ટોપ્સીટર્વી અજિત પોપટ
06 June 2018
ઘર પરિવારમાં બધાં ડૉક્ટર હોય એવા પરિવારમાં ઊછરેલા સુજિત (નામ કાલ્પનિક છે) પર મેડિકલમાં એડમિશન મળી શકે અવું રિઝલ્ટ લાવવાનું લાવવાનું પ્રચંડ માનસિક દબાણ હતું. એટલો બધો અપસેટ રહેતો કે ભાગી જવાનું કે આત્મહત્યા કરી લેવાનું મન થતું.
સદ્ભાગ્યે એને એક દોસ્તના મનોચિકિત્સક પિતાનો સહવાસ સાંપડી ગયો. વાતવાતમાં મનોચિકિત્સકે જાણી લીધું કે સુજિતને ગિટાર વગાડવાનો શૉખ છે. એમણે સુજિતને કહ્યું કે તું ગિટારના ક્લાસ જોઇન કર. તારું ટેન્શન અલોપ થઇ જશે. આજે એક હૉસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતા સુજિતે કહ્યું કે ગિટાર વગાડવામાં હું મારું બધું ટેન્શન ભૂલી જતો અને આપોઆપ હળવોફૂલ થઇ જતો. આજે ડૉક્ટર છું. સુજિત જેવા બીજા ઘણા કિસ્સા ટાંકી શકાય.
યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા સાથે સંકળાયેલા મનોચિકિત્સક મેથ્યુ ઝાવાડ્સ્કી કહે છે કે દરેક વ્યકિતએ એકાદ હૉબી કેળવવી જોઇએ. મનગમતો શૉખ કેળવવાથી મગજમાં એન્ડોર્ફિન્સ નામના હોર્મોન્સ રિલિઝ થાય છે જે વ્યક્તિને ગમે તેવા ટેન્શન કે સ્ટ્રેસથી મુક્ત રાખે છે. મનોચિકિત્સકો એને હેપ્પી હોર્મોન્સના હુલામણા નામે પણ ઓળખે છે.
સંબંધિત વ્યક્તિને એ હળવાફૂલ કે ખુશ કરી દેતાં હોવાથી એને હેપ્પી હોર્મોન્સ કહે છે. આવી વ્યક્તિને કોઇ વ્યસન ડ્રગ કે પેઇનકીલરની જરૂર રહેતી નથી. વાત વિચારવા જેવી છે. ટેસ્ટ ટયુબ બેબીના પ્રણેતા ગણાતા ડૉક્ટર ઇન્દિરા હિન્દુજા આજે પણ સિતારવાદનથી પોતાનું ટેન્શન ઓછું રાખે છે.
જેમના નામથી ભલભલા ધૂ્રજતા એવા શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે અચ્છા કી બોર્ડ પ્લેયર હતા. પ્રચંડ પોલિટિકલ પ્રેસર વચ્ચે એ કી બોર્ડ વગાડીને હળવાફૂલ થઇ જતા. જીવનની અનેક સમસ્યાઓ અને પડકારો સામે ટકી રહેવા માટે પણ એકાદો શોખ જરૂરી બની રહે છે.
નાની વયે જીવનલીલા સંકેલી લેનારા સંગીતકાર મદન મોહન કામના દબાણ વચ્ચે ગમે ત્યારે રસોડામાં પહોંચી જતા અને સરસ સ્વાદિષ્ટ વાનગી રાંધીને સૌને ખવડાવતા એવું એમના ખાસ દોસ્ત સંગીતકાર જયદેવે એક ઇન્ટરવ્યૂમાં કહેલું. ઘણા લોકોને બગીચામાં ફરવાથી કે બાગકામથી આનંદ આવતો હોય છે. એમાંય કશું ખોટું નથી.
મૂળ વાત એકાદ શૉખ કેળવવાની છે. અંગ્રેજીમાં કહે છે અ ચેન્જ ઑફ સબ્જેક્ટ ઇઝ રેસ્ટ. (સાવ સરળ ભાષામાં કહીએ તો વિષયાંતર એ જ આરામ.) કોઇ પણ વ્યવસાયમાં હો, ગમે તેવું પ્રચંડ પ્રેસર હોય, એકાદો શૉખ ઘડીભરમાં તમને હળવા કરી શકે છે.
તમને પરવડે એવો કોઇ શૉખ અપનાવી શકો. ચિત્રકામ, ભરતગૂંથણ, પાકશાસ્ત્ર, સંગીત (સાંભળવું - જાતે ગાવું વગાડવું), સ્વીમીંગ, સ્પોર્ટસ્, લોંગ ડ્રાઇવ (જો કે આજે પેટ્રોલના ભાવ આસમાની છે), વાંચન-લેખન કોઇ પણ શૉખ અપનાવી લો. કામ કે વ્યવસાયનું ટેન્શન હોય ત્યારે થોડો સમય હૉબીને ફાળવો. પછી જુઓે. કોઇ દવા-ઔષધિ વગર તમે નિરાંત અનુભવશો એવું દુનિયાભરના મનોચિકિત્સકો કહે છે.
માત્ર ભારતમાં નહીં, સમગ્ર વિશ્વમાં વ્યાવસાયિક સ્પર્ધા અને ભૌતિક સુખ પાછળની અવિચારી દોડના કારણે માનસિક વ્યાધિ બેસુમાર વધી ગયા છે. 'સૂધીંગ' કહેવાતાં કામપોઝ ટાઇપનાં શામક ઔષધો અબજોે રૂપિયાનાં વેચાય છે.
કેટલીક વાર આવાં ઐાષધો પછી વ્યસન જેવાં થઇ જાય છે. કેટલાક લોકો શરાબ કે ડ્રગના રવાડે ચડી જાય છે. એના કરતાં એકાદ સારી હૉબીથી સાજાસારા રહેવાતું હોય તો શું ખોટું ?
Comments
Post a Comment