સિનેમેજિક - અજિત પોપટ
'તૂ પ્યાર કરે યા ઠુકરાયે, હમ તો હૈં તેરે દિવાનોં મેં, ચાહે તુ હમેં અપના ન બના, લેકિન ન સમજ બેગાનોં મેં...' અગાઉ એકવાર વાત કરી હતી. રાગ કે રાગિણી એક જ હોય, પરંતુ દરેક સંગીતકારે એને પોતાની ક્ષમતા મુજબ પચાવી હોય. પોતાનાં રસરુચિ પ્રમાણે કાનસેન બન્યાં હોય. લાંબા સમય સુધી શંકર જયકિસનનો ભૈરવી પ્રેમ બિરદાવાતો રહ્યો.
વાસ્તવિકતા એ હતી કે દરેક ફિલ્મ સંગીતકારે પોતપોતાની રીતે ભૈરવીને ચાહી હતી. દરેકની પોતાનો ભૈરવીને રજૂ કરવાની સ્ટાઇલ રહી. એવી એક સ્ટાઇલ એટલે મદન મોહનની. તકદીરના ખેલ જુઓ. મદન મોહનને લગભગ બધાં ગીતો ક્લાસિકલ હોય એવી તક મળી એ એક કોમેડી ફિલ્મ માટે.
દેખ કબીરા રોયા. સંઘર્ષશીલ ગાયક, પેઇન્ટર અને લેખકની કથા. થોડાં વર્ષો પહેલાં મેં એકવાર લખ્યું કે કેટલાંક યાદગાર શાસ્ત્રીય ગીતો કોમેડિયનોના ફાળે આવ્યા છે. ત્યારે કેટલાક વાચકો નારાજ થયા હતા.
વાત અહીં તૂ પ્યાર કરે યા ઠુકરાયે.. ગીતની છે. આ ભૈરવી મદન મોહનની છે. એની છટા નિરાલી છે. એનો લય જુઓ. ભૈરવીની બાબતમાં એક સંગીતકારની તુલના બીજા સંગીતકાર સાથે કરવાનો કશો અર્થ રહેતો નથી. કારણ કે આ રાગિણી એવી છે જેમાં સપ્તકના બારેબાર સ્વરોનો ઉપયોગ કરી શકાય. સંગીતકારમાં ક્ષમતા હોય તો શુદ્ધ અને કોમળ-તીવ્ર (તીવ્ર મધ્યમ)નું પણ ખૂબીપૂર્વક સંકલન તર્જમાં કરી શકે.
કણ સ્વર તરીકે એવો ઉપયોગ ગીતનું સૌંદર્ય અનેકગણું વધારી શકે.એવો એક દાખલો સંગીતકાર નૌશાદના 'હમારે દિલ સે ન જાના...' ગીતમાં મળી શકે. દુનિયા બડી બેઇમાન.. માં 'બડી' અને 'બેઇમાન' વચ્ચે અત્યંત ઝીણવટપૂર્વક તીવ્ર મધ્યમ આંખના પલકારાની જેમ ઝળકીને સરકી જાય છે.
તૂ પ્યાર કરે યા ઠુકરાયે... ગીતને ક્યારેક મધરાતે કે વહેલી સવારે બ્રાહ્મ મુહૂર્તમાં સાંભળો. તમને કદી ન થયો હોય એવો તૃપ્તિનો અનુભવ થશે. એ છે મદન મોહનની ભૈરવીની ખૂબી. અહીં છૂટથી એમ કહી શકાય કે સંગીતકારે રાગિણીનો માત્ર આધાર નથી લીધો, રાગિણીનેા પૂર્ણપણે કસ કાઢ્યો છે. લતાજીએ એને પોતાની રીતે બહેલાવી છે.
લતાજીની વાત નીકળી એટલે યાદ આવ્યું. એમણે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે કેટલાક લોકોને એવી ગેરસમજ છે કે હું મદન મોહનનાં ગીતોમાં મારા પ્રાણ રેડી દેતી. હકીકતમાં ગાયક અને સંગીતકારનો મનમેળ સ્વભાવિક અને સહજ હોય ત્યારે ઓટોમેટિકલી આવું થઇ જતું હોય છે. મને મદનભૈયા કહેતા કે આ તર્જ તને ધ્યાનમાં રાખીનેજ બનાવી છે.
ક્યારેક એ પોતે ગાઇને સંભળાવતા કે એમને શું જોઇએ છે અને ક્યારેક એ પોતે ગાયેલી ટેપ સંભળાવતા. એમની અપેક્ષા હું સમજી જતી અને રિહર્સલમાં એમને ખ્યાલ આવી જતો કે હું એમની અપેક્ષા સંતોષે એ રીતે ગાઇશ. એકબીજા પરના પૂર્ણ વિશ્વાસમાંથી આવાં ગીતો સર્જાતાં હોય છે. લતાજીનો અભિપ્રાય શાંતિથી સમજવા જેવો છે. સંગીત રસિકને વિચારતાં કરી દે એવો છે.
Comments
Post a Comment