સિનેમેજિક - અજિત પોપટ
શરૃ શરૃમાં મદન મોહન પોતે સ્વરબદ્ધ કરેલી ગઝલ અચૂક બેગમ અખ્તરને સંભળાવતા
ફિલ્મોદ્યોગના એક અને અજોડ સંગીતકાર મદન મોહને સ્વરબદ્ધ કરેલી ગઝલોની વાત આપણે શરૃ કરી હતી. છેલ્લા બે'ક એપિસોડથી એ વાતો કરીએ છીએ. પુનરાવર્તનના ભયે પણ કહ્યા વિના રહેવાતું નથી કે મદનના સ્વરનિયોજનમાં અનાયાસે કે અકસ્માતે અંગત આઘાત-આક્રોશ આવી જતા હતા.
કદાચ વિધાતા સંજોગો એવા ઘડતી હતી કે મદનની સર્જનકલા એને માટે એક પ્રકારનો કેથાર્સિસ બની રહેતી હતી. પંચકર્મ વિશે જાણતા હો તો એમાં વમન અને રેચનની વાત આવે છે. શરીરમાં રહેલા અનિચ્છનીય કે હાનિકારક તત્ત્વોને બહાર કાઢવાની સ્વાભાવિક પ્રક્રિયાને કેથાર્સિસ કહેવાય.
શેક્સપિયરનાં કરુણાન્ત નાટકો એ રીતે દર્શકોનો કેથાર્સિસ કરતા. મદનની ગઝલો સાંભળતી વખતે કેથાર્સિસની વ્યાખ્યા સતત યાદ આવતી. મોટે ભાગે એકસો ટકા શુદ્ધ ભારતીય સંગીતને કેન્દ્રમાં રાખીને આપેલી એમની ગઝલો એકાંતમાં પૂરેપૂરી એકાગ્રતાથી સાંભળી જુઓ.
'આપ કે પહલૂ મેં આકર રો દિયે..' જેવી ગઝલ હોય કે પછી 'લગ જા ગલે કે ફિર યહ હસીં રાત હો ન હો...' કે પછી 'જો હમને દાસ્તાં અપની સુનાયી, આપ ક્યૂં રોયે ?...' હોય. ગમગીનીનો એક જ ઘુંટાયેલો સ્વર તમારા કાને પડે અને સીધો હૈયા સોંસરવો નીકળી જાય. છલોછલ ઉત્સાહથી ભરેલી કે નાચગાન ટાઇપની તર્જો બનાવવાની તક મદન મોહનને બહુ ઓછી મળી.
એમાં મદન કરતાં વધુ નુકસાન આપણને સંગીત રસિકોને થયું. ઝૂમકા ગીરા રે બરેલી કે બઝાર મેં... જેવાં ગીતો આપણને ખૂબ ઓછાં મળ્યાં. 'દેખ કબીરા રોયા', 'અનપઢ' યા 'હકીકત' જેવી ફિલ્મો મદનના હિસ્સામાં બહુ થોડી અને બહુ મોડી આવી. જરા કલ્પના કરો. મદનના અકાળ નિધન પછી લગભગ પચીસ વર્ષે આવેલી યશ ચોપરાની વીરઝારા વહેલી મળી હોત તો...
બાકી કેવા કેવા ટોચના કલાકારો મદનની સાથે કામ કરવા તૈયાર રહેતા. સિતાર સમ્રાટ ઉસ્તાદ વિલાયત ખાન, પાછળથી સહભાગી થયેલા રઇસ ખાન, અશોક શર્મા, સદાના સાથી સારંગીવાદક પંડિત રામ નારાયણ, તબલાં પર ઉસ્તાદ અબ્દુલ કરીમ... એક્કે એક સાજિંદો મદનની સર્જન કલા પર આફ્રીન હતો.
મદન સાથે કામ કરવામાં આ લોકો ગૌરવ અનુભવતા. સાથેાસાથ મદનના હૈયામાં રહેલો આક્રોશ અને ગમગીની આ લોકોને પણ અકળાવી મૂકતી એમ એકવાર સિતારવાદક જયરામ આચાર્યે કહેલું. મસ્કાબાજી, જીહજૂરી કે લૉબિંગની કળાથી મદન લાખ્ખો કિલોમીટર દૂર હતો.
મદન સાથે કામ કરવામાં આ લોકો ગૌરવ અનુભવતા. સાથેાસાથ મદનના હૈયામાં રહેલો આક્રોશ અને ગમગીની આ લોકોને પણ અકળાવી મૂકતી એમ એકવાર સિતારવાદક જયરામ આચાર્યે કહેલું. મસ્કાબાજી, જીહજૂરી કે લૉબિંગની કળાથી મદન લાખ્ખો કિલોમીટર દૂર હતો.
બાકી ખુદ નૌશાદ અને એસડી બર્મને ઓફ્ફ ધ રેકોર્ડ કહેલું કે ૧૯૬૪નો ફિલ્મ ફેર એવોર્ડ 'વહ કૌન થી' માટે મદનને જ મળવો જોઇતો હતો. પરંતુ લૉબિંગની કળા આ માણસના જેહનમાં જ નહોતી. એ મસ્તફકીર અને હરફન મૌલા હતો. પોતાનું કામ કરવામાં એ પાતંજલ યેાગસૂત્રમાં વર્ણવેલી સમાધિ જેવો અનુભવ કરતો. એવોર્ડની ઐસી તૈસી.
કેટલાક વિદ્વાનોના મતે મદન મોહને ફિલ્મ 'અદાલત'ની બે એવરગ્રીન ગઝલો આપી ત્યારબાદ એ ઉત્તરોત્તર ગઝલના નવોન્મેષમાં ડૂબતા ગયા. એક સમય એવો આવ્યો જ્યારે એને ફિલ્મની ઑફર કરનારા સર્જકો એવો આગ્રહ રાખતા કે ફિલ્મમાં એકાદ ગઝલ પણ હોવી જોઇએ, પછી ભલે એને અનુરૃપ સિચ્યુએશન હોય કે ન હોય. પણ એકાદી ગઝલ હોવી જોઇએ.
મદન મોહન સાથે લાંબો સમય કામ કરનારા એક મ્યુઝિશિયનના કહેવા મુજબ શરૃ શરૃમાં મદન મોહન પોતે સ્વરબદ્ધ કરેલી ગઝલ અચૂક બેગમ અખ્તરને સંભળાવતા. બેગમ સાહિબા જ્યાં હોય ત્યાં, મદન એમનો સંપર્ક સાધી લેતો અને પોતાની તર્જ સંભળાવી દેતો.
એવા એક પ્રસંગે બેગમ અખ્તરે ટકોર કરેલી કે વેદનાનો આટલો બધો પંુજ તું ક્યાંથી લાવે છે, મદન ? જો જે આ વલણ તને ડિપ્રેસન તરફ ન લઇ જાય... થોડો ખુશહાલ પણ રહેતો જા... બેગમ સાહિબાની આ ટકોર એમના જાત અનુભવમાંથી આવેલી હતી.
લગ્ન પછી બેગમ સાહિબાના જાહેરમાં ગાવા પર પ્રતિબંધ આવી ગયો ત્યારે એ પથારીવશ થઇ ગયાં હતાં. તબિયત સાવ લથડી ત્યારે એક સીઝન્ડ હકીમે એમના પતિ-સાસરિયાને ચીમકી આપી હતી કે એને ગાવા દો નહીંતર મરી જશે...મદન મોહન આરોગ્યના એવા તબક્કે ન પહોંચી જાય એ માટે બેગમ સાહિબાએ એને સતત ટકોર્યો હતો. પણ આખરે એવું જ થયું. હતાશાએ મદનને શરાબપ્રેમી બનાવી દીધો અને શરાબે મદનને અકાળે આપણી વચ્ચેથી છીનવી લીધો.
મદન મોહને લતાજી, મુહમ્મદ રફી અને તલત મહેમૂદના કંઠે કેટલીક સદાબહાર ગઝલો આપણને આપી, પરંતુ આ કામ કરતાં કરતાં એક સમયનો હેન્ડસમ અને વ્યાયામવીર સંગીતકાર ભીતરથી ખવાઇ ગયો. એના આરોગ્યને કોઇની બૂરી નજર લાગી ગઇ. શરાબે એના લીવરને જલાવી દીધું. આપણે એને અકાળે ખોઇ બેઠાં.
Comments
Post a Comment