સિનેમેજિક - અજિત પોપટ
સંગીતકાર તરીકેની સ્વતંત્ર કારકિર્દી પચીસ વર્ષની ગણીએ તો મદન મોહને રિલિઝ થયેલી કુલ ૯૫ ફિલ્મોમાં આશરે ૬૪૮ ગીતો માટે સંગીત આપ્યું. એની બારેક ફિલ્મો અધવચ અટકી પડી અને ડબ્બામાં પૂરાઇ ગઇ. એનાં લગભગ ૨૮ ગીતો. ફિલ્મ્સ ડિવિઝનની એક દસ્તાવેજી ફિલ્મ માટે પણ મદને એક ગીતને સ્વરબદ્ધ કર્યું હતું.
આમ પચીસ વર્ષની કારકિર્દીમાં આશરે ૬૭૭ ગીતો મદને આપ્યાં. કોઇ બે સર્જકોની તુલના શક્ય હોતી નથી પરંતુ માત્ર સગવડ ખાતર વિચારીએ તો ૧૯૩૯-૪૦થી ૧૯૭૪ વચ્ચે સંગીતકાર નૌશાદે લગભગ ૬૪-૬૫ ફિલ્મોમાં સંગીત પીરસ્યું. દરેક ફિલ્મના સરેરાશ દસ ગીતો ગણીએ તો એમનાં ગીતોની સંખ્યા પણ મદન મોહન જેટલીજ થવા જાય. બંને શાસ્ત્રીય સંગીતના દાદુ હતા, જો કે મદન મોહન પાશ્ચાત્ય સંગીતના પણ મર્મી હતા.
પરંતુ મદનને નૌશાદ જેવી તકો મળી નહી. દેખ કબીરા રોયા કે હકીકત જેવી એકાદ બે ફિલ્મ બાદ કરતાં એને પોતાનો કસબ પ્રસ્તુત કરવાનો મોકો જ ન મળ્યો. સાચ્ચા આંકડા મળવા મુશ્કેલ છે પરંતુ આ લેખક એવું માને છે કે નૌશાદના વારસદારોને એચએમવી (સારેગામા) કંપની તરફથી વરસે જેટલી રોયલ્ટી મળે છે, એટલીજ લગભગ મદન મોહનનાં સંતાનોને મળતી હોવી જોઇએ.
દુર્ભાગ્યે આપણે પાળિયા પૂજક લોકો છીએ. માણસ જીવતો હોય ત્યારે એની યોગ્ય કદર થતી નથી. એની વિદાય પછી એને સતત યાદ કરીએ છીએ અને એના ગુણગાન ગાઇએ છીએ.
શાંતિથી વિચારીએ તો ખ્યાલ આવે કે મદન મોહને લતાજી, આશાજી, ગીતા દત્ત, મુહમ્મદ રફી, મૂકેશ, મન્ના ડે, કિશોર કુમાર,તલત મહેમૂદ અને ભૂપીન્દર લગી લગભગ બધા ટોચના કલાકારોને અજમાવ્યા, એકથી એક ચઢિયાતાં સ્વકરાંકનો આપ્યાં અને છતાં એ ટોચના સંગીતકારોની હરોળના ગણાયા નહીં.
સંઘર્ષના દિવસોમાં એેકવાર અનિલ વિશ્વાસના ગીતનું રિહર્સલ ચાલતું હતંક ત્યારે અજાણતામાં મદને એક સૂચન કરેલું. અનિલદા ખીજાઇ ગયેલા અને મદનને ઠપકો આપેલો. થોડાં વરસો પછી એ જ અનિલદાએ મદનના સ્વરાંકનોની મુક્ત કંઠે પ્રશંસા કરેલી. સમય સમયની વાત છે.
આમ તો મદન મોહનને પણ ડઝનબંધ એવોર્ડ મળ્યા પરંતુ એને જ્યારે પોતાના કામની કદર રૃપે ફિલ્મ ફેર જેવા એવોર્ડની ખેવના હતી ત્યારે ન મળ્યા. બાકી ફિલ્મ દસ્તક (૧૯૭૧)ના સંગીત માટે નેશનલ એવોર્ડ મળ્યો, મુંબઇમાં શાસ્ત્રીય સંગીતના પ્રચાર પોષણ માટે કામ કરતી પ્રતિષ્ઠિત સંસ્થા સૂર સિંગાર સંસદના સતત બે વર્ષ માટે સ્વામી હરિદાસ એવોર્ડ મળ્યા, આંધ્ર પ્રદેશ ફિલ્મ પત્રકાર સંઘ અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ ફિલ્મ પત્રકાર સંઘ તરફથી અનુક્રમે અનપઢ અને દિલ કી રાહેં ફિલ્મ માટે એવોર્ડ મળ્યા અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, યશ ચોપરાની હિટ ફિલ્મ વીર ઝારાના સંગીત માટે મરણોત્તર આઇફા એવોર્ડ મળ્યો.
ઘણાં યાદગાર ગીતોનું સંગીત મદને આપ્યું પરંતુ એને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ તરફથી યોગ્ય તક મળી નહીં. આ વાક્ય મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું છે. અમિતજીએ એક કરતાં વધુ વખત કહ્યું છે કે મારા કરતાં વધુ સારા અભિનેતા આ દેશમાં છે. પરંતુ મને યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, યેાગ્ય બેનર તરફથી યોગ્ય તક મળી એટલે હું ટોપ બ્રેકેટમાં આવી ગયો. સંગીતકાર તરીકે મદન મોહન આવું કહી શકવાની સ્થિતિમાં નહોતા. એક પ્રસંગ આ સંદર્ભમાં નોંધવા જેવો છે.
એ દિવસોમાં મુંબઇમાં ટેલિવિઝન નહોતાં આવ્યાં. ૧૯૭૧માં મદનના નાના પુત્ર સમીરે રેડિયો પર સમાચારમાં સાંભળ્યું કે મદન મોહનને દસ્તક ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. હવે આ પ્રસંગ નાના પુત્રના શબ્દોમાં વાંચો- 'મારા પિતાનો મ્યુઝિક રૃમ અમારા ફ્લેટની સામે જ હતો. મેં એમને ફોન કર્યો કે મારે તમને બે મિનિટ મળવું છે. એક સારા સમાચાર આપવા છે. મને હજાર રૃપિયા ઇનામ આપશો ? હું આવું ? કામના સમયે કોઇ એમને ડિસ્ટર્બ કરે એ એમને ગમતું નહોતું.
કંટાળાના સ્વરે એમણે કહ્યું કે કોઇ અટકચાળું નહીં જોઇએ. આવી જા. હું તો દોડતો ગયો અને કહ્યું કે તમને ફિલ્મ દસ્તક માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. પપ્પા ગુસ્સે થઇ ગયા, કામના સમયે તું બકવાસ કરે છે ? ચાલ ભાગ અહીંથી. એ માની જ શકતા નહોતા કે હું સાચું બોલી રહ્યો છું.
એટલામાં હાથમાં શેમ્પેઇનની બોટલ સાથે પપ્પાના જિગરી દોસ્ત સંગીતકાર જયદેવ આવી પહોંચ્યા અને પપ્પાને અભિનંદન આપતાં કહ્યંુ કે અભિનંદન, તને નેશનલ એવોર્ડ મળ્યો છે... સગ્ગા પુત્રે આપેલા સમાચારને અટકચાળું સમજનારા મારા પિતાની આંખોના ખૂણા ભીના થઇ ગયા.
Comments
Post a Comment