈસા વાપરે છે. ધામધૂમ કરે છે. એ બધું પેલા સ્થાનિકોની આંખમાં આવે છે.
સ્થાનિક લોકો એ નથી જોતાં કે આ લોકોએ દિવસ રાત અને સપ્તાહના સાતેસાત દિવસ કામ કરીને બે પૈસા ભેગાં કર્યાં છે. એ તો એટલું જુએ છે કે અમે અહીં જન્મ્યા હોવા છતાં અમારી પાસે બહારથી આવેલા આ લોકો જેવી સુખસાહેબી નથી. પરિણામે એમની આંખમાં ઝેરનાં બીજ વવાય છે.
હતાશા અને ઇર્ષાથી દાઝે બળતા સ્થાનિકોમાં કેટલાક એવા હોય છે જે તક શોધતા હોય છે. આવા તકશોધુમાં ગોરા અને બિનગોરા બધા હોય છે. માત્ર બિનગોરા વધુ ગુના કરે છે એવું નથી.
માણસ માત્ર, પછી એ કાળો હોય કે ગોરો હોય, અદેખાઇ નામનો અવગુણ કાળાધોળાના ભેદ રાખતો નથી. એ તો ગમે તે વ્યક્તિના ભેજામાં ઘર કરી લે છે.
સંખ્યાબંધ ગુજરાતીઓ કે ભારતીયોની હત્યા થવા છતાં વિદેશ જનારાની સંખ્યા કદી ઘટતી નથી, ઊલટી દિવસે દિવસે વધતી જાય છે.
ઘરઆંગણે પાણીનો ગ્લાસ પણ ન ભરતો યુવાન વિદેશમાં જઇને હૉટલમાં એંઠાં વાસણો ધોતાં અચકાતો નથી. એને ખબર છે કે અહીં કરેલો પુરુષાર્થ એળે જવાનો નથી.
અહીં કરેલું કામ મને ઊજ્જવળ ભવિષ્ય આપશે. બે પાંદડે થાય ત્યારે એ લો પ્રોફાઇલ રાખીને જીવે તો વાંધો ન આવે. પરંતુ દેખાદેખીની રહેણીકરણી અપનાવે તો સ્થાનિક બેકારોની આંખમાં આવી જાય અને એના પરનું જોખમ વધી જાય. આટલી હકીકત સમજી લેવામાં આવે તો વિદેશ વસવાટ કરવા જેવો ખરો.
Comments
Post a Comment