લતાએ ગાયેલાં સંગીતકાર મદન મોહનનાં યાદગાર ગીતો- મણકો ચોથો

સિનેમેજિક - અજિત પોપટ

સિનિયર ફિલ્મ સર્જક જે પી દત્તાએ ભારતીય લશ્કરને બિરદાવતી સારી ફિલ્મો બનાવવાના પ્રયાસો કર્યા છે. એમની બોર્ડર ફિલ્મ વખણાઇ હતી અને હાલ પલટન બનાવી રહ્યા છે. ભારતીય લશ્કરને બિરદાવતી ફિલ્મ બનાવવાનો પ્રથમ પ્રયાસ છેક ૧૯૬૦ના દાયકામાં ચેતન આનંદે કરેલો. બલરાજ સાહની, ધર્મેન્દ્ર, સંજય ખાન, સુધીર અને વિજય આનંદને ચમકાવતી ફિલ્મ હકીકત (૧૯૬૪)માં રજૂ થઇ હતી.

એનાં ગીતો કૈફી આઝમીએ લખ્યાં હતાં અને સંગીત મદન મોહનનું હતું. એેક સમયે પોતે જે વર્દી પહેરી હતી એ ભારતીય લશ્કર વિશેની આ ફિલ્મનું સંગીત તૈયાર કરવામાં મદન મોહને અનેરો આનંદ અનુભવ્યો હતો. પોતે જે સંવેદનો લશ્કરના જવાન તરીકે અનુભવ્યાં હતાં એ સંગીત દ્વારા પ્રસ્તુત કરવાની તક એમને આ ફિલ્મ દ્વારા મળી હતી. એટલે એનું સંગીત વિશિષ્ટ પ્રકારનું બની રહ્યું હતું.

જે બે ગીતોની વાત આજે કરવી છે એમાંનું એક છે,'જરા સી આહટ હોતી હૈ તો દિલ સોચતા હૈ, કહીંં યહ વો તો નહીં...' આ ગીતમાં એક કરતાં વધુ ગૂઢાર્થ અનુભવી શકાય છે. લશ્કરી જવાનના બૂટ અઢી ત્રણ કિલોના હોય અને એ ચાલે ત્યારે એ બૂટનો ધમધમાટ ગમે તેવી ધરતી પર સંભળાય. પરંતુ અહીં જે કમાલ શબ્દો દ્વારા કૈફીએ કરી છેે એ મદન મોહને સ્વરો દ્વારા કરી છે. ઊઘાડા પગે પણ કસરતી કાયા ધરાવતી વ્યક્તિ ચાલે તો એનેા પગરવ નોર્મલ શ્રવણશક્તિ ધરાવતી વ્યક્તિ સહેલાઇથી સાંભળી-અનુભવી શકે.

સીમાડા સાચવતા જવાનોની માતા-પત્ની કે બહેન તો વજનદાર બૂટથી ધમધમતી ચાલને સાંભળવા થનગનતી હોય. જવાન ઘેર આવે એ દિવસોમાં ખાસ કરીને રાત્રે, જવાનની કોડભરી પત્ની પતિનો પગરવ (આહટ) સાંભળવા રીતસર તડપતી હોય.

વિરહિણી સ્ત્રી આવા પગરવની કાયમ અપેક્ષા રાખતી હોય. ખાસ કરીને તહેવારોના દિવસમાં કે ચોમાસામાં વિરહિણી નાયિકા જે મનોભાવો અનુભવે એ મનોભાવો આ ગીતના મુખડામાં જ રજૂ કરીને કૈફીએ કમાલ કરી.

સામા પક્ષે યમન કલ્યાણ રાગનો આધાર લઇને મદન મોહને આ ગીતને સ્વરબદ્ધ કર્યું. સાથોસાથ મુખડાના અર્ધા ચરણ 'કહીં યહ વેા તો નહીં...' ને બે ત્રણ જુદી જુદી રીતે રજૂ કરીને મદન મોહને વિરહિણીના વિરહને ઘટ્ટ બનાવીને પેશ કર્યો. 

કેમ જાણે ગીતકાર અને સંગીતકાર વચ્ચે વણલખી સ્પર્ધા ન યોજાઇ હોય....! આ બંનેને મધુર ટક્કર આપતાં હોય એ રીતે લતાજીએ દરેક શબ્દને ભાવવાહી રીતે લાડ લડાવ્યા. આમ આ ગીત ફિલ્મમાં જેટલું જોવું-સાંભળવું ગમ્યું એટલુંજ, ઘરમાં કે વાહનમાં બેઠાં બેઠાં પણ માણી શકાય તેવું બન્યું.

આ જ ફિલ્મનું ઔર એેક ગીત વેદનાને વધુ સઘન બનાવે એવું છે. અહીં પણ કૈફી, મદન મોહન અને લતાજીની ત્રિપુટી છે. ફોડ પાડીને કશું કહેવાયું નથી. પરંતુ ગીતના શબ્દો પરથી અનુમાન થઇ શકે છે કે કદાચ નાયિકાનો જીવનસાથી શહીદ થઇ ચૂક્યો છે.

બાળકને તો આ વાતની કોઇ સમજ હોય નહીં. એ તો દિવાળી આવી અને પાડોશનાં બાળકો ફટાકડા ફોડી રહ્યા હોય એટલે પોતાને પણ માતા ફટાકડા આપે એવી અપેક્ષા રાખે. અણસમજુ  બાળક સમક્ષ માતા કઇ ભાષામાં પોતાના હૈયાનું કલ્પાંત સંભળાવે ?

અહીં પણ આ ત્રણે જણે કમાલ કરી છે. ગીતનો ઉપાડ આ રીતે થયો હતો- ' આયી અબ કી સાલ દિવાલી, મૂંહ પર અપને ખૂન મલે, ચારોં તરફ હૈ ઘોર અંધેરા, ઘર મેં કૈસે દીપ જલે... ?' અહીં મુખડાનો શબ્દાર્થ અને ગૂઢાર્થ બંને માણવા જેવા છે. દિવાળી એટલે અમાસની રાત. એ તો ગાઢ અંધકાર લઇનેજ આવે. એ અંધકારના શમન માટે દીપક જલાવવાના.

પરંતુ કેવી રીતે દીપક જલાવવો ? ઘરનો દીપક તો રામ થઇ ચૂક્યો છે. આમ એક તરફ વાતાવરણનો અંધકાર અને બીજી તરફ જુવાનજોધ પુરુષ શહીદ થયાથી જીવનમાં સર્જાયેલો અંધકાર ! અહીં ગીત કયા રાગ પર આધારિત છે એ મહત્ત્વનું નથી રહેતું, ગીતના ભાવને યથાર્થ રીતે સંગીતકાર રજૂ કરી શક્યા છે કે નહીં એનો મહિમા છે. અહીં મદનને પોતાનો લશ્કરી અનુભવ કામે લાગ્યો હોય એવું સતત થયા કરે છે.

આમ તો આ ફિલ્મનાં બધાં ગીતો સરસ હતાં. અહીં ફક્ત લતાજીના ત્રણમાંનાં બે ગીતોની ઊડતી ઝલક પ્રસ્તુત કરી છે.  આજે પણ આ ફિલ્મનાં ગીતો યુ ટયુબ કે ગાના ડૉટ કોમ પર માણવા જેવાં તરોતાજાં રહ્યાં છે. એ માટે આપણે તો સદા મદનના ઓશિંગણ રહેવાના.

Comments