અધ્યાત્મ જિજ્ઞાસાના પગલે મળ્યાં પ્રકાશમણી દાદીજી

From Left: Ajit Popat, Dadiji and Saroj Popat
નમસ્કાર દોસ્તો, અધ્યાત્મ વિદ્યાના જિજ્ઞાસુ તરીકે વિવિધ સાધુસંતો અને અધ્યાત્મવિદોને હું એક સવાલ કાયમ પૂછતો રહ્યો છું કે એકાગ્રતા અને ધ્યાન વચ્ચે શો ફરક છે ? આ સવાલ પૂછવાનો એક ચોક્કસ હેતુ છે. 

તમે કંઇક મનગમતું વાંચવામાં કે લખવામાં લીન થઇ જાઓ અને ઘરના દરવાજાની ઘંટી વાગે કે ફોન રણકે ત્યારે તમને ખ્યાલ રહેતો નથી. એવા સમયે વડીલો કહે છે- સાવ ધ્યાનબહેરો છે. એનો અર્થ એવો થયો કે એકાગ્રતા અને ધ્યાન બે જુદી બાબતો છે. શક્ય છે, એકાગ્રતા ધ્યાન તરફ લઇ જતું કોઇ પગથિયું હોય. 

આ જિજ્ઞાસા હું ઘણા લોકો સમક્ષ વ્યક્ત કરતો રહ્યો છું. એકવાર આવી જિજ્ઞાસા સરોજના ફોઇના દીકરા ભાઇ (હવે સદ્ગત) રમેશભાઇ પાસે રજૂ કરી. રમેશભાઇ છેલ્લાં પચાસ સાઠ વરસોથી પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયેલા હતા. બ્રહ્માકુમારો એમને 'ભાઇજી'ના હુલામણા નામે બોલાવતા. 

એકાદ વર્ષ પહેલાં રમેશભાઇએ વિદાય લીધી. મારી પૂછપરછના જવાબ રૃપે રમેશભાઇ મને અને સરોજને માઉન્ટ આબુ લઇ ગયા. ત્યાં અમે ચારેક દિવસ રહ્યા અને પૂજ્ય પ્રકાશમણી દાદીજી, ગુલશન દાદીજી વગેરેને મળ્યાં. આ તસવીર પ્રકાશમણી દાદીજીએ અમને કરેલા વહાલની ઝલક છે. 

મારા સવાલના જવાબમાં એમણે કહ્યું કે તને યોગ્ય સમયે તારા જનમોજનમના ગુરુ મળશે એ તારી જિજ્ઞાસાનો સાર્થક અંત લાવશે. છેલ્લા થોડા દિવસથી ફેસબુક પર શિવાનીજી અને દાદીજીઓની તસવીરો વગેરે જોયા કરું એટલે પ્રકાશમણી દાદીજી યાદ આવી ગયાં.

Comments