પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક અને સંગીતાચાર્ય વલ્લભાચાર્યજીએ ઠાકોરજીની સેવા જે શાસ્ત્રશુદ્ધ સંગીતને પસંદ કર્યું અને જેમાં હોરીનાં પદો બહુ વખણાય છે એ ભક્તિ સંગીતની ભવ્ય ગઈ કાલ અને અનિશ્ચિત આજની વણકથી વાતો
આ એક ઐતિહાસિક પ્રસંગ છે. તાનસેનનું સંગીત રોજબરોજ સાંભળીને એક વાર શહેનશાહ અકબરને થયું, તાનસેન આવું અદ્ભુત ગાય છે તો તેના ગુરુ હરિદાસસ્વામી કેવું દિવ્ય ગાતા હશે? એકાંતમાં તેમણે તાનસેન સાથે વાત કરી. તાનસેને કહ્યું : 'આલમપનાહ, એ તો વૈરાગી છે. અહીં રાજમહેલમાં ગાવા નહીં આવે.'
'તો આપણે તેમને સાંભળવા ત્યાં જઈએ.' બાદશાહે કહ્યું.
'એ માટે આમઆદમી તરીકે જ જઈ શકાય. રાજવી તરીકે નહીં.'
'ભલે. મને મંજૂર છે.'
સાદા વેશમાં અકબર અને તાનસેન વૃંદાવનમાં આવ્યા. હરિદાસસ્વામી ઠાકોરજીની સામે ગાઈ રહ્યા હતા. તેમની આંખોમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં. શૃંગારનાં દર્શન હતાં, પરંતુ આખુંય વાતાવરણ સાત્ત્વિક શૃંગારથી મઘમઘતું હતું. શબ્દે શબ્દે અને સ્વરે સ્વરે સ્વર્ગીય સુખ અનુભવાતું હતું. સંગીતના કોઈ પણ મરમી આવી ક્ષણોમાં એક પળે જાતનું ભાન ભૂલીને બાદશાહથી અનાયાસે બોલાઈ ગયું : માશાલ્લાહ, સુભાનલ્લાહ...
અને હરિદાસસ્વામી સહિત હાજર રહેલા સૌની સૂરસમાધિ ખંડિત થઈ ગઈ. બાદશાહ ભોંઠા પડી ગયા. ઠાકોરજીના મંદિરમાં યવન પ્રવેશ થવા છતાં હરિદાસસ્વામીએ બન્નેને માફ કર્યા અને તેમને માનભેર વિદાય આપી. દિલ્હી પાછા ફરતાં માર્ગમાં બાદશાહે તાનસેનને સહજ પ્રશ્ન કર્યો : 'તાનસેન, સામાન્ય રીતે ગુરુ કરતાં ચેલા સવાયા કહેવાય છે, પરંતુ સવાયાની વાત તો જવા દે, તું તારા ગુરુ જેવુંય ગાઈ શકતો નથી. એવું કેમ?'
તાનસેને જવાબ આપ્યો 'જહાંપનાહ, મારે તમને રીઝવવા ગાવાનું હોય છે, જ્યારે ગુરુદેવ તો શહેનશાહોના શહેનશાહ એવા પરમાત્માને રીઝવવા ગાય છે. એટલે ગુરુદેવનું સંગીત ખરા અર્થમાં દિવ્ય છે.'
હરિદાસસ્વામીનું એ દિવ્ય સંગીત એટલે પુષ્ટિમાર્ગીય ભક્તિ સંગીત, જેને મારા-તમારા જેવા સામાન્ય માણસો હવેલી સંગીતના નામે ઓળખે છે.
'તમે પ્લીઝ, એને હવેલી સંગીત નહીં કહો.' સહેજ અકળાઈને ગોસ્વામીશ્રી વ્રજપ્રિયબાવા કહે છે, 'હવેલી એટલે મહેલ. અને મહેલ તો નવાબનાય હોય. રાજા-મહારાજાના હોય. આ રાજરજવાડાનું સંગીત નથી. આ તો નવધા ભક્તિમાં જેને શ્રવણં કીર્તનં વિષ્ણો કહ્યું છે એ ભક્તિ સંગીત છે. પુષ્ટિમાર્ગીય ભક્તિ સંગીત. આપણાં વૈષ્ણવ મંદિરો એ પ્રાચીન સંગીત પરંપરાને જીવંત રાખવા અત્યારે ભગીરથ પ્રયાસો કરી રહ્યાં છે.'
આચાર્યશ્રી વ્રજપ્રિય (છોટે બાવા)ની વાત સાચી છે. શાસ્ત્રીય સંગીતના અભ્યાસીઓ અને ઈતિહાસકારો આ વાત ભલે ન સ્વીકારે, પરંતુ અસલી ભારતીય શાસ્ત્રશુદ્ધ સંગીત આ છે, તેમાંય હોરી અને વસંતોત્સવ આ સંગીતના ઉપાસકોના માનીતા ઉત્સવ. વિદેશી આક્રમણો અને યવન સંપર્કના પરિણામે ભારતીય રહેણીકરણી, ભાષા, ખાનપાન અને સંગીતમાં જે સારાં-નરસાં પરિવર્તનો આવ્યાં તેનાથી હવેલી સંગીત અળગું રહ્યું છે અને તેથી જ એની પ્રાચીન શુદ્ધતા જળવાઈ રહી. સાચું ભારતીય સંગીત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મંદિરોમાં જ સચવાઈ રહ્યું છે છતાં વાંકદેખા ઈતિહાસકારો કહે છે કે હવેલી સંગીત લુપ્ત થઈ રહ્યું છે. હકીકત એ છે કે મુંબઈ અને ગુજરાતમાં સારા સુખી ઘરનાં શિક્ષિત હજારો સ્ત્રી-પુરુષો આજેય ઉમળકાભેર હવેલી સંગીત શીખી રહ્યાં છે.
અમદાવાદમાં તો હવેલી સંગીતના લિવિંગ લેજન્ડ સમા વિઠ્ઠલદાસ બાપોદરાએ કીર્તન વિદ્યાપીઠ સ્થાપી છે. ભાગવત વીદ્યાપીઠ (સોલા)ના સ્થાપક ભાગવતાચાર્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી અને ગુજરાતી ભાષાના પ્રખર સાહિત્યસ્વામી ડૉક્ટર કે. કા. શાસ્ત્રીની મદદથી વિઠ્ઠલભાઈ ગુજરાત યુનિવર્સિટીમાં કીર્તનના અભ્યાસક્રમને સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ માન્યતા અપાવવા છેલ્લાં થોડાં વરસોથી સતત પ્રયત્નશીલ હતા.
ટૂંક સમયમાં આ અભ્યાસક્રમને માન્યતા મળવાની જાહેરાત થાય તો નવાઈ નહીં પામતા. ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતને અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયે સંગીત વિશારદ અને સંગીત પ્રવીણ નામે બી. એ. અને એમ. એ.ના સમકક્ષ ડિગ્રી આપી છે. જેનો સ્વીકાર દેશનાં તમામ રાજ્યોએ કર્યો છે. તો શાસ્ત્રીય સંગીતની માજણી મોટી બહેન જેવા હવેલી સંગીતને ગુજરાત કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માન્યતા આપે તો સોનામાં સુગંધ ભળશે.
હવે સૌ પ્રથમ તો જાણી લઈએ કે આ હવેલી સંગીત એટલે શું? હવેલી એટલે મહેલ. પરંતુ આ મહેલ જેવા તેવા રાજવીનો નથી. આ તો પોતાની વેણુ (સંગીત)ના નાદે સમગ્ર ત્રિભુવનને ડોલાવનાર બાળકૃષ્ણનો મહેલ છે. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં બાળકૃષ્ણની ભક્તિ છે.
મા એના બાળકને જેવા લાડ કરે એવા હેતપ્રીત અહીં બાળકૃષ્ણ સાથે થાય છે. સવારે પ્રભાતિયાંથી માતા બાળકને ઉઠાડે, પછી એને નવડાવે, સજાવે, ગાલે મેશનું ટપકું કરે, ભાવતાં ભોજન કરાવે, બપોરે પોઢાડી દે. ફરી સાંજે એને ઉઠાડીને રમાડે-જમાડે અને હાલરડાં ગાઈને સુવડાવી દે. એ માટે જશોદા હોવું જરૃરી નથી. દરેક માતા પોતાના લાલને આ રીતે જ પ્રેમ કરે છે. માતા અચ્છી ગાયિકા ભલે ન હોય પરંતુ બાળકને નવડાવતી વખતે ગાતી હશે.
પપુ મારો ડાહ્યો ને પાટલે બેસી નાહ્યો
પાટલો ગયો ખસી ને પપુ ઊઠયો હસી...
આમ ઈષ્ટદેવને બાળક સ્વરૃપે ગણીને એનું લાલનપાલન કરવાથી ભક્તિ સહેલાઈથી પુષ્ટ થાય છે એવું પુષ્ટિમાર્ગના વિદ્વાનો કહે છે.
પુષ્ટિમાર્ગી વૈષ્ણવ મંદિરોમાં સવારથી રાત સુધી આઠ પ્રસંગો મહત્ત્વના હોય છે : સવારે છ થી ૧૨ વચ્ચે મંગળા, શૃંગાર, ગ્વાલ અને રાજભોગ. સાંજે ચારથી આઠ વચ્ચે ઉત્થાપન, ભોગ, સંધ્યા આરતી અને શયન. વૈષ્ણવો એને અષ્ટસમાનાં દર્શન કહ છે. આ આઠે સમાએ જે જુદાં જુદાં પદો-ભજનો ગવાય એ હવેલી સંગીત.
છેક સામવેદના સમયથી આપણું સંગીત પરમાત્માને પ્રાપ્ત કરવાનું હાથવગું સાધન ગણાયું છે. આપણું સંગીત ભક્તિપ્રધાન છે. આપણે જેને હવેલી સંગીત કહીએ છીએ એ ૫૦૦ વરસથી પ્રચારમાં છે અને એની સ્થાપના પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ કરેલી. કેટલાક વિદ્વાનો અને વલ્લભ સંપ્રદાય પણ કહે છે. મૂળ સંસ્કૃત શબ્દ વલ્લભ એટલે પ્રાણનાથ, પ્રિયતમ, પ્રેમી કે પતિ. બાળકૃષ્ણ એકમાત્ર પુરુષ. આપણે બધા તેમની ગોપી. આપણે બાળકૃષ્ણને ગોપીભાવે ભજવાના.
વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક વલ્લભાચાર્યજી ટોચના સંગીતજ્ઞા હતા. એકથી વધુ વાજિંત્રો વગાડી શકતા અને અદ્ભુત ગાઈ શકતા. એમણે ઠાકોરજીની સેવાના ભાગરૃપે વિવિધ સમયના રાગોમાં ભગવાનના ગુણાનુવાદ ગાવા-ગવડાવવાનું શરૃ કર્યું. એક વિદ્વાનના મતે ગિરિરાજ પર્વત પર શ્રીનાથજી પ્રગટ થયા ત્યારે તેમની નિત્યલીલામાં સદૈવ સાથે રહેતા આત્મીય સખાઓ કૃષ્ણ, તોષ, ભોજ, શ્રીદામા (સુદામા), સુબલ, અર્જુન, વિશાલ અને વૃષભ પણ કવિ સંગીતકાર રૃપે પ્રગટ થયા.
શ્રીવલ્લભાચાર્યના શ્રીનાથદ્વારા (શ્રીનાથજી)ના દેવાલયમાં કુંભનદાસ, સુરદાસ, પરમાનંદદાસ, કૃષ્ણદાસ સહિત જે આઠ કવિ-કીર્તનકારો થઈ ગયા એ મૂળ શ્રીપ્રભુના અંતરંગ સખા હતા. આ આઠ સખા-સંગીતકારો પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં અષ્ટછાપ કવિઓ તરીકે ઓળખાય છે. હવેલી સંગીત રૃપ જે કીર્તનો ગવાય છે એ મોટે ભાગે આ આઠ કીર્તનકારોનાં પદ હોય છે.
કાળક્રમે આ સંગીતનો પ્રચાર દેશના ખૂણે ખૂણે થયો પરંતુ એની સૌથી પ્રબળ અસર ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં થઈ. અષ્ટછાપ કવિઓમાં કૃષ્ણદાસજી ગુજરાતના હતા એટલે ગુજરાતમાં પણ કીર્તન પરંસપામાં એકએકથી ચઢિયાતા કલાકારો જોવા મળ્યા. જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, વડોદરા, પોરબંદર વગેરે રજવાડામાં ધુરંધર કીર્તનકારો થઈ ગયા. એ ધુરંધર પરંપરામાં છેલ્લું સૌથી ઊંચું શિખર એટલે વિઠ્ઠલદાસ બાપોદરા.
આ પરંપરા આવી દિવ્ય અને ભવ્ય હોય તો એ લુપ્ત કેમ થવા માંડી એવો પ્રશ્ન ચિત્રલેખાઓ ૪૦ વરસ કરતાંય વધુ સમય સુધી મુંબઈના કોટ વિસ્તારની ગોવર્ધનનાથજીની હવેલીમાં કીર્તન કરનારા જમનાદાસભાઈ સોઢાને પૂછયો.
હાલ ૯૮ વરસના જમનાદાસભાઈ કહે છે કે સૌથી પહેલી વાત તો એ કે પુષ્ટિસંગીતની પરંપરા લુપ્ત થઈ નથી. લુપ્ત થશે પણ નહીં. વાસ્તવમાં એનો પ્રચાર ઓછો થવાનાં ઘણાં કારણ છે. એ અત્યારે પશ્ચિમના વાયરાનું જોર થોડું વધુ છે એટલું જ. સાચી વાત એ છે કે પુષ્ટિસંગીતમાં નિપુણ થવા માટે તપસ્યા કરવી પડે.
આજના ઈન્ટરનેટના યુગમાં તપસ્યા કરવાનો સમય કોની પાસે છે? શાસ્ત્રીય સંગીતનું સૌથી શુદ્ધ સ્વરૃપ પુષ્ટિસંગીત છે. એ અત્યંત મુશ્કેલ ગણાય એવા રાગ-રાગિણી અને વિકટ તાલોમાં ગવાય છે. આ કંઈ ફિલ્મી ગાણું નથી કે પાંચ મિનિટમાં પૂરું થઈ જાય. બીજું કીર્તન એ વ્યવસાય નથી, સેવા છે. એ કંઈ પૈસા કમાવવાનો ધંધો નથી. એટલે કોને રસ હોય?
અગાઉ રાજ-રજવાડાં પોતાના ખર્ચે કીર્તકારોને તૈયાર કરતા. આજે એવો રાજ્યાશ્રય પુષ્ટિસંગીતને મળતો નથી. એક તરફ વધુ મહેનત માગી લેતું મુશ્કેલ સંગીત, જે ધ્રુપદ-ધમાર તરીકે પણ ઓળખાય છે, બીજી તરફ વ્યાવસાયિક કારકિર્દીનો પૂરેપૂરો અભાવ. એટલે આ પરંપરા થોડો સમય સુસ્ત થઈ ગઈ.
પરંતુ ગઈ સદીના આરંભે મુંબઈના મોટા મંદિરના ગોસ્વામી ગોકુલનાથજી અને તેમનાં સંતાનોએ અન્ય ગોસ્વામી બાલકો સાથે મળીને આ દૈવી પરંપરાને જીવંત રાખવા કમર કસી. એમાંથી શરૃ થયા કીર્તન વર્ગો અને કેસરિયા મંડળીઓ. મોટા મંદિરના જગપ્રસિદ્ધ વીણાવાદક ગોસ્વામી મુકુંદરાયજીએ તો બૈજુબાવરા અને ઝનક ઝનક પાયલ બાજે જેવી ફિલ્મોમાં વાણી વગાડેલી.
એમણે તેમ જ વિઠ્ઠલદાસ બપોદરાએ શિક્ષિત બહેનોને પણ કીર્તનોમાં સામેલ કરવા માંડી. આજે મુકુંદરાયજી રહ્યા નથી પરંતુ એમના હાથ નીચે તૈયાર થયેલાં કોકિલાબહેન શાહ ભુલેશ્વરના મોટા મંદિરમાં તેમ જ કાંદિવલીમાં પુષ્ટિસંગીતના વર્ગો ચલાવે છે. તો ભારતીબહેન સંઘવી અને આરતીબહેન કાપડિયા બાપોદરાજીના મુખ્ય શિખ્યો છે.
લગભગ ૭૬-૭૭ વરસના થવા આવેલા વિઠ્ઠલદાસ બાપોદરા મુંબઈમાં નેપિયન સી રોડ, મહાલક્ષ્મી, કાલબાદેવી, કાંદિવલી અને પાર્લામાં તથા અમદાવાદમાં ત્રણ સ્થળે કીર્તન વર્ગો ચલાવે છે. ઉપરાંત બોરીવલીમાં શ્યામસુંદરબાવાના માર્ગદર્શન હેઠળ કીર્તનની તાલીમ અપાય છે. ઘાટકોપર-મુલુંડ અને કલ્યાણમાં પણ પુષ્ટિસંગીતના વર્ગો ચાલે છે.
બીજી બાજુ કેસરિયા મંડળીઓ પોતાની રીતે પુષ્ટિસંગીતનો પ્રચાર કરે છે. વૈષ્ણવોને ઘેર જઈને રાસલીલા, જોગીલીલા, જન્માષ્ટમી વગેરે ઉત્સવો નાચી-ગાઈને રજૂ કરે છે.
એમાં જોગીલીલાની વાત રસપ્રદ છે. નાનકડા કનૈયાનાં દર્શન કરવા માટે ભગવાન શંકર ગળામાં નાગ, હાથમાં ડમરુ, ત્રિશૂળ લઈને વ્યાઘ્રચર્મ પહેરીને નંદરાયને ઘરે આવે છે. જશોદામૈયા શિવજીને કોઈ ભિક્ષુત સમજીને સીધુંસામાન લઈને બહાર આવે છે. શિવજી કહે છે કે મને કંઈ જોઈતું નથી, ફક્ત તારા લાલાને જોવો છે.
જશોદાજીને એમ થાય છે કે આ બિહામણા બાવાને જોઈને મારો લાલો બી જાય તો? એટલે એ લાલાને બહાર લાવવાને બદલે સીધુંસામાન ઉપરાંત મોંઘેરાં ચીર, હીરા-મોતી-માણેક આપવાની ઑફર કરે છે. એક તરફ સ્ત્રીહઠ અને બીજી તરફ સાધુહઠ. શિવજી તો રઢ પકડે છે કે મને ત્રિલોકની સંપત્તિ આપો તોય નથી જોઈતી. ફક્ત લાલાને બહાર લાવો.
આ રકઝક જોઈને ઘોડિયામાં પોઢેલો બાળકનૈયો મલક્યા કરે છે કે જો ભોળાનાથની કેવી સ્થિતિ થઈ છે! આ જોગીલીલા એક જમાનામાં જમનાદાસભાઈ સોઢાની મોનોપોલી હતી. બે કલાક સુધી એ જુદા જુદા વેશ પહેરીને નાચતાં નાચતાં ગાતા. મુંબઈ ઉપરાંત જમનાદાસભાઈએ ગુજરાત-સૌરાષ્ટ્રનાં ગામડે ગામડે જઈ જોગીલીલા કરેલી.
અચાનક કંઈક યાદ આવતાં સદીના આરે ઊભેલા આ વડીલ કહે કે તમને કહું? હું જેમના કીર્તન સાંભળીને પુષ્ટિસંગીત તરફ આકર્ષાયો એમનું નામ પણ જમનાદાસ હતું. એ જમનાદાસ જરીવાળા હતા. હાલ કાંદિવલીમાં એક જમનાદાસ કારિયા નામે વડીલ કીર્તનકાર છે.
આ બધા સંસારી કીર્તનકાર છે. જમનાદાસ સોઢાની તો રેડીમેડ કપડાંની બબ્બે દુકાન હતી. જમનાદાસ મંદિરમાં કીર્તનમાં એટલી હદે મસ્ત રહે કે વાણોતરો અને નોકરોએ દુકાન પચાવી પાડી. જમનાદાસે તો નરસિંહ મહેતાની જેમ ભલું થયું ભાંગી જંજાળ... માનીને ફુલટાઈમ કીર્તન શરૃ કરી દીધાં. આ વાત છે ૪૦-૪૫ વરસ પહેલાંની. સદ્ભાગ્યે એમનો એકનો એક દીકરો કમાતો થઈ ગયેલો એટલે ઘરસંસારમાં વાંધો ન આવ્યો.
વિઠ્ઠલદાસ બાપોદરા અને બીજા શિક્ષકો જે યુવક-યુવતીઓને પુષ્ટિસંગીતની તાલીમ આપે છે એ બધાં કંઈ વ્યાવસાયિક કલાકાર નહીં બની શકે. ઘણી બહેનો તો માત્ર ઘરમાં પધરાવેલા ઠાકોરજીની સેવા કરવા માટે પુષ્ટિસંગીત શીખે છે.
એનું કારણ સમજાવતાં ભારતીબહેન સંઘવી કહે છે : 'મને ઘણા વખતથી જિજ્ઞાાસા હતી કે આ કીર્તનકારો ખરેખર શું ગાતા હોય છે? મંદિરમાં ગવાતા સંગીતમાં ક્યારેક ઝાંઝ-પખવાજની જુગલબંદી જેવું વાતાવરણ હોય તો ક્યારેક ગાનારામાં ઉચ્ચારો સ્પષ્ટ ન હોય. એટલે એ કયા કવિનું પદ ગાય છે તેનીય કબર ન પડે. એટલે મેં વર્ગો જોઈન કર્યા.
આજે હું ઘરમંદિરમાં મને આનંદ થાય એવું ગાઈ શકું છું - તે પણ ગીતનો ભાવ અને અર્થ પૂરેપૂરો સમજીને!' આ વિદ્યાર્થિનીની પુષ્ટિસંગીત પ્રત્યેની લગન જોઈને વિઠ્ઠલદાસ બાપોદરાએ કીર્તન વિદ્યાપીઠની અભ્યાસક્રમ પરામર્શક સમિતિમાં ભારતીબહેનને સામેલ કર્યાં છે.
કીર્તનિયા બનાવવા માટે કોઈ ખાસ કોર્સ કે ડિગ્રી નથી હોતી. હવેલી દ્વારા સંચાલિત શિબિરમાં હવેલી સંગીત પણ શિખવાડાય છે. અત્યાર સુધી ભારતમાં આવી સવા બસ્સો શિબિર થઈ ગઈ છે. અમેરિકા, લંડન અને કેન્યામાં પણ હવેલી સંગીતની શિબિરો યોજાય છે. હાલમાં એકલા ગુજરાતમાં જ દસ હજારથી વધારે લોકો હવેલી સંગીત શીખી રહ્યા છે. અત્યારે હવેલી સંગીતમાં સાંભળનારા કરતાં ગાનારાઓની ભીડ વધારે છે.
ગુજરાત સરકાર છેલ્લાં બાર વર્ષથી દર વર્ષે એક વાર હવેલી સંગીતનું સંમેલન પણ યોજે છે. અમદાવાદમાં વસી ગયેલા વિઠ્ઠલદાસજી બાપોદરાના જણાવ્યા પ્રમાણે આવાં પ્રોત્સાહનોને કારણે આ સંગીત હવે મહત્ત્વાકાંક્ષા બનવા માંડયું છે. તેમનું કહેવું છે, 'લોકોને ગમે તેવું સંગીત આપીને લોકપ્રિય થવાની ઘેલછાને કારણે હવેલી સંગીતમાંથી પ્રાચીન અને પરંપરાગત મૂલ્યો ઘટયાં છે.
જો કે હવેલી સંગીતનો જન્મ વ્રજમાં થયો છે. છેલ્લાં ચાળીસ વર્ષોમાં હેવલી સંગીતનો જે વ્યાપ વધ્યો તેમાં ગુજરાતનો ફાળો બહુ મહત્ત્વનો છે.' મોરારિબાપુએ કથાની સાથોસાથ સાજિંદાઓ બેસાડવાની શરૃઆત કર્યા પછી હવે વૈષ્ણવો પણ કથાની સાથે સંગીત રાખતા થયા છે. સ્વાભાવિક છે કે હવે કીર્તનકારોને રોજી-રોટી માટે માત્ર હવેલી પર મદાર રાખવાની જરૃર નથી. જો કે વૈષ્ણવ ધર્મના કેટલા નિયમોનું પાલન કરીને હવેલીમાં રહેવું દરેક કીર્તનકાર માટે સહેલું નથી.
વિઠ્ઠલદાસ બાપોદાર મૂળ પોરબંદરના. એ પોતાના કીર્તનકાર પિતા વલ્લભદાસ બાપોદરા અને ગોસ્વામી શ્રીદ્વારકેશલાલજી પાસે સંગીત શીખ્યા. એમણે સંગીતમા એમએબીએડ કર્યું છે. શરૃમાં જૂનાગઢ અને ભાવનગરની મહિલા કોલેજોમાં પ્રોફેસર રહ્યા. સાથોસાથ આકાશવાણી પર હવેલી સંગીત રજૂ કરતા રહ્યા. જો કે આકાશવાણી પર નૅશનલ પ્રોગ્રામમાં હવેલી સંગીત પ્રસારિત કરવામાં સંગીતાચાર્ય ભગવતીપ્રસાદ ભટ્ટ નિમિત્ત બનેલા.
જામનગરના ભગવતીપ્રસાદ ૧૯૫૪-૫૫માં દિલ્હીમાં એક સમારોહમાં ગયેલા. ત્યાં એમનું ગાયન સાંભળીને વડા પ્રધાન જવાહરલાલ નહેરુના માહિતી-પ્રસારણ પ્રધાન ડૉક્ટર કેસકર ખૂબ પ્રભાવિત થયા. એમની સાથે આકાશવાણીના ત્યારના ડાયરેક્ટર જનરલ બુખારીસાહેબ હતા. એ પણ સંગીતના ઊંડા અભ્યાસી. એ ત્યાંથી જ ભગવતીભાઈને સીધા આકાશવાણીના સ્ટુડિયોમાં લઈ ગયા. પાછળથી ભગવતીભાઈએ પુષ્ટિસંગીત પ્રકાશ નામે હવેલી સંગીતનો પ્રતિષ્ઠિત ગ્રંથ પણ લખ્યો.
ભગવતીભાઈની જેમ વિઠ્ઠલભાઈ પણ આકાશવાણીના અ ગ્રેડના કલાકાર છે. નૅશનલ ઍકેડેમી ઑફ આર્ટ્સ તરફથી પણ એમનું બહુમાન થઈ ચૂક્યું છે. થોડાં વરસ પહેલાં મુંબઈની આઈએનટી સંસ્થાએ મુંબઈમાં હવેલી સંગીત મહોત્સવ યોજેલો ત્યારે વિઠ્ઠલભાઈ બાપોદરા સ્ટાર કલાકાર હતા.
છેલ્લાં થોડાં વરસથી એ અમેરિકામાં હવેલી સંગીતના પ્રોગ્રામો આપવા તથા હવેલી સંગીતના વર્ગો લેવા જાય છે. પુષ્ટિસંગીતને યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં માન્યતા મળવી જોઈએ એવો વિઠ્ઠલદાસ બાપોદરાનો વરસોનો આગ્રહ રહ્યો છે. કીર્તન વિદ્યાપીઠનું તેમનું સપન સાકાર થાય એ વૈષ્ણવો માટે ગૌરવની ઘટના બની રહેશે.
ચિત્રલેખા - અજિત પોપટ
ફોટોલાઈનો...
ઘરમંદિરમાં ઠાકોરજીને રીઝવવા હવે મહિલાઓ પણ પુષ્ટિસંગીતની તાલીમ લેતી થઈ છે.
કીર્તનના ભેખધારી વિઠ્ઠલદાસ બાપોદરાનું કીર્તન વિદ્યાપીઠનું સપનું સાકાર થવાની તૈયારીમાં છે.
અષ્ટછાપ કવિઓનાં રાજસ્થાની પિછવાઈ શૈલીમાં પોસ્ટરો.
૯૮ વર્ષની વયે જમનાદાસભાઈ સોઢા (વર્તુળમાં) જોગીલીલાની વાતો કરતાં ભાવવિભોર બની જાય છે.
અખિલ ભારતીય કીર્તન સંમેલનમાં સેંકડો સંગીતકારો સમક્ષ બોરીવલીના શ્યામાબાવાએ પુષ્ટિસંગીતનો રસાસ્વાદ કરાવ્યો હતો.
This comment has been removed by the author.
ReplyDelete