સંગીતકાર મદન મોહનનું ગઝલ સમ્રાટ થવા તરફનું ઘડતર

સિનેમેજિક - અજિત પોપટ

સંગીતકાર મદન મોહનને ઘણા ક્લાસ (ખાસ વર્ગના) સંગીતકાર કહેતા, આમ આદમીના (માસ) માટેના નહીં. આ વિચાર સાથે ઘણે અંશે સંમત થવું પડે. જો કે એનું એેક કારણ એ ગણી શકાય કે મદને કારકિર્દીના આરંભે અને પછીના સમયગાળામાં જે પ્રકારની ફિલ્મો મેળવી અને જે સંજોગો સહન કર્યા એને કારણે તેમજ શાસ્ત્રીય સંગીતના સમકાલીન કલાકારો સાથેનો ઘરોબો આ બાબતમાં નિમિત્ત બન્યો હતો.

અગાઉ આ સ્થળેથી વાત કરેલી કે લશ્કરની નોકરી છોડયા પછી થોડો સમય મદન મોહને લખનઉ રેડિયો પર કામ કર્યું હતું. અહીં દાદુ સંગીતકાર-ગાયકો સાથેનો એમનો ઘરોબો એમને ગઝલ સ્વરબદ્ધ કરવાની દિશા સ્પષ્ટ કરવામાં નિમિત્ત બનેલો.

લગભગ પાંચ છ વર્ષ પહેલાં આ કટારમાં એક મુદ્દાની ચર્ચા કરેલી. મદન મોહનની ગઝલોની વાત કરતી વખતે એ મુદ્દો થોડો યાદ કરી લેવો જરૃરી જણાય છે. જો તમે ગઝલ ગાયકીના શૉખીન હો તો તમે સિદ્ધેશ્વરીદેવી, નિર્મલા અરુણ, શોભા ગુર્તુ, જગમોહન અને કે એલ સાયગલની ગઝલ ગાયનની શૈલીથી પરિચિત હશો. 

૧૯૭૦ના દાયકામાં મહેંદી હસન, ગુલામ અલી, જગજિત સિંઘ, પંકજ ઉધાસ કે અનુપ જલોટાની ગઝલ ગાયકીની શૈલી આગલા દાયકાઓની ગઝલ ગાયકીની શૈલીથી તદ્દન જુદી તરી આવે છે. એના મૂળમાં આ લેખક ફિલ્મ સંગીતકારો અને ખાસ તો નૌશાદ અને મદન મોહનના સ્વરાંકનોને નિમિત્ત ગણે છે.

અગાઉની ગઝલ ગાયકીની શૈલીમાં શબ્દો અને સ્વરોની અદાયગી, જે તે તાલના ઠેકાનું વજન અને સરેરાશ પેશકશ કરતાં મદન મોહને જે ગાયનશૈલીને પ્રગટ કરી એેની જબરદસ્ત અસર ૧૯૭૦ પછીની ગાયકી શૈલી પર પડી. ગુલામ અલી અને અનુપજીએ એમાં મેરુખંડ (સરગમ)ના પ્રકારો ઉમેર્યાં જેની બેઠ્ઠી નકલ આજે લગભગ બધી ભારતીય ભાષાના બધા જ ગઝલગાયકો કરે છે.

આટલી પૂર્વભૂમિકા પછી મદન મોહનની ગઝલોની વાત કરવી ઉચિત ગણાશે. સાંભળનારને એ કદાચ સહેલી લાગે,પરંતુ ગાવાની કોશિશ કરે ત્યારે ખબર પડે કે બાપ રે બાપ, આ તો બહુ અટપટી રચના છે ! એમાંય ક્યારેક તો મદન એવો વિકટ પ્રયોગ કરી નાખે છે કે ભલભલા દાદુ સંગીતકારો મોંમાં આંગળા નાખી જાય.

એક નાનકડા દાખલાથી ગઝલોની વાતનો આરંભ કરીએ. વિજય ભટ્ટની બૈજુ બાવરામાં ભગવાન સામે ફરિયાદ કરતા હોય એમ રફી ઓ દુનિયા કે રખવાલે.. ગીતની પરાકાષ્ઠામાં જે રીતે આર્તનાદ પોકારે છે ભગવાન... ભગવાન.... એવો એક પ્રયોગ મદન મોહને જુદી રીતે અને જુદા સંદર્ભમાં કરેલો. ૧૯૬૪માં રજૂ થયેલી અને મીના કુમારી તેમજ સુનીલ દત્તને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ ગઝલની વાત છે.

એક નાનકડા અખબારના તંત્રી કમ કવિ એક ગાયિકાના પ્રેમમાં પડે છે. એ ગાયિકા તો નવાબની પુત્રી છે. નવાબ તો કવિને મુફલિસ ગણીને એક શ્રીમંત નબીરા સાથે પુત્રીનાં લગ્ન ગોઠવે છે. ત્યારે કવિને રિસેપ્શનમાં ગાવા આવવાનું આમંત્રણ મળે છે. કવિ ત્યાં આવીને એક ગઝલ છેડે છે જેમાં એના હૈયાની સમગ્ર પીડા વેદનાનો છંટકાવ છે. રફી સાહેબે ગાયેલું અને સાહિર લુધિયાનવીએ રચેલું એ ગીત એટલે આ- 'રંગ ઔર નૂર કી બારાત કિસે પેશ કરું ? યહ મુરાદોં કી હસીં રાત કિસે પેશ કરું ?...'

ગીતની પરાકાષ્ઠામાં 'કિસે પેશ કરું...?' શબ્દો અને એની સાથેનું ઇન્ટરલ્યૂડ મ્યુઝિક ઉત્તરોત્તર વરોહાત્મક સ્વરો તરફ ધસે છે અને એક ખાસ પ્રકારનું ટેન્શન દર્શકના દિલાદિમાગમાં સર્જે છે. આ કમાલ મદન મોહનની કલ્પનાશીલતાની હતી.  શિવરંજનીની છાયા પકડીને એમાં મદન મોહને દ્રશ્યને અનુરૃપ જે સ્વરો સર્જ્યા હતા એ ગીતના ક્લાયમેક્સને વધુ સચોટ બનાવી શક્યા હતા. ઓ દુનિયા કે રખવાલેની જેમ અહીં પણ રફીનો કંઠ અને એની સાથેનું પાર્શ્વ સંગીતજે આસાનીથી તાર સપ્તક તરફ વહ્યે જાય છે એ ખરેખર બેમિસાલ છે.

આમ ગઝલ ગાયકીને એક નવો રંગ, એક નવી અદાયગી અને એક નવોન્મેષ આપવામાં મદનનું સંગીત નિમિત્ત બન્યું હતું. એમ તો એમના સમકાલીન કેટલાક સંગીતકારોએ પણ ગઝલો સ્વરબદ્ધ કરેલી. એ બધાંનાં નામ અહીં લેવાનો ઇરાદો નથી. દરેકની અલગ છટા રહી હતી. એ બધાંની વચ્ચે રહીને મદને પોતાની ગઝલના સ્વરાંકનની જે શૈલી વિકસાવી એને કારણે ફિલ્મી ગઝલોને એક નવો આકાર અને એક નવો આયામ સાંપડયો. હવે પછી એવી કેટલીક ગઝલોની વાત કરીશું.

Comments