ટોપ્સીટર્વી - અજિત પોપટ
20 June 2018
કિસ્સો પહેલો- પોતાના નામ સાથે સિંઘ શબ્દ જોડનારા એક દલિત ટીનેજરને ઢોરમાર મારવામાં આવ્યો. કિસ્સો બીજો- કચરો વીણવા આવેલા દંપતીએ કારખાનાનું કમ્પાઉન્ડ સાફ કરવાનો ઇનકાર કરતા પતિને દંડા વડે સખ્ખત મૂઢમાર મારવામાં આવ્યો.
આવા તો કેટલાય કિસ્સા લગભગ રોજેરોજ દેશનાં વિવિધ શહેરો અને ગામડાંમાં બની રહ્યા છે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ ભલે હરિજન જેવો સરસ શબ્દ આપ્યો, લોકમાનસમાં તો હજુય યુગજૂનો શબ્દ વપરાય છે.
આવા તો કેટલાય કિસ્સા લગભગ રોજેરોજ દેશનાં વિવિધ શહેરો અને ગામડાંમાં બની રહ્યા છે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ ભલે હરિજન જેવો સરસ શબ્દ આપ્યો, લોકમાનસમાં તો હજુય યુગજૂનો શબ્દ વપરાય છે.
સમાજનું મેલું ઊંચકીને સ્વચ્છતા સ્થાપનારા કે મરેલા ગંધાતા ઢોરની ખાલ ઊખેડીને એના દ્વારા પોતાના પેટનો ખાડો પૂરનારા લોકો પ્રત્યે આટલો બધો અણગમો અને નફરત કેમ ? દલિતો પર અત્યાચારોના કોર્ટમાં ચાલતા કેસોના ગયા સપ્તાહે રજૂ થયેલા આંકડા ખરેખર ચોંકાવનારા હતા.
એકલા ગુજરાતમાં ૩૮૦૦થી વધુ કિસ્સા દલિતો પર અત્યાચારના થયા. એ બધા કેસ કોર્ટમાં હજુ ઊભા છે. એકલા અમદાવાદની કોર્ટ્સમાં આવા આશરે ૫૦૦ (વાસ્તવિક આંકડો ૪૮૫ )નો છે. કહેવાતા ઊજળિયાતો એક મુદ્દો કેમ સમજતા નથી કે તમારી ગંદકી દૂર કરનારા આ લોકોને થેંક્સ ન કહો તો કાંઇ નહીં પરંતુ એમના પર તૂટી પડવાનું કોઇ વાજબી કારણ છે કે ? ગટર સાફ કરવા અંદર ઊતરનારો કોઇ દલિત યુવાન અંદરના ઝેરી ગૅસના કારણે મૃત્યુ પામે ત્યારે એક પરિવાર ભૂખે મરતો થઇ જતો હોય છે.
પોતાને ઊચ્ચ વર્ણના ગણાવતા કોઇ શિક્ષિત યુવાનને પૂછી જુઓ: તમારા ઘરના જાજરૂ નિયમિત રૂપે તમે જાતે સાફ કરો છો કે ? જવાબ 'ના'માં મળશે. વિદેશમાં ભણવા જતા આપણા યુવાનો ત્યાં હૉટલમાં એંઠાં વાસણો ધોવાની નોકર કરીને ભણવાનો ખર્ચ કાઢતા હોય છે.પરંતુ અહીં પાછા ફર્યા બાદ એ પોતાનું ડાઇનિંગ ટેબલ સુદ્ધાં સાફ નહીં કરે. તો ઘરના બાથરૂમ જાજરુની શી વાત કરવી ? ગાંધીજીએ કદાચ એટલે જ એકવાર કહેલું કે કોઇ વ્યક્તિ કેટલી સ્વચ્છ છે એ જોવા એના ઘરના જાજરૂને જોવું.
મરેલા ઢોરની ખાલ ઊખાડનારા કે માર્ગો પરના ઉકરડા, મકાનોની પરસાળ અને પાયખાનાં સાફ કરતા લોકો ખરેખર તો આપણી ગંદકી દૂર કરે છે. સતત માથું ફાડી નાખતી દુર્ગંધ અને ગંદકીના કારણે સસ્તો શરાબ પીતાં થઇ જાય તો એમાં એમનો શો વાંક કાઢવો ?
તમારા મહોલ્લામાં એકાદ કૂતરું મરી જાય અને બે દિવસ પડયું રહે તો કેવી ભયાનક દુર્ગંધ મારવા માંડે છે ! એવી દુર્ગંધ વચ્ચે બારેમાસ અને ચોવીસે કલાક કામ કરતા આ વર્ગ પ્રત્યે સહાનુભૂતિ ન રાખીએ તો કંઇ નહીં પરંતુ એના પર અત્યાચાર કરીને આપણે પરપીડામાં રાચતા થઇ જઇએ છીએ. છાપે ચડતા થોડાક કિસ્સા તો પોલીસ કેસને કારણે જાણવા મળતા હોય છે. પરંતુ એના કરતાં અનેકગણા કિસ્સા રોજે રોજ દેશના ખૂણે ખૂણે બનતા રહે છે.
ખાસ કરીને ઉત્તર ભારતમાં આ સ્થિતિ વધુ વણસેલી છે. એક યા બીજા બહાને દલિતો પર અત્યાચારો લગભગ રોજની ઘટના બની રહી છે. આ કચડાયેલા સમૂહનું જીવતર મેલામાં સળવળતા જંતુ જેવું જ ઊપેક્ષિત રહ્યંુ છે. દેશ આઝાદ થયાના સિત્તેર વર્ષ પછી પણ આ સ્થિતિ હોય એ દરેક શિક્ષિત ઊજળિયાતે શરમાવા જેવું છે.
લારી પર ચા પીવા જતી વખતે કે પાઉંભાજી ખાવા જતી વખતે કદી એ બનાવનારની જાતિ પૂછવામાં આવતી નથી. તો પછી આપણી આસપાસ વસતા દલિતો પ્રત્યે આટલી બધી નફરત કેમ ? આ સવાલ સતત દરેક નાગરિકે પોતાની જાતને પૂછવા જેવો છે.
અદાલતોમાં હજ્જારો કેસ પેન્ડિંગ ઊભા છે. એનો નિવેડો આવતાં બીજા પાંચ દસ વર્ષ લાગી જઇ શકે. ત્યાં સુધીમાં દલિતો પર અત્યાચારના બીજા ડઝનબંધ કેસ બની જાય એટલે કોર્ટમાં પેન્ડિંગ કેસની સંખ્યા કદી ખૂટે નહીં. હવે આ પરિસ્થિતિનો અંત આવવો જોઇએ એમ નથી લાગતું ?
Comments
Post a Comment