ટોપ્સીટર્વી - અજિત પોપટ
09 May 2018
સતત તબીબી સંશોધનો કરતા વિજ્ઞાનીઓએ એક કમાલ કરી છે. માનવ શરીરમાં પ્રોટિન સ્વરૃપે જે એન્ઝાઇમ્સ હોય છે એવા પ્રોટિન્સની મદદથી ખાસ પ્રકારનો તબીબી ગુંદર બનાવ્યો છે. 'સાયન્સ ટ્રાન્સેશનલ મેડિસિન' મેગેઝિનમાં પ્રગટ થયેલા એક અહેવાલ મુજબ આ ટિશ્યૂ ગ્લુ (તબીબી ગુંદર) સમગ્ર જીવ સૃષ્ટિ માટે ઉપયોગી નીવડી શકે એેવી એની ક્ષમતા છે.
શરીરની ભીતર રહેલા એન્ઝાઇમ્સ-પ્રોટિન્સની મદદથી તૈયાર કરાયો હોવાથી એ ખૂબ કાર્યક્ષમ છે. ધારો કે સરહદ પર કોઇ જવાનના શરીરમાં વિસ્ફોટ પછી ઇજા થવાથી સતત લોહી વહી જાય છે. એવા સમયે આ ટિશ્યૂ ગ્લૂ જખમ પર રેડી દેવાથી આપોઆપ ઘા સંધાઇ જાય છે. ટાંકા મારવાનો સવાલ રહેતો નથી.
એ જ રીતે બાયપાસ સર્જરી, કિડની ટ્રાન્સપ્લાન્ટ, ઓર્થોપેડિક (ભાંગેલા હાડકાંના સ્થાને સળિયો નાખીને કરાતી) સારવાર, લીવર ટ્રાન્સપ્લાન્ટ કે કેન્સરગ્રસ્ત અવયવ કાઢી નાખવાની સર્જરી- આ અને આવા અનેક તબીબી પ્રસંગોએ આ ટિશ્યૂ ગ્લૂ ઉપયોગી નીવડે છે.
સાયન્સ ટ્રાન્સેશનલ મેડિસિન મેગેઝિને રિલિઝ કરેલી વિડિયો ક્લીપમાં જોઇ શકાય છે કે આ ગ્લૂ અડધાથી અઢી-ત્રણ ઇંચના જખમ પર રેડતાં આપોઆપ ત્વચાના સામસામા છેડા એકમેકની નિકટ આવવા માંડે છે અને જખમ સંધાઇ જાય છે.
જખમ સંધાઇ જવાની આ પ્રક્રિયા આંગળીના વેઢે ગણાઇ જાય એટલી મિનિટોમાં થઇ જાય છે. એટલે વધુ લોહી વહી જવાની ભીતિ રહેતી નથી. સંશોધકોએ આ તબીબી ગુંદરને બાયો-કોમ્પેટીબલ ગણાવ્યો હતો એટલે કે અલ્ટ્રાવાયોલેટ લાઇટની કે અતિશય ભારે તડકાની પણ એના પર કોઇ પ્રતિકૂળ અસર થતી નથી. એ કાયમી અસર ધરાવે છે.
માનવ શરીરમાં તંતુઓ બનાવતા કુદરતી ઇલાસ્ટિક ફાઇબરમાંથી બનાવેલા આ ગુંદરને તબીબી પરિભાષામાં મેથાક્રાયલોય્લ-સબ્સીટયુટેડ ટ્રોપોઇલાસ્ટિન (ટૂંકમાં મેટ્રો) નામ આપવામાં આવ્યું છે. સંશોધકોનો દાવો એવો છે કે આ ગ્લૂ દરેકને આર્થિક રીતે પરવડે એટલું સોંઘું ઉપલબ્ધ થશે. અત્યારે આ ગુંદરના પ્રયોગો ઉંદર, ડુક્કર અને વાનર જેવા જીવો પર કરાયા છે. એમાં ડૉક્ટરોને ધૂમ સફળતા મળી છે. નજીકના ભવિષ્યમાં માણસ પર આ ગ્લૂનો પ્રયોગ હાથ ધરવામાં આવશે.
આ સંશોધન સાથે સંકળાયેલા અને વિજ્ઞાનના મેગેઝિનમાં એની વિગતો આપનારા સંશોધક તબીબ ડૉક્ટર નસીમ અન્નાબીએ કહ્યું, 'સર્જરી દરમિયાન એવા સીલેન્ટની અનિવાર્યપણે જરૂર હોય જે ઇલાસ્ટિક હોય, એડ્હેસિવ હોય, બિનઝેરી હોય અને બાયો-કોમ્પેટિબલ હોય. અમને લાગે છે કે અમે એવું સીલેન્ટ બનાવવામાં કામિયાબ થયા છીએ.
હાલ બહુ નાના પાયે એેના પ્રયોગો ચાલુ છે. એકવાર માણસ પર એના પ્રયોગો સફળ થાય પછી મોટા જથ્થામાં એના ઉત્પાદન અને વિતરણની દિશામાં અમે કામ કરીશું. માર્કેટમાં હાલ મળતા સીલેન્ટમાં અમે જણાવ્યા એ બધા ગુણો પૂરતા પ્રમાણમાં હોતાં નથી. '
આ સંશોધક ટીમના સભ્યો માને છે કે માણસના માથાના વાળ જેવી અતિ સૂક્ષ્મ રક્તવાહિની સાંધવામાં આ ગ્લૂ રામબાણ સાબિત થશે. અત્યારે આ કામ અત્યંત ઝીણવટભર્યું અને નિષ્ણાત સર્જ્યન સિવાય કોઇ ન કરી શકે એવું ચેલેંજિંગ હોય છે. મેટ્રો ગ્લૂ એ કામને સરળ કરી આપશે એવી અમને આશા છે. જખમને સાંધવામાં અને ત્યારબાદ ત્વચા વાટે શરીરમાં જઇને ઓગળી જનારા આ મેટ્રો ગ્લૂએ મેડિકલ જગતમાં એક નવી ક્ષિતિજ ખુલ્લી કરી આપી છે.
અત્યારે હૉસ્પિટલોના ઇમરજન્સી વોર્ડ કે સર્જરી વિભાગમાં જે સુપરગ્લૂ વપરાય છે એ ઓક્ટાઇલ સાયનોક્રાયલેટ કરતાં મેટ્રોે ગ્લૂ અનેકગણો કાર્યક્ષમ, અનેકગણો ચઢિયાતો અને અનેકગણો અકસીર છે એવું પણ આ સંશોધકોની ટુકડી કહે છે. અત્યારે પ્રયોગશીલ અવસ્થામાં હોવાથી ભારત, પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા વિકાસશીલ દેશોમાં પહોંચતાં એને બીજાં પંદર વીસ વર્ષ લાગી જાય તો નવાઇ નહીં.
Comments
Post a Comment