પરદેશી, પરદેશી, જાના નહીં...

ટોપ્સીટર્વી - અજિત પોપટ

11 July 2018


લલિત કલાઓ માટે જગમશહૂર એવા ફ્રાન્સના દક્ષિણ વિસ્તારમાં વાઇનપ્રેમીઓે, વાઇન-ઉત્પાદકો અને વાઇન-સમીક્ષકોએ સ્થાનિક વહીવટી તંત્ર સામે બાંયો ચડાવી છે.

ભારતમાં તો આસામ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં બહારથી આવીને સમૃદ્ધ થતા લોકો સામે જોરદાર વિરોધ થાય છે.

બીજી બાજુ સધર્ન ફ્રાન્સમાં એક વિદેશી યુગલને કાયમ રહેવા દેવા માટે આંદોલન શરૂ થઇ ચૂક્યું છે.આ આંદોલન દિવસે દિવસે જોર પકડી રહ્યું છે એવું બીબીસીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું.

રેડિયો, ટીવી અને ટ્વીટર-ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મિડિયા પર પણ હજારો લોકોએ વહીવટી તંત્રના આ જપાની યુગલને કાઢી મૂકવાના વહીવટી તંત્રના નિર્ણયને બેશરમ, મૂર્ખતાભર્યો  અને વાહિયાત ગણાવ્યો હતો. ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર અનેક વિરોધદર્શક સંદેશા મૂક્યા હતા. વાત ખરેખર રસપ્રદ છે.

જપાનથી રોજીરોટી રળવા ફ્રાન્સમાં આવેલા હીરોફૂમી શોજી અને એની પત્ની રાઇ શરૂ શરૂમાં અલગ અલગ કામ કરતાં હતાં. હીરોફૂમીએે ફ્રાન્સના એક ટોચના શેફ (રસોઇયા-બાવર્ચી) સાથે તાલીમાર્થી તરીકે કામકાજ શરૂ કર્યું હતું.

એણે જોયું કે ફ્રેન્ચ પ્રજાને દ્રાક્ષમાંથી બનતા વાઇન (એક પ્રકારના હળવા શરાબ)નું ઘેલું લાગ્યું છે. એણે વાઇન બનાવવાની રેસિપી શીખી અને સમજી લીધી.

પછી પતિપત્નીએ પોતાની બચાવેલી રકમ અને નાનકડી બેંકલોન દ્વારા દ્રાક્ષનો એેક બગીચો ખરીદી લીધો. મૂળ માલિકને આ બગીચો ફળ્યો નહોતો એટલે એણે વેચી નાખ્યોે. આ દંપતીએે ખૂનપસીનો રેડીને અહીં ઓર્ગેનિક દ્રાક્ષ ઊગાડવા માંડી. દેશી ખાતર અને બધાં કામ જાતે કરવાનો  નિયમ પહેલેથી રાખેલો. એ પુરુષાર્થ ફળ્યો.

પહેલો જે ફાલ ઊતર્યો એ દ્રાક્ષમાંથી આ બંનેએ વિશિષ્ટ પદ્ધતિથી વાઇન બનાવ્યો. એને 'વ્હાઇટ રૉક્સ' નામ આપીને બજારમાં મૂક્યો. ગણતરીના કલાકોમાં વ્હાઇટ રૉક્સની ૪૨ હજાર બોટલો ફટાફટ વેચાઇ ગઇ.

પોતાના વાઇનને આટલો જબરદસ્ત પ્રતિસાદ મળશે એવી આ યુગલને કલ્પના સુદ્ધાં નહોતી. ફ્રેન્ચ પ્રજાની ખેલદિલી તો જુઓ. કેટલાક વાઇન મેકર્સે પોતે પણ આ વાઇન ચાખ્યો. એ પછી આ પતિપત્નીએ બનાવેલા વાઇનને બિરદાવ્યો કે વાહ્, બહુ સરસ વાઇન બનાવ્યો છે. સધર્ન ફ્રાન્સની કેટલીક રેસ્ટોરાં અને પબમાં આ વાઇનની માગ રાતોરાત વધી ગઇ.

પરંતુ સ્થાનિક વહીવટી તંત્રમાં કોઇ અધિકારીને પેટમાં દુખ્યું. વહીવટી તંત્રે શોજી દંપતીને એવી નોટિસ મોકલી કે તમે અહીં વર્ક પરમિટ પર કર્મચારી (એમ્પલોયી) તરીકે આવ્યાં છો, એમ્પલોયી બનીને રહો. તમે એમ્પલોયર (શેઠ કે માલિક) બનીને રહી શકો નહીં.

તમે વાઇનમેકર તરીકે ઓળખ સ્થાપિત કરી શકો નહીં.

દ્રાક્ષના બગીચાના પહેલા પાકમાંથી બનાવેલા વાઇનના પહેલા સ્ટોકે જ વાઇન શૉખીનો અને રેસ્ટોરાં માલિકોને એવો ચસકો લગાડયો કે વહીવટી તંત્રના આ ફતવાને તમામ લોકોએ વખોડી કાઢ્યો. આ લખાતું હતું ત્યારે શનિવારે સાતમી જુલાઇએ પચાસ હજારથી વધુ લોકોએ સહીઝુંબેશમાં ઝંપલાવ્યું હતું.

આ હજારો વાઇનચાહકોએ શોજી દંપતી અહીંજ રહેશે એવો ઠરાવ સર્વાનુમતે પસાર કરીને વહીવટી તંત્રને મોકલી આપ્યો હતો. વાઇન મેકર્સ એસોસિયેશને પણ વહીવટી તંત્રની આકરી ઝાટકણી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો કે આ દંપતી અહીં ઉત્તમ ક્વોલિટીનો વાઇન બનાવીને સાવ વાજબી ભાવે લોકેાને પીરસે છે.

આ દંપતીને તમે આ રીતે જાકારો આપી શકો નહીં. તમારો આદેશ તત્કાળ પાછો ખેંચી લો નહીંતર આ આંદોલન વકરી જાય તો એની જવાબદારી વહીવટી તંત્રની રહેશે.

ફ્રેન્ચ પ્રજાની આ કેવી ખેલદિલી ! ખુદ શોજી દંપતીને નવાઇ લાગી હતી કે તેમની તરફેણમાં આટલા બધા લોકો આંદોલન કરવાની ચેતવણી ઉચ્ચારશે ! એ તો મૂગે મોઢે પોતાનું કામ કરી રહ્યું છે. સધર્ન ફ્રાન્સના

રૌસિલન નગરના કેટેલન પ્રદેશમાં આમ તો બીજા કેટલાક જપાની પરિવારો પણ વાઇનનો બિઝનેસ કરે છે. પરંતુ શોજી દંપતીને પહેલે જ પ્રયાસે મળેલી ધમાકેદાર સફળતા વહીવટી તંત્રમાં કોઇની આંખમાં આવી ગઇ હોય એવું લાગે છે. 

વિશ્વપ્રસિદ્ધ ફ્રેન્ચ રેસ્ટોરાં- ચેન 'કાન રોઝા'એ પણ આ દંપતીને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. શોજી દંપતીએ બનાવેલા વાઇનનો સૌથી મોટો સ્ટોક આ રેસ્ટોરાં-ચેને કરી લીધો છે. અખબારો અને ઇલેક્ટ્રોનિક મિડિયાએ પણ શોજી દંપતીને પીઠબળ જાહે કર્યું છે. અત્યારે તો એક વિદેશી દંપતીની આટલી બધી લોકપ્રિયતા જોઇને સ્થાનિક વહીવટી તંત્ર સ્તબ્ધ બની ગયું છે...!

આસામ ગણ પરિષદ કે શિવસેના યા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આના પરથી કોઇ ધડો લેશે કે ? કોઇ પણ શહેરના સર્વાંગી વિકાસમાં બહારથી આવતા લોકો પણ યથાશક્તિ પ્રદાન કરતા હોય છે, એ હકીકત સ્વીકાર્યે છૂટકો.

Comments