ટોપ્સીટર્વી - અજિત પોપટ
18 July 2018
સવા અબજની વસતિ ધરાવતા અને છેલ્લાં સિત્તેર વર્ષથી લોકશાહી ધરાવતા ભારત દેશની સ્થિતિ કેવી છે એ ગયા સપ્તાહના વરસાદે દુનિયા આખી સમક્ષ દેખાડી દીધું. સત્તા પર કોઇ પણ પક્ષ હોય, કુદરતી આફત ટાણે તમામ પક્ષો અને નેતાઓ કેવા વામણા થઇ જાય છે એ સૌએ નિહાળ્યું.
દેશના આર્થિક પાટનગર મુંબઇની વાત હોય કે દક્ષિણ ગુજરાતની વાત હોય, પરિસ્થિતિ સઘળે સરખી હતી. મુંબઇમાં તો છેલ્લાં ત્રણેક દાયકાથી શિવસેનાનું રાજ છે અને કુદરતી આફતનો આકરો અનુભવ ૨૦૦૫ના જુલાઇની ૨૬મીએ સમગ્ર મુંબઇને થઇ ચૂક્યો હતો.
૨૦૦૫ના જુલાઇની ૨૬મીએ મુંબઇ એક મહા-સરોવર કે મહાસાગરમાં પલટાઇ ગયું હતું અને લાખ્ખો લોકો બહાવરા થઇને વહીવટી તંત્રની બેદરકારીનો ભોગ બન્યા હતા.
ત્યાર પછી પણ સ્થાનિક વહીવટી તંત્ર નિંભરની જેમ બેસી રહ્યું અને ભાવિ આફત માટે કોઇ પગલાં લીધાં નહીં. દર વરસે ચોમાસા પહેલાં સાફસફાઇની સુફિયાણી વાતો કરવામાં આવે છે.
પરંતુ વરસાદનું એકાદ મોટું ઝાપટું ત્રાટકે ત્યાં મુંબઇ કેડેથી વાંકું વળી જાય છે. જનજીવન ઠપ થઇ જાય છે. ખરા અર્થમાં કોસ્મોપોલિટન (પંચરંગી) એવા મુંબઇગરાને શાબ્બાશ કહેવું પડે. આ વખતે તો હજુ વરસાદ શરૂ થઇ રહ્યો હતો.
પરંતુ પહેલીવારની વરસાદની થપ્પડે કદી રજા નહીં પાળતા મુંબઇના ડબ્બાવાળાને પણ ઘેર બેસાડી દીધા. એમાં વરસાદ કરતાં વધુ વાંક સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારીનો હતો.
એવી જ સ્થિતિ દક્ષિણ ગુજરાતનાં શહેરો અને ગામોની થઇ હતી.
વાપી, વલસાડ, નવસારી, સૂરત વગેરે સ્થળોનો આંખે દેખ્યો અહેવાલ વિવિધ ન્યૂઝ ચેનલો પર રજૂ થતો હતો એ જોઇને સ્તબ્ધ થઇ જવાતું હતું. ભ્રષ્ટાચાર અને ગેરરીતિનો બોલતો નમૂનો સૂરતમાં સાવ નવી બંધાયેલી અને કોઇ પ્રધાન દ્વારા ઉદ્ઘાટનની વાટ જોઇ રહેલી સિવિલ હૉસ્પિટલ હતી.
હજુ જેનું ઉદ્ઘાટન નથી થયું એવી સિવિલ હૉસ્પિટલમાં વરસાદનાં પાણી ભરાઇ ગયાં હતાં. એ પરથી કલ્પી શકાય કે ગુજરાતના વહીવટી તંત્રમાં પણ કેટલી હદે ખાયકી ઘર કરી ગઇ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોને કહેવાય એ આપણે હજુ શીખ્યા નથી. કરોડો રૂપિયા ખર્ચીનેય ચોમાસા પૂર્વે લેવાતાં પગલાં કેટલાં પોલમપોલ હોય છે એ પહેલા વરસાદે પુરવાર કરી આપ્યું.
જો કે આવું આ પહેલીવાર નથી બન્યું. ૨૦૦૧ના જાન્યુઆરીની ૨૬મીએ આવેલો મહાકાળના સ્વરૂપ સમો ભૂકંપ યાદ કરો. આજે પણ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં ભૂકંપ પછી સોળ સત્તર વરસ પછી પણ પાયાની કેટલીક સગવડો પહોંચી નથી.
એ તો ધન્યવાદ ઘટે છે એનજીઓ (સામાજિક સંસ્થાઓને) જેમણે સરકારી મદદની વાટ જોયા વિના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સહાય પહોંચાડી હતી. એવુંજ આ વખતે દક્ષિણ ગુજરાતમાં જોવા મળેલું.નવસારી અને અન્ય સ્ટેશનો પર ફસાયેલી ટ્રેનોના ઉતારુઓને સ્થાનિક લોકોએ પોતાની મુશ્કેલીઓ ભૂલીને ચા-નાસ્તો પહોંચાડયાં હતાં. વહીવટી તંત્ર નઘરોળ પુરવાર થયું. મોટી મોટી ગુલબાંગો મારેલી પરંતુ ખરેખરી પૂર જેવી આફત આવી ત્યારે કોઇ કહેતાં કોઇ પ્રધાન પૂરગ્રસ્તોની વહારે જડયો નહોતો.
એક ધારાસભ્યે ટીવી ચેનલને કહી દીધું કે હું તો ગાંધીનગરમાં છું. અરે ભલા'દમી, તારા મત વિસ્તારમાં પૂર આવ્યાં છે ત્યારે તું ગાંધીનગરમાં શું કરે છે ?
ભારતની તુલનાએ સાવ ખોબા જેવડું થાઇલેન્ડ જે કરી શક્યું એ આપણી સરકારો કે વહીવટી તંત્ર કેમ ન કરી શકે ? એનો જવાબ કોઇ કદી આપી નહીં શકે.
સિત્તેર વર્ષની થવા આવેલી લોકશાહીમાં ભ્રષ્ટાચાર એટલો બધો ઊંડો ઊતરી ચૂક્યો છે કે ઉગ્ર આંદોલન સિવાય આવી કુદરતી આફતમાં લોકોેને કોઇ ઊગારી શકે એવું અત્યારે તો લાગતું નથી.
Comments
Post a Comment