અનેક વિશિષ્ટ ખૂબીથી સંપન્ન લેજંડરી કિશોર દેસાઇ

From Left Kishore Desai, Ajit Popat

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ


તુમ બિન જાઉં કહાં કિ દુનિયા મેં આ કે... (ફિલ્મ પ્યાર કા મૌસમ, સંગીત આર ડી બર્મન), પુકારતા ચલા હું મૈં... (ફિલ્મ મેરે સનમ, સંગીત ઓ પી નય્યર), અય મેરી જોહરા જબીં, તુઝે માલુમ નહીં.. (વક્ત, રવિ), અહેસાન તેરા હોગા મુઝ પર (જંગલી, શંકર જયકિસન), લગ જા ગલે કિ ફિર યહ હસીં રાત.. ( વો કૌન થી, મદન મોહન), સારંગા તેરી યાદ મેં... (સારંગા, સરદાર મલિક),  પાંવ છૂ લેને દો, ફૂલોં કો ઇનાયત હોગી.. (તાજ મહલ, રોશન),  લાગા ચુનરી મેં દાગ... (દિલ હી તો હૈ,  રોશન), આજ ફિર જીને કી તમન્ના હૈ.. (ગાઇડ, એસ ડી બર્મન), બાર બાર દેખો, હજાર બાર દેખો..( ચાયના ટાઉન, રવિ), વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ આ ગયી.. (સંજોગ, મદન મોહન), અય દિલ-એે-નાદાં.. (રઝિયા સુલતાન, ખય્યામ), અય મેરે વતન કે લોગોં... (નોન-ફિલ્મી, પ્રદીપજી અને સી રામચંદ્ર)....

સંગીતકાર મદન મોહનની ચાલુ શ્રેણી અધવચ અટકાવીને આજે એક નવી વાત કરવી છે. આરંભે થોડાં ગીતોનાં મુખડાં આપ્યાં છે. ફિલ્મ સંગીતમાં ક્રાન્તિ કરનારા શંકર જયકિસનથી માંડીને તમામ સમકાલીન સંગીતકારોનાં સર્જનોની આછેરી ઝલક છે.
આ તમામ ફિલ્મોની કથા અલગ હતી, કલાકારો અલગ હતા, સર્જકો અને નિર્દેશકો અલગ હતા, ગીતકાર અને સંગીતકાર અલગ હતા. ગીતના ગાયકો અલગ હતા. પરંતુ અખબારી ભાષામાં કહું તો આ અને આવાં અસંખ્ય (સેકડો) ગીતોને જોડનારી એક કડી અતૂટ રહી છે.

એ અતૂટ કડી એટલે ફિલ્મ સંગીતના સુવર્ણયુગના એક અને અજોડ સરોદ-મેંડોલીનવાદક કિશોર દેસાઇ. ફિલ્મ સંગીતમાં જે બે ત્રણ ગરવા ગુજરાતીઓએ મબલખ પ્રદાન કર્યું એમાં એક ગૌરવવંતું નામ છે કિશોર દેસાઇ.કિશોરભાઇ ફિલ્મ સંગીતમાં આવ્યા ત્યારે મેંડોલીનવાદકોની કમી નહોતી.

Kishore Desai
રાજ કપૂરની આવારા ફિલ્મના ઘર આયા મેરા પરદેશી..ગીતમાં આ સાજ છેડનારા ડેવિડ, દાદુ સંગીતકાર સજ્જાદ હુસૈન, મહેન્દ્ર ભાવસાર,કાચી કૂમળી વયે પણ ટોચના સંગીતકારોને પ્રભાવિત કરનારા લક્ષ્મીકાંત (પ્યારેલાલ ફેમ)... આવાં બીજાં કેટલાંક નામ લઇ શકાય. એજ રીતે સરોદવાદકોની પણ કમી નહોતી. નામ લેવાનાં ટાળ્યું છે.
પરંતુ કિશોરભાઇમાં એેક વિશેષ ખૂબી છે જે બહુ ઓછા લોકોમાં જોવા મળે. તમે કંઇક ગાઓ. એ ગાયનમાં શબ્દો ન હોય, ફક્ત આ આ આ.. જેવો આલાપ કે વિદ્યુતવેગી તાન હોય. પરંતુ તમે ગાઓ એની સાથેાસાથ- એ જ ક્ષણે કિશોરભાઇ એની સ્વરલિપિ (નોટેશન ) લખી લે.

સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં એમની ઝડપે અને એમના જેવી ચોક્સાઇથી સ્વરલિપિ લખનાર બીજો કોઇ ન મળે. એ કસબે તેમને લગભગ બધા ટોચના સંગીતકાર માટે અનિવાર્ય સાથી બનાવ્યા.
ખુદ લક્ષ્મીકાંત (પ્યારેલાલ) અચ્છા મેંડોલીન પ્લેયર, ખુદ એસડી અને આરડીના સાથી મનોહારી દાદુ મેંડોલીનવાદક. છતાં આ બર્મન પિતાપુત્રને કિશોર દેસાઇ તો જોઇએ જ. પ્યાર કા મૌસમ આયા ગીતમાં કિશોરભાઇનું મેંડોલીન ગૂંજ્યું છે.

સંગીતકારો ઉપરાંત ગાયકો સાથે પણ એટલીજ આત્મીયતા. એક સંગીતકારના રેકોર્ડિંગમાં કંઇક ગડબડ થતાં લતાજી નારાજ થઇને ચાલ્યાં ગયાં. એમને કોણ મનાવી લાવે ? તો કહે, કિશોરભાઇ કો ભેજો... અને કિશોરભાઇ ખરેખર લતાજીને મનાવીને રેકોર્ડિંગમાં પાછાં લઇ આવ્યાં.

From Left Kishore Desai, Ajit Popat
ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં ટોચના ડઝનબંધ સંગીતકારોના સહાયક કે એરેંજર તરીકે કિશોરભાઇએ અત્યંત મૂલ્યવાન પ્રદાન કર્યું. સંખ્યાબંધ યાદગાર ગીતોમાં પરદા પાછળની રહીને અનિવાર્ય ભૂમિકા ભજવી.  પોતે પણ સંગીત સર્જ્યું.
સી રામચંદ્ર)નું એરેંજિંગ કિશોર દેસાઇએ કરેલું. ખુદ પ્રદીપજીએ એક કરતાં વધુ ઇન્ટરવ્યૂમાં આ પ્રતિભાને મોકળા કંઠે બિરદાવી છે. મૂળ અમરેલીના એક વેપારી કુટુંબના કિશોરભાઇએ વાયા રંગૂન મુંબઇમાં એન્ટ્રી મારી.
મૈહર ઘરાનાના સરોદ સમ્રાટ ઉસ્તાદ અલી અકબર ખાનના શિષ્ય એવા કિશોરભાઇ આજે ૮૦ વર્ષની વયે પણ એક્ટિવ છે. હાર્ટની બાય પાસ સર્જરી પછી પણ સાજ પર આંગળી ફેરવે ત્યારે આંખના પલકારામાં સ્વર સમાધિમાં લીન થઇ જાય છે.
ઋષિ પરંપરાના આ સ્વરસાધક આ કલાકાર ફિલ્મ સંગીતના સુવર્ણયુગના અનોખા સાથી સર્જક રહ્યા છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા કિશોરભાઇને આ અઠવાડિયે લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડની નવાજેશ થવાની છે.

Comments