ટોપ્સીટર્વી - અજિત પોપટ
02 may 2018
જેના હોઠ પર હજુ માતાનું ધાવણ ઝબૂકતું હોય એવાં નિર્દોષ ભૂલકાંથી માંડીને હજ્જારો ટીનેજર્સ સૂસાઇડ બોમ્બર તરીકે જિહાદના નામે દુનિયાભરમાં જાંફેસાની કરી રહ્યા છે. આ વાત હવે નવી નથી. એક આખી પેઢીને ગૂમરાહ કરીને જિહાદના નામે ખતમ કરી દેવાના પ્રયાસો જિહાદીઓ કરી રહ્યા છેે ત્યારે,
આધુનિક જીવ-વિજ્ઞાાને જીવજંતુ સૃષ્ટિમાં પણ સૂસાઇડ બોમ્બર કહી શકાય એવા સ્પેશિઝ શોધી કાઢ્યાનો દાવેા ગયા સપ્તાહે કર્યો. ખરેખર વિસ્મયજનક વાત છે. લગભગ રોજ આવી અચરજભરી એકાદી શોધ આપણી સમક્ષ મૂકાતી રહી છે. શત્રુનો સામનો કરવા માટે કાચિંડો રંગ બદલે, શાહુડી કે કાચબો શરીર સંકોચી લે એ વાત જાણીતી છે.
પરંતુ વિજ્ઞાાનીઓની એક ટીમે એવી કીડી (એન્ટ)ની જાત શોધી કાઢી છે જે શત્રુનેા પ્રતિકાર કરવા પોતાની જાતનો વિસ્ફોટ કરીને શત્રુ પર ઝેરી એસિડ છોડે છે. પોતે શહીદ થઇ જાય છે પરંતુ પોતાની કોલોનીની રક્ષા કરતી જાય છે. ખરેખર રસપ્રદ વાત છે. વિયેના સ્થિત નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ સાથે સંકળાયેલી એક મહિલા વિજ્ઞાાની-સંશોધક એલિસ લેસિનીએ આ સંશોધનને લગતા પેપર્સ રજૂ કર્યા.
આ સંશોધક ટીમમાં ઓસ્ટ્રિયા, થાઇલેન્ડ અને બોર્નિયોના વિજ્ઞાાનીઓ, વનસ્પતિશાસ્ત્રીઓ, જીવવિજ્ઞાાનીઓ અને માઇક્રોબાયોલોજિસ્ટ્સ સંકળાયેલા હતા. રસપ્રદ વાત એ છે કે કીડીની આ જાત આપણી પડોશમાં ઇશાન (સાઉથ-ઇસ્ટ ) એશિયાનાં, ખાસ કરીને બોર્નિયોનાં જંગલમાં જોવા મળી હતી. આમ તો આવી કીડી આપણી વચ્ચે હોવાનંુ વિજ્ઞાાનીઓ જાણતા હતા. છેક ૧૯૧૬માં એટલે કે એકસો બે વરસ પહેલાં આવી કીડી હોવાનું જીવશાસ્ત્રીઓ અને વિજ્ઞાાનીઓના ધ્યાનમાં આવ્યંુ હતું. આવી કીડીની ઔર એક જાત ૧૯૩૫-૩૬માં વિજ્ઞાાનીઓના ધ્યાનમાં આવી હતી. એ પછી પણ આ દિશામાં સંશોધન ચાલુ હતું. એક આડવાત.
આપણે જેને કીડી મંકોડા કહીને ઘણીવાર ઊતારી પાડીએ છીએ એ આપણા કરતાં એટલે કે માણસો કરતાં વધુ સક્ષમ હોય છે. એક દાખલો આપું. માણસ પોતાના વજન કરતાં પાંચ પચીસ ગણું વજન ઊંચકી શકે નહીં. વેઇટ લિફ્ટર્સની વાત જુદી છે. પરંતુ એક કીડી પોતાના વજન કરતાં ૪૫ ગણો સામાન સહેલાઇથી ઊંચકી શકે છે એવું જીવવિજ્ઞાાનીઓ કહે છે. છે ને નવાઇભરી વાત !
બોર્નિયોનાં જંગલોમાં મળી આવેલી રાતી કીડીને હાલ વિજ્ઞાાનીઓએ કોલોબોપ્સીસ એક્સપ્લોડેન્સ નામ આપ્યું છે. આપણે રાતી કીડી કહેશું. ક્યારેક તમને પણ રાતી કીડીનો ડંખ-ચટકો લાગ્યો હશે. વિજ્ઞાાનીઓએ જોયું કે શત્રુ ત્રાટકે ત્યારે માલની હેરફેર કરનારી મજૂર કીડીઓથી માંડીને રાણી-કીડી સહિત સૌ કોઇ તત્કાળ શત્રુનો સામનો કરવા કટિબદ્ધ થઇ જાય છે. રાફડાના દરવાજે ઊભેલી હરોળની કીડીઓ પૂરેપૂરી તાકાત કામે લગાડીને પોતાનાં પેટ ફોડે છે જેમાંથી જલદ ઝેરી એસિડ વછૂટે છે, શત્રુને ખતમ કરે છે. જો કે પોતાનું પેટ ફોડનારી કીડીઓ પણ શહીદ થઇ જાય છે.
પોતાના રાફડાને સુરક્ષિત રાખવા એ પોતાનો જાન આપી દે છે. વિજ્ઞાાનીઓ કહે છે કે કીડીના પેટમાં આવેલી કેટલીક ગ્રંથિઓમાં પીળા રંગનો ઝેરી પ્રવાહીનો જથ્થો હોય છે જે શત્રુને ખતમ કરવામાં કામિયાબ નીવડે છે. આટલું વાંચીને તમને પણ યાદ આવી ગયું હશે. મધમાખી ડંખ માર્યા પછી પોતે પણ મરણ પામે છે. લગભગ એવીજ મનોવૃત્તિ આ રાતી કીડીમાં જોવા મળી. જાતના બલિદાન દ્વારા પોતાના રાફડાનું રક્ષણ કરવું એ એની તીવ્ર ઇચ્છા હોય છે.
જગવિખ્યાત સામયિક 'નેશનલ જ્યોગ્રાફિક'ના એક રિપોર્ટ મુજબ આ કીડીનું સૌથી રસપ્રદ પાસું જ એની આ વિસ્ફોટક શક્તિ છે. એમનું પેટ જાણે ઝીણકુડી તોપ ન હોય... અને એ ફાટતાં જે પીળા રંગનું ઝેરી પ્રવાહી વછૂટે છે એની દુર્ગંધ પણ આકરી હોય છે. સંશોધન કરનારા વિજ્ઞાાનીઓ પણ એ દુર્ગંધને સહી શક્યા નહોતા.
'ન્યૂ એટલસ' નામના વિજ્ઞાાનલક્ષી સામયિકના એેક રિપોર્ટ મુજબ વિસ્ફોટક કીડી શહાદત વહોરવા તૈયાર થાય ત્યારે પાછલી હરોળમાં રહેલી ડોરકીપર્સ તરીકે ઓળખાતી કીડીઓ રાફડાના દ્વારની આસપાસ એક પ્રકારની વાડ ઊભી કરી નાખે છે જેથી ન કરે નારાયણ અને શત્રુ ઝેરી પ્રવાહીથી કદાચ ઊગરી જાય તો કોલોનીમાં પ્રવેશી ન જાય.
બુ્રનેઇના કુઆલા બેલાલોંગ ફિલ્ડ સ્ટડીઝ સેન્ટરની આસપાસનાં વૃક્ષો પર પણ આવી સૂસાઇડ બોમ્બર્સ કીડીઓના રાફડા હોવાનું 'નેશનલ જ્યોગ્રાફિક' મેગેઝિને નોંધ્યું હતું. સર્જનહારની આ સૃષ્ટિમાં એકથી એક ચઢિયાતી જીવ સૃષ્ટિ છે જેનાં કરતબો માણસને દંગ કરી દે એવાં હોય છે. આધુનિક જીવ વિજ્ઞાાન આવી અજાયબ જીવ સૃષ્ટિનેા નિયમિત અભ્યાસ કરીને સંશોધન પેપર્સ પ્રગટ કરતું રહે છે.
મૂર્ધન્ય કવિ ઉમાશંકરે દાયકાઓ પહેલાં એક કાવ્યમાં કહેલું, 'વિશાળે જગ વિસ્તારે નથી એકજ માનવી...' ચારસો પાંચસો વરસ પહેલાં વિલિયમ શેક્સપિયરે પોતાના નાટય-નાયક હેમ્લેટના મુખમાં એક સંવાદ મુકેલો, આપણાં પાઠય પુસ્તકોની બહાર પણ એક બહુ વિશાળ વિશ્વ છે, હોરેશિયો ! સૂસાઇડ બોમ્બર રાતી કીડી એ વિરાટ વિશ્વનો એક નાનકડો જીવંત દાખલો ગણી શકાય...
Comments
Post a Comment