પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી...અને હા... આજકાલ કયા અખબારની ડાળ પર બેઠો છે પોપટ..?.

પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી...અને હા... આજકાલ કયા અખબારની ડાળ પર બેઠો છે પોપટ..?. જ્યારે જ્યાં મળી જઇએ ત્યારે વિનોદભાઇ આ શબ્દોથી વાતનો આરંભ કરતા.
ચિત્રલેખા સાપ્તાહિક અને મુંબઇ મૂકીને હું અમદાવાદ આવ્યો ત્યારે સૌથી પહેલો ફોન હું જે અખબારમાં કામ કરતો હતો ત્યાં વિનોદભાઇનો આવેલો.

'અમદાવાદ આવી ગયો ? સારું ત્યારે કોઇ પ્રોબ્લેમ હોય તો વગર સંકોચે મને ફોન કરજે', એમ વિનોદભાઇએ કહ્યું ત્યારે એમની સાચી લાગણીનો ખ્યાલ આવેલો.
2004ની આ વાત. ત્યારપછી જ્યાં જ્યારે મળ્યા ત્યારે એમના સ્વરમાં એક સાચો ઉમળકો સંભળાતો. પોતે મોટા ગજાના હાસ્યલેખક છે એવો અહંકાર તલભાર પણ ન મળે.

દિવ્ય ભાસ્કરમાં સંગીતકાર નૌશાદ વિશે લખ્યું ત્યારે મારા પુસ્તક 'આજ ગાવત મન મેરો'નો મારા નામ અને પ્રકાશકના નામ સાથે ઉલ્લેખ કરેલો.
મેં ફોન કર્યો ત્યારે જાણે કશું બન્યું નથી એવી નિસ્પૃહતાથી કહે, મને નહાં, અજય (ત્યારના તંત્રી અજય ઉમટ) ને ફોન કરીને થેંક્સ કહે. તું અન્ય અખબારમાં છે છતાં તારું અને તારા પ્રકાશકનું નામ પ્રગટ કરવાની ખેલદિલી અજયે દાખવી છે. એવા વિનોદભાઇ સદેહે હાજર નથી એ વાતનો અફસોસ અને આંચકો બંને છે.

ઘર બદલતી વેળા જે કેટલાક ફોટોગ્રાફ્સ ગુમાવ્યા એમાં વિનોદભાઇ સાથેનું સંભારણું પણ ગયું અેનોય અફસોસ ઓછો નથી.અલવિદા વિનોદભાઇ...

Comments