સિનેમેજિક - અજિત પોપટ
આજે મહિનાનો છેલ્લો એટલે કે ટીનેજર્સના મનગમતાં ગીતોની વાત કરવાનો શુક્રવાર. છેલ્લા થોડા એપિસોડથી આપણે સંગીતકાર પ્રીતમની વાત કરી રહ્યા છીએ. ફિલ્મ સંગીતના સુવર્ણયુગના સંગીતકારોની જેમ પ્રીતમ પર પણ એવા આક્ષેપો બહુ થયા કે એણે વિદેશી તર્જોની ઊઠાંતરી કરી છે, એ કોપી ચોર છે.
જો કે પ્રીતમે પોતે પણ આ અંગે એકાદ બે ઇન્ટરવ્યૂમાં પોતે કયા વિદેશી ગીતોના પ્રભાવમાં હતા અને એનો કેવી રીતે પોતાની ફિલ્મોમાં ઉપયોગ કર્યો એની વાત કરી હતી. ઘણીવાર એવું બને છે કે ફિલ્મના પ્રોડયુસર ડાયરેક્ટર પોતે કોઇ વિદેશી ફિલ્મની કથા કે સંગીતથી પ્રભાવિત થયા હોય તો એની સીડી લાવીને સંગીતકારને કહેતાં હોય છે કે ઐસા કુછ કર કે દિખાઓ...અથવા હમેં ઐસા કુછ ચાહિયે..
આવા સંજોગોમાં સંગીતકાર મૂળ તર્જમાં અહીં તહીં થોડો ફેરફાર કરીને એનું ભારતીયકરણ કરી નાખે. પછી પ્રોડયુસરને સંભળાવે કે અબ સુનો. પેલાને મૂળ વિદેશી તર્જ આછીપાતળી યાદ હોય. સુધારાવધારા સાથેની તર્જ સાંભળે એટલે યસ, યહ અચ્છી હૈ એમ કહીને ગાડી આગળ ચલાવે.
દેશી વિદેશી ગીતસંગીતના અભ્યાસી લોકો તરત કહેવા માંડે કે આ તો ફલાણા ગીતની ઊઠાંતરી છે. આવું અન્યોની જેમ પ્રીતમ સાથે પણ થયું છે. કેટલીક વેબસાઇટ સતત આ વિષયની ચર્ચા કરતી રહે છે કે ફલાણા સંગીતકારે ફલાણી તર્જ ફલાણા સ્થાનેથી ઊઠાવી.
આજે પ્રીતમનાં જે બે ચાર ગીતોની વાત કરવી છે એ છેલ્લાં ચાર પાંચ વર્ષમાં આવેલી ફિલ્મોની છે. એવું પહેલું ગીત યહ જવાની હૈ દિવાની (૨૦૧૩) ફિલ્મનું છે. અમિતાભ ભટ્ટાચાર્ય રચિત આ ગીતને શ્રી રામચંદ્રનો કંઠ સાંપડયો હતો. હૈદરાબાદના આ યુવાને ઇન્ડિયન આઇડલની પાંચમી સીઝનમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને અમિતાભ બચ્ચનના હસ્તે એને ફર્સ્ટ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.
તેલુગુ ફિલ્મોમાં એણે થોડાં હિટ ગીતો ગાયાં બાદ એને યશ રાજની ફિલ્મ મેરે બ્રધર કી દૂલ્હનથી હિન્દી ફિલ્મોમાં ગાવાની તક મળી અને એણે આ ફિલ્મનાં બે ગીતો ગાયાં. એનું હિન્દી ફિલ્મમાં પહેલું હિટ ગીત 'બલમા...' ખિલાડી ૭૮૬નું હતું.
આ ગીતમાં શ્રેયા ઘોષાલ એની સાથે સહગાયિકા હતી. સંગીત હિમેશ રેશમિયાનું હતું. એ પછી પ્રીતમની નજરે પડયો અને એને યહ જવાની હૈ દિવાની માટે 'સુભાનઅલ્લા' ગીત ગાવાની તક મળી. આ ગાયક કલાકાર અને પ્રીતમ પ્રત્યેના પૂરા માન સાથે લખવું પડે છે કે આ ગાયક કે આ ગીત બંનેમાંથી કશું આજે તમને યાદ નહીં હોય.
કોણ જાણે કેમ, પણ નવા ગાયકો અગાઉના પ્લેબેક સિંગર્સની તુલનાએે બહુ જલદી વિસરાઇ જાય છે. બાય ધ વે, હજુ ગયા સપ્તાહે સ્વર કિન્નરી લતા મંગેશકરે તબિયત સારી નહીં હોવા છતાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આજના નવા ગાયકો રિયાઝને પૂરતો સમય આપતા નથી.
રિયાઝ અને શાસ્ત્રીય સંગીતની પૂરતી તાલીમ જ તમને લાંબો સમય ટકી રહેવાની ક્ષમતા આપે છે. લતાજીએ કહ્યું કે મારા પ્રાઇમ ટાઇમમાં હું એક રેકોર્ડિંગ રૃમથી બીજા રેકોર્ડિંગ રૃમ સુધી સતત દોડાદોડ કરતી હતી ત્યારે પણ મેં રિયાઝ છોડયો નહોતો. ટોચની શાસ્ત્રીય ગાયિકા બેગમ પરવીન સુલતાનાનો તો આ તકિયા કલામ છે- 'રિયાઝ કરો ઔર રાજ કરો...'
ઇન્ડિયન આઇડલ કે સા રે ગા મા જેવા ટીવી શોમાં ટોચ પર બિરાજેલા ગાયકો પણ બે ચાર ફિલ્મોમાં ગાઇને પછી સ્ટેજ પ્રોગ્રામમાં વેડફાઇ જાય છે. આવું ટીવી મ્યુઝિક શોના ઘણા ગાયકો સાથે બન્યું છે. શ્રીરામ ચંદ્રે ત્યારબાદ 'રહનુમા' અને 'ક્રેઝી લવ' જેવા હિન્દી ગીતોનાં બે આલ્બમ પ્રગટ કર્યા હતા.
એણે હિન્દી ઉપરાંત બંગાળી, તેલુગુ અને ગુજરાતી ગીતો પણ ગાયાં છે. પરંતુ ફરી લતાજીને યાદ કરીએ તો એમણે એક સરસ વાત સંગીતકારો માટે કરી કે તમે મૌલિક સર્જન કરો. અહીં તહીંથી ઊઠાવીને તમે ચિરંજીવ કે યાદગાર ગીતો નહીં આપી શકો. આ વાત આજના લગભગ બધા યુવાન સંગીતકારોને લાગુ પડે છે.
Comments
Post a Comment