સિનેમેજિક - અજિત પોપટ
છેલ્લા એપિસોડમાં આપણે દેખ કબીરા રોયાના તૂ પ્યાર કરે યા ઠુકરાયે ગીતની વાત કરી હતી. એ એપિસોડમાં આવા એક અન્ય ગીતની વાત કરવાનો ઉમળકો પણ હતો.
મદન મોહન અને લતાજીના બીજા જે ગીતની મારે વાત કરવી એ છે 'હમ પ્યાર મેં જલને વાલોં કો ચૈન કહાં હાય આરામ કહાં...' અત્યંત રમતિયાળ અને હસમુખી એવી અભિનેત્રી ગીતા બાલી પર આ ગીત ફિલ્માવાયું છે. જો કે ફિલ્મ જેલરમાં ગીતા બાલી પર આ ગીત ફિલ્માવાય છે ત્યારે એને અંધ દેખાડી છે.
પોતાની 'ઔરત' ફિલ્મની રિમેક મહેબૂબ ખાને મધર ઇન્ડિયા નામે બનાવી અને મધર ઇન્ડિયા સદાને માટે યાદગાર બની રહી. એ રીતે મિનર્વાના સિંહ સોહરાબ મોદીએ પોતાની 'જેલર' ફિલ્મ ફરીવાર એ જ નામે બનાવેલી. જો કે એને મહેબૂબની મધર ઇન્ડિયા જેવી કામિયાબી ન મળી એ જુદી વાત છે. ફિલ્મ 'જેલર'ની આ રિમેકમાં મદન મોહનનું સંગીત હતું. એમાં આ ગીત લતાજી પાસેે મદને ગવડાવ્યું હતું. 'તૂ પ્યાર કરે યા ઠુકરાયે...' ગીતમાં એક પ્રકારનું આત્મસમર્પણ હતું કે તું કરે કે ન કરે, હું તો કરીશ.
બીજી બાજુ આ ગીતમાં એક પ્રકારનો સંતાપ છે કે પ્યાર કર્યો કે ગયા કામથી, પ્રેમમાં પડયા કે ચેન-આરામ ભૂલી જવાના. કથામાં એવું દેખાડાયું હતું કે એકવાર પત્ની કંવલથી દાઝેલો જેલર (સોહરાબ મોદી) બીજીવાર અંધ છાયા (ગીતાબાલી ) તરફ આકર્ષાય છે પરંતુ છાયા વળી બીજી એવી વ્યક્તિને ચાહે છે જેની સાથે જેલરની પત્ની નાસી ગઇ છે.
આ ગીત છાયા પર ફિલ્માવાયું છે. મદન મોહને કમાલ એવી કરી છે કે મુખડું એક રાગમાં અને અંતરા બીજા રાગના આધાર પર છે એટલે આ ગીતને વધુમાં વધુ ઉપશાસ્ત્રીય કહી શકાય. કોઇ એક ચોક્કસ રાગના આધાર પર આ ગીત છે એવું કહી શકાય નહીં.
સંગીતના પહેલા વર્ષમાં જે થોડા રાગ શીખવવામાં આવે છે એમાં એક છે ભીમપલાસ. ગંધાર અને નિષાદ કોમળ એવો આ રાગ કાફી થાટમાંથી જન્મે છે. આરોહમાં રે અને ધ ઓછા (લંઘન) વપરાય છે પરંતુ અવરોહમાં એ સ્પષ્ટ દેખા દે છે. મંદ્ર સપ્તકના નીથી શરૃ થઇને આ રાગમાં ગમપ ગમ ગરેસા જેવો સ્વરપ્રયોગ થાય. મદન મોહને આ રાગમાં એક સુંદર બંદિશ રહસ્ય ફિલ્મ મેરા સાયામાં આપી છે.
લતાજીએ એને જે રીતે પ્રસ્તુત કરી છે એ સાંભળતી વખતે બહુ અઘરી ન લાગે પરંતુ ગાવાનો પ્રયાસ કરો ત્યારે ખ્યાલ આવે કે બંદિશ ગાનારની કેવી કસોટી કરે છે. 'નૈનોં મેં બદરા છાયે, બીજલી સી ચમકે હાય, ઐસે મંે બલમ મોહેં ગરવા લગા લે...' ગીતમાં વિરહિણી નાયિકાની જે નજાકત ભરેલી મનોકામના રજૂ કરી છે એ બીજા અંતરામાં અનુભવાય છે- 'પ્રેમદિવાની હું મૈં, સપનોં કી રાની હું મૈં, પિછલે જનમ સે તેરી પ્રેમ કહાની હું મૈં, આ ઇસ જનમ મેં ભી તુ, અપના બના લે... નૈંનોં મેં બદરા...'
રાજા મહેંદી અલી ખાનના શબ્દોને જે રીતે સંગીતકારે સ્વરોની રમઝટ દ્વારા બહેલાવ્યા છે એમાં વિરહિણીનો વલવલાટ કેવો પ્રગટે છે એ આ ગીતની ખૂબી છે. લતાજીના કંઠે જે મુરકીઓ અને તાન પ્રગટે છે એ ગાવાનો પ્રયત્ન કરો ત્યારેજ સમજાય. થોડાં વરસ પહેલાં અમદાવાદની સપ્તક સંસ્થાના કાર્યક્રમમાં પંડિત અજય ચક્રવર્તીએ ભૂપાલી ગાયો ત્યારે ઘણાને નવાઇ લાગી હતી.
બચ્ચાઓને શીખવાતો સાવ પહેલા વર્ષનો પહેલો રાગ પંડિતજી ગાય છે એમ ? હકીકત એ છે પ્રિય વાચક, કે સૌથી સહેલો લાગતો અને સાદો સીધો અવરોહ ધરાવતો રાગ ગાવા માટે પણ વરસોનો રિયાઝ જોઇએ.
વરસો પહેલાં આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી ઉસ્તાદ અમીર ખાને રાગ બરવા ગાયો હતો. ટોચના કલાકારોની દ્રષ્ટિએ રાગ બરવા એટલે સાવ સહેલોસટ. પરંતુ એે રાગને જે રીતે અમીર ખાન સાહેબે રજૂ કર્યો હતો એ સાંભળો તો છક થઇ જવાય. મહેફિલના રાગો તો બધા ગાય છે.
મહેફિલના ન લાગતા હોય એવા સીધા સાદા રાગને અડધો પોણો કલાક બહેલાવી બતાવો તો તમે સ્વરસાધક સાચા. લતાજીના કંઠે રજૂ થયેલા રાગ ભીમપલાસીના આ ગીતમાં પણ એવો અનોખો અહેસાસ થાય છે. એ માટે સ્વરનિયોજક અને ગાયક બંનેને સલામ ઘટે છે.
Comments
Post a Comment