ટોપ્સીટર્વી - અજિત પોપટ
23 may 2018
આંકડાની માયાજાળ જોઇએ તો વરસે દેશમાં મિનિમમ પચાસ હજાર મોત હાર્ટ અટેકથી થાય છે. એની સામે માત્ર પંદરેક હાર્ટ દાનમાં મળે છે. કિડની અને મૂત્રપિંડની બીમારીથી દર વરસે દોઢ લાખથી વધુ લોકો મરણ પામે છે. એની તુલનાએ માત્ર ત્રણેક હજાર દાતા અંગ દાન માટે આગળ આવે છે.
વરસે બે લાખ લોકો લીવર કેન્સરનો ભોગ બને છે. પરંતુ લીવરનું દાન આપવા માટે ભાગ્યે જ કોઇ આગળ આવે છે. કોઇ વ્યક્તિના મરણ બાદ એના એકાદ અંગનું દાન આપવામાં આવે એને તબીબી પરિભાષામાં કેડેવર ટ્રાન્સપ્લાન્ટ કહે છે.
કુદરતે આપણને કેવી ગજબની ભેટ આપી છે. માણસે બનાવેલી કોઇ પણ ચીજ વસ્તુ કરતાં કુદરતના સર્જનને મૂલવી જુઓ. શરીરના લોહીને દિવસરાત બારે માસ શુદ્ધ કરીને પાછું મોકલતો કિડની નામનો ફિલ્ટ પ્લાન્ટ પચાસ સાઠ વર્ષ સુધી કોઇ રાવ ફરિયાદ વિના કામ કરતો રહે છે અને ડૉક્ટરો કોઇને બ્રેઇન ડેડ જાહેર કરે એ પછી પણ કિડની ૨૪થી ૪૮ કલાક સુધી જીવતી રહે છે. તો કોઇ બીમારને એ જીવતી કિડની દાનમાં આપીને નવું જીવન કેમ ન બક્ષવું ? માણસ મરી જાય એ પછી પણ એ શરીરમાં રહેલું લીવર બારથી પંદર કલાક જીવંત રહે છે.
તો પછી લીવર કેન્સરનો કે લીવર સ્ક્લેરોસિસનો ભોગ બનેલી વ્યક્તિને લીવરનું દાન કેમ મળતું નથી ? બ્રેઇન ડેડ જાહેર થયેલી વ્યક્તિનું હૃદય અને ફેફસાં (શરીર અચેતન થઇ જાય) ત્યારબાદ પણ છએક કલાક ચેતનવંતાં રહે છે. તો પછી એને અગ્નિમાં બાળી શેં નાખવાં ? પ્રાણપંખેરું ઊડી ગયા બાદ આશરે દસ કલાક જીવંત રહેતા આંતરડાં કેમ દાનમાં ન આપવાં ? મૃતદેહની આંખો બાળી નાખવા કરતાં એના દ્વારા કોઇ પ્રજ્ઞાાચક્ષુને દ્રષ્ટિદાન કાં ન કરવું ?
વાત વિચારવા જેવી છે. ગયા વરસે પ્રગટ કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં સૌથી વધુ અંગ-દાન લહેરી લાલા ગણાતા અને દર બીજા શબ્દે 'સરસ્વતી' સંભળાવતા સૂરતીઓએ કર્યું. એક જમાનામાં કહેવાતું કે સૂરતનું જમણ અને કાશીનંુ મરણ. પરંતુ આજે સૂરતી લાલાઓ અંગદાન કરવામાં ગુજરાત રાજ્યમાં નંબર વન બની રહ્યા છે.
થોડી મિનિટો પહેલાં જે તમારા કાકા-મામા કે ભાઇ-ભાંડુ હતા અને ડૉક્ટરોએ જેને 'ડેડ' જાહેર કરી દીધા છે એના અંતિમ સંસ્કાર ભલે તમને ગમતી પદ્ધતિથી કરો. પરંતુ પાર્થિવ દેહમાં જીવંત હોય એવાં અંગનું દાન આપીને કોઇને નવજીવન આપતાં કેમ ખંચકાઓ છો ? પૌરાણિક કથા વાંચતાં કે સાંભળતાં તમે ગદ્ગદ થઇ જાઓ છો. તો એ પૌરાણિક કથાનું અનુકરણ કરવામાં કેમ પાછીપાની કરો છો ?
આજે હજ્જારો લોકો એક યા બીજા બીમાર અવયવને ફરી સાજું સારું કરવા કે બદલાવવા માટે તડપી રહ્યા છે. તમારું જે સ્વજન હવે હયાત રહ્યું નથી. એના શરીરને અંતિમ સંસ્કાર આપતાં પહેલાં એમાં રહેલા સજીવ અંગો દ્વારા કોઇને નવું જીવન આપો તો સદ્ગતનો પણ મોક્ષ થઇ જાય.
એના જીવનમાં થયેલી કે સમજી વિચારીને કરેલી ભૂલો આપોઆપ માફ થઇ જાય. ભારતીય સંસ્કૃતિમાં જે વિવિધ પ્રકારના દાન ગણાવવામાં આવ્યાં છે, એમાં અંગદાન સૌથી વધુ પવિત્ર અને સૌથી વધુ મૂલ્યવાન છે. અંતિમ સંસ્કાર કરતાં પહેલાં સ્વસ્થ ચિત્તે વિચાર કરો.
તમે એને ભૂમિશયન કરાવો તો ભૂગર્ભમાં રહેલાં જીવજંતુ એને કોતરી ખાવાના છે. તમે એને અગ્નિને સુપરત કરો તો બળીને રાખ થઇ જવાના છે. એને બદલે તમારા માટે સાવ નકામા એવા પાર્થિવ દેહમાં ધબકતા અંગનું કોઇ બીમારને દાન કરીને એને નવજીવન આપો એનાથી રૂડું બીજું શું હોઇ શકે ? એના દ્વારા પણ તમને એવો અહેસાસ સતત થતો રહેશે કે કોઇ સ્વરૂપે તમારું સ્વજન અન્યના દેહમાં વિહરી રહ્યું છે. લાગણીના આવેશમાં તણાઇ ગયા વિના સ્વસ્થ ચિત્તે વિચાર કરો તો અંગદાનનો મહિમા તમારા દિલમાં વસી જશે.
Comments
Post a Comment