સિનેમેજિક - અજિત પોપટ
સંગીતકાર તરીકે મદન મોહને લગભગ બધા પાર્શ્વગાયકો સાથે કામે કર્યું. ટોચના પ્લેબેક સિંગર્સ સાથે ભૂપીન્દર જેવા નવોદિતને પણ તક આપી. પરંતુ લતાજી અને મુહમ્મદ રફી- આ બે ગાયકો સાથે મદને કેટલાંક એવાં યાદગાર ગીતો આપ્યાં જે આજે પણ સાંભળતાં સંગીત રસિકો ધરાતાં નથી.
આ ગીતોનાં શબ્દો અને સૂરાવલિ એકમેકની સાથે દૂધમાં સાકર ભળે એમ એક થઇ ગયાં છે. લતાજી અને રફી સાથેનાં બધાં ગીતોની વાત આપણે નહીં કરી શકીએ એટલેજ મથાળામાં 'ઝલક' શબ્દ વાપર્યો છે.
કેટલાંક ગીતો ખરેખર હૃદયસ્પર્શી બન્યાં છે. આરંભ લતાજીનાં કેટલાંક ગીતોથી કરીએ છીએ. આ લેખકનું એવું ગમતીલું પહેલું ગીત છે 'લગ જા ગલે કે ફિર યહ હસીં રાત હો ન હો...શાયદ ફિર ઇસ જનમ મેં મુલાકાત હો ન હો... ' આ ગીત વિશે અગાઉ અછડતો ઉલ્લેખ કર્યો હતો એ તમને યાદ હશે.
૧૯૬૪માં આવેલી સસ્પેન્સ ફિલ્મ વહ કૌન થી માટે રાજા મહેંદી અલી ખાને આ ગીત રચ્યું હતું. તમે ઝીણવટભરી નજરે તપાસો તો અહીં હકાર અને નકાર બંને સાથે જાય છે. ગીતકારે પહેલીવાર ગીતનું પઠન કર્યું ત્યારે શબ્દોના લાલિત્ય અને ભાવને પામીને મદન મોહન ખુશ થઇ ગયેલા. આવાં ગીતો સહેલાઇથી મળે નહીં. એક તરફ કહે છે કે મને ભેટી લે, મને આલિંગન આપ...આ થયો હકાર. પછી તરત કહે છે કે આવી સુંદર રાત્રિ પછી કદાચ નહીં મળે.
એટલાથી સંતોષ ન થયો એટલે આગળ વધીને કહે છે કે આજની રાત પૂરતી વાત નથી, કદાચ આ જનમમાં ફરી મુલાકાત થાય કે ન પણ થાય... આમ એક સાથે અહીં હકાર અને નકાર ભેગા થઇ જાય છે. લગભગ આખ્ખા ગીતમાં દરેક પંક્તિમાં આવો ભાવ ઉપસે છે એ ગીતકારની અને એને યથાર્થ સ્વરૃપે રજૂ કરવાની મદન મોહનની ખૂબી માણવા જેવી છે.
શબ્દોમાં પોતાના પ્રિયપાત્રને જે વીનવણી કરાઇ રહી છે એને સચોટ રૃપે રજૂ કરવા માટેજ કદાચ આ ગીતને મદન મોહને છ માત્રાના દાદરા તાલમાં સ્વરબદ્ધ કર્યું.
અત્યંત નિરાંતથી વીનવણી થતી હોય એ રીતે આ ગીત લતાજીએ પ્રસ્તુત કર્યું છે. લતાજી જે રીતે મુલાકાત શબ્દને લાડ લડાવે છે એ પણ ધ્યાનમાં લેવા જેવું છે. ૧૯૬૭-૬૮ની આસપાસ લતાજીનાં હિટ ગીતોનું આલ્બમ પ્રગટ થયું એમાં લતાજીએ આ ગીત પણ પોતાની પસંદગીનું જણાવ્યું હતું. સૌથી વધુ મહત્ત્વની વાત એ હતી કે રહસ્ય ફિલ્મને અનુરૃપ હવા આ તર્જમાં બંધાતી હતી. બ્લેક એન્ડ વ્હાઇટમાં હોવા છતાં સિચ્યુએશનને આ તર્જે સચોટ રીતે પ્રસ્તુત કર્યું હતું.
ગમગીનીના ઘુંટાયેલા ભાવને રજૂ કરતા આ ગીતની સામે બીજી સસ્પેન્સ ફિલ્મ ગણાયેલી 'મેરા સાયા'ના આશાજીના કંઠે રજૂ થયેલા ગીતને મૂકી જુઓ. તદ્દન વિપરીત પ્રકારનું રમતિયાળ હલકું ફુલકું ગીત છે.
'ઝૂમકા ગીરા રે બરેલી કે બજારમેં....' ખરેખર તો આ ગીત બે યુવાન હૈયાં વચ્ચે રમાતી સંતાકૂકડી જેવું છે. પિયુ કહે છે કે લાવ ઝુમખું પહેરાવી દઉં, અમ બંનેની ખેંચતાણમાં ઝુમખું બજારમાં પડી ગયું... હું ઊભી'તી ઝરૃખામાં અને સૈયાએ નીચે આવવાનું અથવા મારી વીંટી નિશાની રૃપે નીચે ફેંકવાનું કહ્યું... બગીચામાં પિયુએ મારી લટ સંકોરી, અમારી વચ્ચે થયેલી રકઝકમાં ઝુમખું પડી ગયું..
આમ ગીત બે યુવાન હૈયાં વચ્ચેના મીઠા કલહ જેવું છે. એમાં આઠ માત્રાના લચકદાર કહેરવાને જે રીતે મદન મોહને અજમાવ્યો છે એ સાંભળીને મુગ્ધ થઇ જવાય. અલબત્ત, આ ગીત ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ગવાતા લોકગીત જેવું અને એવા કોઇ લોકગીતના ઢાળને યાદ કરાવે એવું છે. બંને ગીતો રહસ્ય ફિલ્મોનાં અને છતાં બંનેમાં આમ જુઓ તો આસમાન જમીનનો ફરક.
બંનેના ગીતકાર એક, સંગીતકાર એક, ફિલ્મોનું સ્વરૃપ રહસ્ય ફિલ્મનું એક. થોડા વધુ આગળ જઇએ તો બંને રહસ્ય ફિલ્મોની હીરોઇન પણ એક- સાધના. મેરા સાયામાં સુનીલ દત્ત હતા અને વહ કૌન થીમાં મનોજ કુમાર હતા. આમ જુઓ તો બંને નાયિકા પ્રધાન ટાઇપની ફિલ્મો ગણાય. બંનેનું સંગીત મદન મોહનનું અને બંનેમાં એક એકથી ચઢિયાતાં ગીતો.
અગાઉ પણ એકાદ એપિસોડમાં કહ્યું હતું. અહીં ફરી કહું છું. મદનને ઝૂમકા ગીરા રે.. જેવાં સિચ્યુએશન અને મનગમતી ફિલ્મો થોડી વધુ મળી હોત તો ઇતિહાસ કદાચ જુદો હોત. પરંતુ વિધાતાએ ઘડેલાં ઘડતરમાં જો અને તો હોતાં નથી. મદનની સાથે કામ કરી ચૂકેલા ગીતકારો અને સાજિંદાઓને પૂછીએ ત્યારે ખ્યાલ આવે કે અનેરા તરવરાટથી છલકતો આ આદમી હતો... ન છૂટકે 'હતો' લખવું પડે છે..કહેવું પડે છે...!
Comments
Post a Comment