જીવન રક્ષક ઔષધિ ક્ષેત્રે ચીન નંબર વન ?

ટોપ્સીટર્વી -  અજિત પોપટ

અખબારોમાં પ્રગટ થતા વાર્ષિક રાશિ ભવિષ્યના વર્તારા તમે વાંચતાં હો તો તમારા ધ્યાનમાં એક ભવિષ્યવાણી જરૃર આવી હશે: એ ભવિષ્યવાણીનો સાર એટલો જ કે અત્યંત નજીકના દિવસોમાં જીવન રક્ષક ઐાષધિના ક્ષેત્રે અમેરિકા અને અન્ય દેશોને હંફાવીને ચીન નંબર વન બની જશે.

અમેરીકી ફાર્માસ્યૂટિકલ કંપનીઓનાં બ્લડ પ્રેસર આ ભવિષ્યવાણીથી રાતોરાત વધી ગયાં હતાં. આમ થવાનંુ કારણ સમજી શકાય એવું છે. એકલા અમેરિકામાં ૨૦૧૬માં ૪૪૬ અબજ ડૉલરની દવાઓ વેચાઇ હતી. પછીના વર્ષના આંકડા મળ્યા નથી. એક ડૉલરના પચાસ સાઠ રૃપિયાના હિસાબે ગણી લો કે ૪૪૬ અબજ ડૉલર એટલે કેટલા રૃપિયાની દવાઓ વેચાઇ ?

અને કેટલા લોકો જુદા જુદા રોગોના ભોગ બન્યા હશે. એકલા અમેરિકાની આ સ્થિતિ હોય તો આખીય દુનિયામાં આ દવા કંપનીઓ કેટલું કમાતી હશે ? વિશ્વમાં મોટા ભાગની દવા કંપનીઓ અમેરિકાની છે એટલે જીવન રક્ષક દવાઓના ક્ષેત્રે ચીન નંબર વન બની જાય તો અમેરિકી કંપનીઓએ તો નાદારી નોંધાવવી પડે.

ગરીબ અને વિકાસશીલ દેશોને અંદર અંદર લડાવીને અમેરિકી શસ્ત્ર કંપનીઓ પછી બીજા ક્રમે દવા કંપનીઓની કમાણી આવે છે. એમંાય કેટલીક કંપનીઓ તો અમેરિકાના ડ્રગ ડિપાર્ટમેન્ટે બૅન જાહેર કરેલી દવાઓ ભારત જેવા વિકાસશીલ દેશોમાં મોકલી દે છે. 

દુર્ભાગ્યે ભારત જેવા એશિયાઇ દેશોના વહીવટી તંત્રમાં એટલો બધો ભ્રષ્ટાચાર છે કે યૂરોપ અમેરિકાના દેશોએ પ્રતિબંધિત જાહેર કરેલી દવાઓ અહીં સહેલાઇથી વેચાય છે. એ ખાનારા લોકો બકરું કાઢતાં ઊંટ જેવી બીમારીનો ભોગ બની જાય છે.

આ સંજોગોમાં ચીન ખરેખર હરણફાળ ભરી રહ્યું છે. તાજેતરમાં ચીનની રાષ્ટ્રીય સમાચાર સંસ્થાએ પ્રગટ કરેલા અહેવાલ મુજબ ચીની ઔષધીય સંશોધને જબરદસ્ત કામિયાબી હાંસલ કરી છે. શરીરમાં ક્યાંક કેન્સર થાય તો એ અન્ય અંગોમાં ફેલાતું અટકાવી દે એવી દવા ચીને બનાવી લીધી છે. બ્લડ કેન્સરને નાથી શકે એવી દવા પણ ચીને બનાવી લીધી છે.

આ બંને કરતાં વધુ મહત્ત્વની એક દવા ચીને એવી બનાવી છે જે કુદરતે આપેલી રોગપ્રતિકાર શક્તિને અનેકગણી વધારી દઇને શરીરમાં સર્જાતી તમામ ગાંઠ (ટયુમર્સ)ને નષ્ટ કરી નાખે છે. આ ક્ષેત્રે ચીન છેલ્લાં પાંચ સાત વર્ષથી સંશોધન કરાવી રહ્યું હતું. છેક ૨૦૧૫માં એક ઓસ્ટ્રેલિયન પ્રકાશને આ સમાચાર પ્રગટ કર્યા હતા કે ચીન કેન્સરની અમેરિકી કંપનીની દવાની ડુપ્લીકેટ તૈયાર કરી રહી છે. એ સમયે અમેરિકી ડ્રગ મેગ્નેટ્સે આ વાતને હસી નાખી હતી. પરંતુ એ એાસ્ટ્રેલિયન મેગેઝિનની વાત સાચી સાબિત થઇ રહી છે.

જો કે અહીં એક વાત નોંધવી રહી કે ચીન આ ક્ષેત્રે જે સંશોધન કરાવી રહ્યું છે એનો હેતુ માત્ર વૈશ્વિક બજારો સર કરવાનો નથી. ખુદ ચીની સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ ચીનમાં ડાયાબિટિસ અને કેન્સરના રોગો ભયજનક કહેવાય એટલી હદે વધી ગયા છે.

પ્રજાનો મોટો વર્ગ આધુનિક દવાઓ ખરીદીને જે તે રોગને નષ્ટ કરી શકે એવી આર્થિક સ્થિતિ નથી એટલે ટપોટપ મરણ પામે છે. (મિલિયન્સ ઑફ પિપલ ઇન ચાઇના હેવ કેન્સર ઓર ડાયાબિટિસ એવું આ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.) આમ ઘરઆંગણે પણ ચીન આરોગ્ય સેવાને સુદ્રઢ કરવા માગે છે. બીજી રીતે એમ કહી શકાય કે ચીન સ્વાર્થ સાથે પરમાર્થ કે સ્વાર્થ સાથે વેપાર વધારવા ઉત્સુક છે.  અગાઉ વરસો સુધી ચીનમાં દવા કંપનીઓ પર જાતજાતના પ્રતિબંધો હતા.

હવે ચીને એ  પ્રતિબંધો હટાવી લીધા છે. ઊલટું નવા સંશોધન માટે ઓછા વ્યાજદરની લોન આપવા ઉપરાંત વિદેશોમાં ઘસડાઇ જતી યુવા વિજ્ઞાાની પ્રતિભાને પ્રોત્સાહન આપવા મંાડયું છે. ઘરઆંગણે ઔષધીય સંશોધનની સગવડો વધારવા માંડી છે જેથી નીત નવાં જીવન રક્ષક ઔષધો શોધાતાં થાય. જમીન, ટેક્સ રિબેટ વગેરે પગલાં ચીને દવા ઉદ્યોગ માટે લીધાં છે.

હોંગકોંગની જગપ્રસિદ્ધ હચીસન સાથે સહયોગ સાધીને હચીસન ચાઇના મેડિટેક નામનો પ્રોજેક્ટ ચોવીસે કલાક સતત ધમધમતો થયો છે. માત્ર ચીનના યુવાન  વિજ્ઞાાનીઓ જ નહીં, વિશ્વની ટોચની દવા કંપનીઓના ઊંચા પગારદાર વિજ્ઞાાનીઓને લલચાવીને ચીન પોતાને ત્યાં લાવવા સતત પ્રયત્નો કરે છે. હાલ હચીસનના વિજ્ઞાાનીઓ ફેફસાં, કિડની, કોલોન અને ગેસ્ટ્રીક કેન્સરની દવાઓ શોધી રહ્યા છે એટલે અમેરિકી દવા કંપનીઓ ટેન્શનમાં આવી ગઇ છે.

ખુદ અમેરિકી નિરીક્ષકો કહી રહ્યા છે કે આ ઝડપે ચીન નવી દવાઓ શોધવાના ક્ષેત્રે કાર્યરત રહે તો બહુ ઝડપથી ચીનની દવા કંપનીઓ પીફાઇઝર અને એસ્ટ્રાઝેનેકા જેવી માતબર કંપનીઓને હંફાવશે. ખરેખર તો હચીસનના હોંગકોંગ ખાતેના વિજ્ઞાાનીઓ છેક ૨૦૦૦ની સાલથી વૃક્ષ-વનસ્પતિઓના અર્કમાંથી કેન્સરની દવા શોધવા પુરુષાર્થ કરી રહ્યા હતા.

શાંઘાઇમાં ચી-મેડ નામે આ કંપનીની શાખામાં સાડા ત્રણસો વિજ્ઞાાનીઓ દિવસ રાત લાગી પડયા હતા. લગભગ ૨૦૦૫માં આ લોકોએ કેન્સરની દવા શોધી લીધી હતી અને પ્રયોગશાળામાં રાખેલા ઉંદરો પર એના પ્રયોગો પણ ચાલુ કરી દીધા હતા. ચીનના લશ્કરી શાસન જેવા વહીવટી તંત્રના કારણે આ વાત અત્યંત ખાનગી રાખવામાં આવી હતી. એ પછી આ દવા 'સેવોલિટિનીબ'ની અજમાયેશ માણસો પર શરૃ કરી હતી.

૨૦૧૭ના ઓક્ટોબરમાં સત્તાવાર રીતે એવી જાહેરાત થઇ હતી કે ૬૦ ટકાથી વધુ દર્દીઓ પર આ દવા કારગત નીવડી હતી અને વિદેશી કેન્સર ડ્રગ્સ વિના આ દર્દીઓ સારા થયા હતા. એમને નવી દવાની કોઇ આડઅસર પણ થઇ નહોતી. સામાન્ય રીતે કીમોથેરપીની જબરદસ્ત આડઅસર થાય છે. માતાના વાળ ઊતરી જાય, સ્વાદવૃત્તિ મરી જાય, સેક્સમાં રસ ન રહે વગેરે આડઅસરો થતી હોય છે.

ચીનના વિજ્ઞાાનીઓએ શોધેલી દવાની કોઇ આડઅસર નહોતી એવો દાવો કરાયો હતો. જો કે ચીનમાં મિડિયા પર ભારે પ્રતિબંધો હોવાથી આ દાવાની સચ્ચાઇ કેટલી છે એ જાણી શકાયું નહોતું. હજુ આ ચીની દવાને અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાયદેસરની માન્યતા આપી નથી. પરંતુ વહેલી મોડી માન્યતા આપ્યે છૂટકો છે. અમેરિકામાં પણ કેન્સરના પેશન્ટો પારાવાર છે એ હકીકત ધ્યાનમાં રાખો તો ચીનની દવા પણ અમેરિકાના પેશન્ટો ખાતાં થઇ જશે એ હકીકત છે.

Comments