ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
લોકસાહિત્યના કોઇ ડાયરામાં સાંભળેલો શેર છે. શબ્દો આઘાપાછા હોઇ શકે, ભૂલચૂક લેવી દેવી. 'નદી વહે છે ને સૌને મધુર જળ આપે છે, વૃક્ષ વિકસે છે અને સૌને મધુર ફળ આપે છે, છે માનવી માત્ર એવો જે જીવન જીવવા થકી બીજાને ત્રાસ આપે છે...' મેઘો વરસે ત્યારે એના કહ્યા વિના સમગ્ર જીવસૃષ્ટિને પાણી દ્વારા પુરાવો મળી જાય છે.
સૂર્યના તાપની પ્રતીતિ આપોઆપ આપણને સૌને થાય છે. પૂનમની ચાંદનીએ કહેવું નથી પડતું કે હું શીતળતા બક્ષું છું. તો પછી કેન્દ્રમાં બિરાજમાન શાસક પક્ષે ઢોલ-નગારા-ત્રાંસા-પીટીને પોતાની ચાર વર્ષની 'કહેવાતી સિદ્ધિઓ' માટે કરોડો રૃપિયાનું પ્રચારયુદ્ધ કરવાની શી જરૃર ? નાગરિકોને કહેવા દો ને કે અમને આ શાસનથી ફલાણો લાભ થયો છે. શાસક પોતે શી રીતે એવો દાવો કરી શકે કે અમે આ સારુ કર્યું છે ને તે સારું કર્યું છે...
માર્કેટિંગના ધુરંધરો કહેશે કે આજે જમાનો માર્કેટિંગનો છે. હિમાલયના જે વિસ્તારોમાં બારેમાસ બરફ પડતો હોય ત્યાં રેફ્રિજરેટર કે એર કંડિશનર વેચી આવે એવા માણસોનો આ યુગ છે. આકર્ષક પેકિંગમાં તમને કચરા જેવી વસ્તુ પકડાવી દે એનું નામ માર્કેંટિંગ. હકીકતમાં નાગરિકેાને નોંધ લેવાની ફરજ પડે એવું કોઇ પગલું ભર્યું હોય તો એ બિરદાવવા લાયક ગણાય. તમે જાતે છાપરે ચડીને બૂમબરાડા પાડો કે અમે ચાર વર્ષમાં આમ કર્યું ને તેમ કર્યું, એનો કશો અર્થ નહીં.
આમ આદમીને પૂછો કે તમને છેલ્લાં ચાર વર્ષમાં શો લાભ થયો ? તમારો ઘરખર્ચ ઘટયો ? શાકભાજી, અનાજ, દાળ-કઠોળ કે રાંધણગેસ સસ્તો થયો ? તમારા ટુ વ્હીલરમાં જે ઇંધણ વાપરો છો એ તમને પરવડે છે ? તમારા સંતાનને મનગમતી શિક્ષણ સંસ્થામાં કે જ્ઞાાન-શાખામાં સહેલાઇથી એડમિશન મળે છે ? તમારા સંતાનની સ્કૂલની ફી તમને પરવડે એવી છે ? તમારી આવક સાથે ઘરખર્ચનો તાલમેળ મળે છે કે ? દસમાંથી નવ કોમન મેન આ સવાલોનો જવાબ 'ના'માં આપે તો સમજી લો કે તમારા શાસનના છેલ્લાં ચાર વર્ષ એળે ગયાં.
પોતાને રાજકારણના ખાંટુ સમજનારા એમ પણ કહેશે કે આ પરિસ્થિતિ સમજવાનંુ તમારું કામ નહીં, લવ એન્ડ વૉરની જેમ આજે તો પોલિટિક્સમાં બદ્ધું ચાલે. બોલે એનાં બોર વેચાય. આવા ચશ્મિસ્ટ સમીક્ષકોને કહેવાનું કે ભૈ, કોમન મેનની સમસ્યા ન સમજે એવી કોઇ સરકાર લાંબો સમય ટકતી કે સફળ થતી નથી.
આજના ટીનેજર્સ પાસે આંગળીના ટેરવે દુનિયાભરની માહિતીના મહાસાગર છલકી રહ્યા છે. દુનિયાભરમાં ભીખ માગીને પેટ ભરતા પાડોશી દેશમાં જો પેટ્રોલ ડિઝલના ભાવ ઓછા હોય તો 'આખી દુનિયા સાંભળે એવી ગર્જના સાથે આપેલા અચ્છે દિન'ના વચનનું શું થયું, બોસ ? કે પછી અચ્છે દિન ફક્ત શાસક પક્ષના નેતાઓ-કાર્યકરો પૂરતા મર્યાદિત હતા ? વક્તૃત્વના વશીકરણ વડે મળેલા કૂંડીબંધ મતો જેવું પુનરાવર્તન હવે સહેલું રહ્યું નથી. સમયની રેતી ઝડપભેર સરકી રહી છે.
અલબત્ત, દરેક વિપક્ષના ટોચના નેતા પોતાને વડા પ્રધાનપદ માટે બેસ્ટ ઉમેદવાર ગણતા હોય એવું તકવાદી વિપક્ષી જોડાણ કદાચ દિલ્હી સુધી દોડી ન પણ શકે. દેશમાં વડા પ્રધાન તો એકજ હોય. કાં મમતા થાય, કાં મુલાયમ થાય, કાં રાહુલ ગાંધી થાય કાં શરદ પવાર થાય. એવી વિપક્ષી જોડાણની સ્થિતિ જોઇને શાસક પક્ષ ભલે મુછમાં મલકાયા કરે...
પરંતુ તેથી હાલના શાસક પક્ષે બહુ હરખાવા જેવું નથી. ૨૦૧૯માં પહેલાં જેવો ઝળહળતો વિજય ન પણ મળે. ઘરના ઘાતકી જેવા તકસાધુઓ પીઠમાં ખંજર પણ ભોંકી જાય. તમારા નેતૃત્ત્વથી અકળાયેલા તમારાજ સાથીદારો તમને છેલ્લી ઘડીએ છેહ પણ દઇ દે. સતત બદલાતી પરિસ્થિતિમાં કોણ કોની સાથે ક્યારે કેવી શતરંજ ખેલશે એનો જવાબ મળવો મુશ્કેલ હોય છે. કોમન મેનના નિસાસા ઘણીવાર ધગધગતા પુરવાર થતા હોય છે.
ગયા સપ્તાહે કહેલું કે આત્મવિશ્વાસનો અતિરેક પણ ઘણીવાર કાચબા અને સસલાની રેસમાં સસલાને ભાન ભૂલાવી દે છે. ક્ષણે ક્ષણે સાવધ રહેવાનો આજના સમયનો તકાજો છે. અણી ચૂક્યો સો વરસ જીવે એ હકીકત ભારતીય રાજકારણમાં અગાઉ એક કરતાં વધુ વખત જોવા મળેલી. મતદાર ક્યારેય ભોળો કે બોઘો હોતો નથી. ગામડાં ગામના મતદારમાં પણ એક કોઠાસૂઝ હોય છે. એને પણ ભાવવધારો કે બેરોજગારી સતાવતાં હોય છે. એ લાગ જોઇને જ બેઠો હોય છે. લાગ મળે ત્યારે ઉમેદવારના નામ સામે 'ચોકડી' (બંને અર્થમાં) મારી દે છે. જાગતે રહો....!
Comments
Post a Comment