વિશ્વનું સૌથી પવિત્ર દ્રશ્ય- સ્તનપાન

ટોપ્સીટર્વી-અજિત પોપટ

27 June 2018


મુરાદ સાહેબ નામના સૂફી કવિની ચારણી છંદ જેવા છંદમાં થયેલી રચનાનો ઉપાડ અત્યંત અસરકારક છે- તૂ હી નામ તારણ, સભી કાજ કારણ, ધરો ઉનકા ધારણ, વો નિવારણ કરેહા, ન થા દાંત જાકો, દિયા દૂધ માકો, ખબર હૈ ખુદા કો, સબર જો ધરેગા.... બહુ અદ્ભુત વાત કરી છે.

સ્ત્રી માતા ન બને ત્યાં સુધી એના થાનેલામાં દૂધની હેલી વરસતી નથી. મુરાદે જુદી રીતે વાત કરી કે નવા જન્મેલા બાળકના મુખમાં દાંત નહીં હોય એવી સર્જનહારને જાણ હતી એટલે માતાના થાનેલામાં દૂધ ભરી મૂક્યું. ભૂલતો ન હોઉં તો જગવિખ્યાત ઇટાલિયન ચિત્રકાર લિયોનાર્દોદ વિન્ચીના નામે એક વિધાન ચડેલું છે- જગતનું સૌથી પવિત્ર દ્રશ્ય બાળકને ધવરાવતી માતાનું છે...

કેરળના એક સામયિકના કવર પર સ્તનપાન કરાવતી માતાનું ચિત્ર જોઇને એને અશ્લીલ ગણાવી હાઇકોર્ટમાં અરજી કરનારા એક સજ્જનને હાઇકોર્ટે સરસ જવાબ આપ્યો- અશ્લીલતા જોનારની આંખમાં હોય છે.

ચિત્રમાં હોતી નથી... આવા જ કોઇ અર્થમાં રાજવી કવિ કલાપીએ કહેલું- 'સૌંદર્ય વેડફી દેતાં ના ના સૌંદર્યો મળે, સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે...'  કેરળ હાઇકોર્ટના એે જજને સો સો સલામ કરવી પડે એવો આ ચુકાદો છે. અશ્લીલતાની વ્યાખ્યા વ્યક્તિએ વ્યક્તિએ જુદી જુદી હોઇ શકે. એનું કારણ પણ એ જ કે જોનારની આંખ અને એની મનોવૃત્તિ કેવી છે એના પર ઘણો આધાર છે. નવજાત બાળકના શારીરિક અને માનસિક આરોગ્ય માટે તેમજ રોગપ્રતિબંધક શક્તિ (ઇમ્યુનિટી ) માટે માતાનું દૂધ સર્વશ્રેષ્ઠ છે અેવુ વિશ્વના તમામ ટોચના પીડીએટ્રિશિયનો (બાળ રોગ નિષ્ણાતો) તથા ગાયનેકોલોજિસ્ટ્સ કહી ચૂક્યા છે.

સ્તન જોઇને ઉશ્કેરાતા માણસ માટે સૌથી સરસ વાત ક્રાન્તિકારી વિચારક ઓશોએ કરી છે. એમનું આ વિશેનું નિરીક્ષણ સચોટ છે. ઓશો કહે છે, 'બાળક જન્મે ત્યારે સૌથી પહેલી એની નજર માતાના સ્તન પર હોય છે. સૌથી પહેલો સ્પર્શ માતાના સ્તનનો હોય છે જ્યાંથી એને સર્વપ્રથમ પોષણ મળવાનું શરૃ થાય છે.

સૌથી પહેલી નજર જેના પર પડે એ પછી જીવનભર એના આકર્ષણનું નિમિત્ત બની રહે છે.

કેટલાક લોકોમાં સ્તનદર્શન વિકારનું નિમિત્ત બને છે તો કેટલાક લોકોમાં માતાની સ્મૃતિ તાજી કરવાનંુ નિમિત્ત બની રહે છે.' કેરળના માનનીય જજસાહેબનું નિરીક્ષણ આ જ છે. વિકાર હોય કે વાત્સલ્ય, બંને જોનારની આંખમાં હોય છે.

એટલે કોઇ ચિત્રને, અન્ય કલાકૃતિને કે નાટક-ફિલ્મને અશ્લીલ કહેનારે પોતાનો ચહેરો આયનામાં જોઇ લેવો જોઇએ. બાહ્ય પરિબળ કદી અશ્લીલ હોઇ શકે નહીં.

એક ટોચના હાસ્યલેખક (હવે સદ્ગત) કાયમ કહેતા કે જાહેરમાંં વલ્ગર વલ્ગરની રાડયું પાડતા લોકો ખાનગીમાં આવાં નાટકો કે ફિલ્મો મન ભરીને માણતા હોય છે.

આવા લોકો ખરેખર તો દંભી હોય છે. ખાનગીમાં ટેસથી માણતા આ લોકો જાહેરમાં (સતીની જેમ )સતા થવા જાય છે. આ તો મન ભાવે ને મૂંડી હલાવે જેવો ઘાટ છે.

મનોચિકિત્સકો એટલા માટેજ સેક્સના શિક્ષણની ભલામણ કરતા રહ્યા છે. આજે તો ઇન્ટરનેટને કારણે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે સ્કૂલમાં ભણતા ટાબરિયા પણ સેક્સ વિશે મોટેરા કરતાં વધુ જાણતા હોય છે.

કદાચ આવા ઇન્ટરનેટિયા જ્ઞાનના કારણેજ બળાત્કાર કે છેડછાડ પણ વધી રહ્યા હોવા જોઇએ. સમાજશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકોએે આ દિશામાં વિચારવા જેવું છે.

Comments