25 મે 2018
સિનેમેજિક - અજિત પોપટ
આજે મહિનાનો છેલ્લો શુક્રવાર એટલે તમે જાણો છો એમ ટીનેજર્સને રસ પડે એવી વાતો કરવાનો દિવસ. ૧૦૦ કરોડની ક્લબના સ્થાપક તરીકે નામના મેળવી ચૂકેલા ટોચના ફિલ્મ સર્જક રોહિત શેટ્ટી એક્શન ભરપુર ફિલ્મોની સાથોસાથ જબ્બર કોમેડી ફિલ્મો આપવા માટે પણ પંકાયેલા છે. અજય દેવગણ સાથે તેમણે આપેલી ગોલમાલ સિરિઝ ટિકિટબારી પર સુપરહિટ નીવડી છે.
પ્રીતમે પણ ગોલમાલ સિરિઝની એક ફિલ્મમાં સંગીત પીરસ્યું હતું. એ વખણાયું પણ હતું. એની વિગતે વાત કરવા અગાઉ ઔર એક ફિલ્મની વાત કરવી જરૃરી છે. અમેરિકા અને યૂરોપના કેટલાક દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ પર સતત રંગદ્વેષી હુમલા થતા રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં થતા આવા હુમલાના વિષય પર એક ફિલ્મ ક્રૂક મૂકેશ ભટ્ટે બનાવેલી જેનું નિર્દેશન મોહિત સૂરીએ કરેલું.
ઇમરાન હાશમી તેમજ નેહા શર્મા એના કલાકારો હતાં. આ ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાજુ સિંઘનું અને ગીતોનું સંગીત પ્રીતમનું હતું. જો કે એક ગીત ઓસ્ટ્રેલિયન છેલ્લા કે છળ્લા પર આધારિત હતું જે પંજાબી ગાયક-સંગીતકાર બબ્બલ રાય (સાચું નામ સિમરનજિત સિંઘ રાય)નું હતું.
ફિલ્મ ક્રૂક માટે પણ એણે સુઝૈન ડિમેલો સાથે ગાયું હતું. અગાઉ પણ આવા પ્રયોગો ફિલ્મોમાં થયા હતા. માત્ર એક દાખલો જોઇએ તો ફિરોઝ ખાનની ફિલ્મ કૂરબાની (૧૯૮૦)માં આમ સંગીત કલ્યાણજી આનંદજીનું હતું પરંતુ એક ગીત આપ જૈસા કોઇ મેરી જિંદગી મેં આયે પાકિસ્તાની ગાયિકા નાઝિયા હસને ગાયું હતું અને એનું સંગીત બીડ્ડુનું હતું.
ખેર, ક્રૂકની વાત કરીએે તો એમાં કુમારે લખેલાં અને પ્રીતમે સ્વરબદ્ધ કરેલાં કુલ સાત ગીતો હતાં જેમાં ત્રણેક ગીતો રિપિટ થતાં હતાં. પ્રીતમને ન્યાય કરવા કહેવંુ પડે કે ભલે વિદેશી તર્જોના દેશી સંસ્કરણ જેવા પ્રયોગો એણે કર્યાં હોય, ફિલ્મ રજૂ થઇ એ સમયગાળામાં આ ફિલ્મના એક કરતાં વધુ ગીતોએ ધૂમ મચાવી હતી, ટીનેજર્સની બોલીમાં કહીએ તો ચાર્ટબસ્ટર્સ સાબિત થયાં હતાં. છલ્લા રિપિટ થયુ ંહતું તેમ મેરે બિના રહને લગા હું ગીત પણ રિપિટ થયું હતું. આ ગીત પહેલીવાર નિખિલ ડિસોઝાએ અને બીજી વાર મોહિત ચૌહાણે ગાયું હતું.
બંને વર્ઝન સાડા ચાર મિનિટથી પણ લાંબાં હતાં અને છતાં સંગીત રસિકોને ગમ્યું હતું એ પ્રીતમની સિદ્ધિ ગણાય. શબ્દો પણ મહત્ત્વના તા હતા. પ્રેમમાં પડેલી વ્યક્તિના મનોભાવે સરસ રીતે આ ગીતમાં રજૂ થયા હતા. 'મેરે બિના રહને લગા હું, તેરી હવાઓમાં બહને લગા હું, જાને મૈં કૈસે તેરા હુઆ હું...'
એવુંજ ઔર એક ગીત એટલે 'તુઝ હી મેં ઢુંઢું કુછ દેર જીને કા આસરા, તુઝ હી મેં પૂછું ખુદ સે હી મિલને કા રાસ્તા...' બંને ગીતોના શબ્દો જુઓ તો સાવ સરળ છે પરંતુ ભાવનું ઊંડાણ કેવું છે ! ક્યારેક આવા શબ્દો મળે ત્યારે ફિલ્મ સંગીતનો સુવર્ણયુગ યાદ આવી જાય.
ભાવસભર અને સંવેદનશીલ શબ્દો ! આ શબ્દોને સરસ રીતે વ્યક્ત કરે એવી તર્જ બંધાઇ જાય તો સોનામાં સુગંધ ભળે. આ સમયગાળો એવો હતો જ્યારે પ્રીતમ કદાચ એના સર્જનની પરાકાષ્ઠામાં વિહરતો હતોે. લલિત કલાના દરેક સર્જકના જીવનમાં એવો સમયગાળો આવે છે જ્યારે રેતીમાં હાથ નાખે અને સોનું હાથમાં આવી જાય. રોહિત શેટ્ટીની ગોલમાલની ત્રીજી કડી મળી એ પહેલાં પ્રીતમે કરેલી આ ક્રૂક એને ફળી હતી.
અહીં એક આડવાત. અંગ્રેજીમાં કહે છે કે નથીંગ સક્સીડ લાઇક સક્સેસ અને ગુજરાતીમાં કહે છે કે ફાવ્યું વખણાય... વિદેશી તર્જોની બેઠ્ઠી નકલ કરી કે એમાંથી પ્રેરણા લીધી કે એના આધારે નવસર્જન કે અનુસર્જન કર્યં, એ બધી મલ્લીનાથીનેે બાજુ પર રાખીએ તો એટલું તો નક્કી કહી શકાય કે પ્રીતમની સર્જનકલા દિવસે દિવસે નવાં નવાં સ્વરૃપો ધારણ કરીને ખીલતી જતી હતી અને એનંુ સંગીત હિટ નીવડી રહ્યું હતું. નવા ગાયકો, નવો લય, નવા પ્રયોગો જે ગણો તે આ સંગીતકારના પુરુષાર્થને પારબ્ધનો સાથ મળતો રહ્યો.
Comments
Post a Comment