'સ્મૂધ ક્રિમિનલ'- એ રહસ્યમય ડાન્સ...!

ટોપ્સીટર્વી - અજિત પોપટ
30 May 2018

તમે સૌરાષ્ટ- કચ્છ-કાઠિયાવાડની કોઇ જોબનવંતીને નવરાત્રિમાં ગરબે ઘૂમતી જોઇ છે ? ઢોલ ધ્રબૂકતા હોય એના લચકદાર હિંચ તાલ સાથે એ જોબનવંતીની કાયાના જે વળાંકો સર્જાય એનો જોટો ન જડે. એક પળે ડાબા પગના અંગુઠા તરફ કાયા ઝુકે અને તરત બીજી પળે આંખના પલકારામાં જમણા પગના અંગુઠા તરફ કાયા ઢળી ચૂકી હોય... એનું ચાલે તો 360 ડિગ્રીનું વર્તુળ પૂરું કરી નાખે. અન્યથા પણ 280 ડિગ્રી જેટલો વળાંક તો અચૂક સર્જાય.

છતાં એની કમર લચકી ન જાય, સ્લીપ ડિસ્ક ન થાય, એની કરોડરજ્જુના એક્કે મણકા પર તાણ ન આવે. એકસરખા લયમાં એ રમતી-ઝૂમતી હોય. મિડિયાના ફોટોગ્રાફર્સ સિવાય ભાગ્યેજ એની કાયાના વળાંકો તરફ કોઇનું ધ્યાન જતું હોય છે. પોતાના શરીરની સમતુલા શી રીતે એ જાળવતી હશે ? વિચારવા જેવું છે. કોઇ સર્કસની તાલીમબદ્ધ યુવતીને શરમાવે એવો કાયાનો આ વળાંક હોય છે.

આ વિચાર ગયા સપ્તાહે આવ્યો જ્યારે ત્રણ ભારતીય ન્યૂરોલોજિસ્ટ્સ (મગજના નિષ્ણાત ડૉક્ટરો)એ પોપ મ્યુઝિકના બેતાજ બાદશાહ એવા માઇકલ જેક્સનના એક ડાન્સનું રહસ્ય શોધવાની કવાયત આદરી હતી. માઇકલ જેક્સનના 'સ્મૂધ ક્રિમિનલ' ગીતના ડાન્સમાં માઇકલ 45 ડિગ્રી જેટલો ઝુકી જતો અને છતાં એની કરોડરજ્જુ લાકડીની જેમ સીધી અને ટટાર રહેતી. એવું શી રીતે શક્ય બને ? એ આ ડૉક્ટરોના રસનો વિષય હતો. કોઇ પણ વ્યક્તિ ગુરુત્ત્વાકર્ષણના નિયમની વિરુદ્ધ જઇને આ રીતે ૪૫ ડિગ્રી જેટલો ઝુકી શકે નહીં.માઇકલ જેક્સન જેવો આ ડાન્સ કરવાની ત્યારપછી હજ્જારો કલાકારોએ કોશિશ કરી પરંતુ આજ સુધી કોઇ એ રીતે ૪૫ અંશે ઝુકી શક્યું નથી.

સૌથી રસપ્રદ વાત એ છે કે દુનિયાભરના કોઇ ડૉક્ટરને આ બાબતમાં કુતૂહલ જાગ્યું નહીં. પરંતુ ભારતના મેડિકલ રિસર્ચર્સને રસ પડયો કે આખિર બાત ક્યા હૈ ? ચંડીગઢની પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ ઇન્સ્ટીટયુટ સાથે સંકળાયેલા નિશાંત યાજ્ઞિાક, મંજુ ત્રિપાઠી અને સંદીપ મોહિન્દ્રાએ માઇકલ જેક્સનના ડાન્સ પાછળ રહેલું રહસ્ય શોધી કાઢવા કમર કસી. જો કે હજુ સંશોધન સો ટકા પૂરું થયું નથી.

આ ત્રણે સંશોધકો કેટલીક વિગતો સરસ શોધી લાવ્યાં છે. જેમ કે પોતાની આ ડાન્સમુદ્રા માટે માઇકલ જેક્સને ડઝનબંધ એક્સપર્ટ શૂમેકર (ચંપલ બૂટ બનાવનાર)ને ભેગા કરીને ખાસ પ્રકારના બૂટ્સ બનાવડાવ્યા હતા જે એને ઝુકતી વખતે પણ લાકડીની જેમ ટટાર રહેવામાં મદદ કરે. પોતાને જોઇતા બૂટ્સ તૈયાર થઇ ગયા બાદ માઇકલ જેક્સને આ બૂટની પેટન્ટ પોતાને નામે કરાવી હતી. બૂટના તળિયામાં ખાસ પ્રકારનું પોલાદી પેકિંગ (અસ્તર) મઢાવ્યું હતું.

ત્યારબાદ વિવિધ વ્યાયામવીરો, શરીર શાસ્ત્રીઓ અને યોગનિષણાતોની સલાહ મુજબ ચોક્કસ પ્રકારનાં યોગાસનો કરીને સર્કસની બાળાઓની જેમ પોતાના શરીરને વાળવાની ધરખમ પ્રેેક્ટિસ કરી હતી. આમ કરવામાં એેની પાતળી કાયા પણ મદદરૂપ થઇ હતી. થોડી ભારે કાયા હોત તો કદાચ આ મૂવમેન્ટ માઇકલ જેક્સન કરી ન શક્યો હોત.

ત્રણે ભારતીય ન્યૂરોલોજિસ્ટ્સ અત્યારે તો આદું ખાઇને આ સંશોધન પાછળ પડી ગયાં છે. એમને એ વાતનું પણ વિસ્મય છે કે માઇકલ જેક્સન પછી અદ્દલ આવી મૂવમેન્ટ બીજો કોઇ કલાકાર કેમ કરી શક્યો નથી ?

ઇન્ટરનેટ પર તમે માઇકલ જેક્સનના આ ગીતને ફરીવાર જોજો અને વિચારજો. અત્યાર પહેલાં આ ત્રણ ડૉક્ટરો સિવાય કોઇનું આ તરફ ધ્યાન કેમ નહોતું ગયું ?

Comments