ગઝલના શબ્દોને જીવંત બનાવે એવી સ્વરગૂંથણી ચંદ મિનિટસ્માં !

Madan Mohan with Lata Mangeshkar

સિનેમેજિક - અજિત પોપટ

'હું ખુશનસીબ હતો કે મદન મોહન સાથે સહાયક તરીકે પૂરાં એકવીસ વર્ષ કામ કરવાની મને તક મળી' મદન મોહનના સહાયક સંગીતકાર ઘનશ્યામલાલ સુખવાલે કહેલું.

આ બે વચ્ચે ગજબનો મનમેળ. ઘનશ્યામ પણ પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે હિન્દી ઊર્દૂ ઉપરાંત અંગ્રેજી ભાષા પર પણ સારો કાબુ. મદનજી રેલવે પ્લેટફોર્મનું સંગીત તૈયાર કરતા હતા ત્યારે ઘનશ્યામ એમની સાથે જોડાયા.

પાછળથી એક ઇન્ટરવ્યૂમાં ઘનશ્યામે કહેલું, 'મદનજીની સર્જન શૈલી જાણે ઇશ્વરદત્ત હતી. ક્યારેક તર્જ પહેલાં બનાવીને ગીતકારને એના પર શબ્દો લખવાનું કહેતા, તો ક્યારેક શબ્દો હાથમાં આવે એ વાંચતાં વાંચતાં ચાની ચુસ્કી લેતાં લેતાં અઢી ત્રણ મિનિટમાં તર્જ તૈયાર હોય... હું તો એમની એ સર્જન શક્તિ નિહાળીને ચકિત થઇ જતો...'

આ લેખક માને છે કે કુદરતે મદનને પોતાના વિશે ભવિષ્યવાણી કરતાં હોય એવી ગઝલોને સ્વરબદ્ધ કરવાની ફરજ પાડી હતી. આજે એવી બે ગઝલની વાત કરીએ. પહેલી ગઝલ છે...ક ૧૯૫૨-૫૩માં મદને સ્વરબદ્ધ કરેલી. ફિલ્મ હતી બાગી.

એ સમયનો એક્શન કલાકાર રંજન એનો હીરો હતો અને સાયરાબાનુની માતા નસીમ બાનુ એની હીરોઇન હતી. મજરૃહ સુલતાનપુરીએ એનાં ગીતો રચ્યાં હતાં. એમાં એક ગઝલ એવી હતી જે મદન મોહનને એકદમ ફિટ બેસતી હતી.

લતાજીના કંઠે ગવાયેલી એ ગઝલ એટલે આ- 'હમારે બાદ અબ મહેફિલ મેં અફસાને બયાં હોંગે,  બહારેં હમ કો ઢૂંઢેગી ન જાને હમ કહાં હોંગે...ઇસી અંદાજ સે ઝૂમેગા મૌસમ ગાએગી દુનિયા, મુહબ્બત ફિર હસીં હોંગી,નઝારે ફિર જવાં હોંગે બહારેં હમ કો ઢૂંઢેગી...' માત્ર બે અંતરા ધરાવતી આ ગઝલ માણસની ભીતર જે વલોપાત ચાલી રહ્યો હોય એને હુબહુ તાદ્રશ કરે છે. છેક ૧૯૫૩માં મદને કરેલી આ સ્વરગૂંથણી આજે પણ યુ ટયુબ કે ગાના ડોટ કોમ પર સાંભળો. તમને ગમગીન કરી દેશે.

કવિતાની વ્યાખ્યા આપતાં એક વિદ્વાને કહેલું કે કવિ વ્યક્તિગત અનુભવને કાવ્ય દ્વારા સર્વાનુભવ બનાવી દે છે. એજ ઉક્તિ મદન મોહનને લાગુ પાડી શકાય. આ ગઝલ અને આવીજ અન્ય એક ગઝલ ફરી ફરી સાંભળતાં તમને ખ્યાલ આવે કે આ માણસ ભીતરથી કેવો વલોવાતો હશે !

શાસ્ત્રીય સંગીત માટે શહનાઇનવાઝ ઉસ્તાદ બિસ્મીલ્લા ખાને કહેલું એક વિધાન અહીં મૂકવાની લાલચ રોકી શકાતી નથી. બિસ્મીલ્લા ખાન કહે, 'અંતર મેં હૈ, વહ જંતર મેં આતા હૈ...' મદનના હૈયામાં જે વલોપાત ઘુમરાયા કરતો હશે એ એની ગઝલોમાં અનુભવી શકાય છે. સંગીતકાર તરીકેની લગભગ સમગ્ર કારકિર્દી દરમિયાન અવારનવાર મદનની ગઝલોમાં એનો આ વલોપાત તર્જોમાં સંભળાય છે.

બાગી પછી લગભગ દોઢેક દાયકા બાદ ૧૯૬૯-૭૦માં ફિલ્મ હીર રાંઝા વખતે ફરી મદનના હૈયાની વેદના વધુ ઘુંટાઇને ગીતની તર્જ રૃપે પ્રગટ થાય છે જ્યારે એ કૈફી આઝમીની એક ગઝલને સ્વરબદ્ધ કરે છે. 'યહ દુનિયા, યહ મહેફિલ મેરે કામ કી નહીં...' યોગાનુયોગે આ ગઝલના અંતરામાં પણ મદનના મનની વાત રજૂ થઇ છે,

'કિસ કો સુનાઉં હાલ દિલ-એ-બેકરાર કા, બુઝતા હુઆ ચરાગ હું અપની મજાર કા, અય કાશ ભૂલ જાઉં, મગર ભૂલતા નહીં, કિસ ધૂમ સે ઊઠા થા જનાજા બહાર કા...' ફરી એકવાર કવિતાને યાદ કરીએ. એક અંગ્રેજ વિવેચકે કહ્યંુ છે, સ્ટાઇલ ઇઝ ધ મેન...(શૈલી માણસના મનનું પ્રતિબિંબ છે). મદનના સ્વરનિયોજનમાં અને ખાસ તો ગઝલની સ્વરગૂંથણીમાં મદન સ્વયં સ્વર બનીને પ્રગટે છે અને સાંભળનારમાં પણ પોતાની ગમગીની વહેંચી દે છે. 

બહાર હસતો રમતો અને પોતાનાં પરિવારજનો સાથે મોજ મસ્તી કરતો મદન ભીતરથી કેટલી હદે વલોપાતો હતો એની આ તો માત્ર ઝલક છે. એની ગઝલો અન્ય સંગીતકારો કરતાં જુદી તરી આવી એનું એક કારણ પણ કદાચ આ હતું. 

આમ તો મદન મોહનના સંગીતમાં આવેલાં બધાં ગીતો આપણને ગમે છે પરંતુ ગઝલમાં રહેલો ગમગીનીનો રંગ એને વધુ આસ્વાદ્ય બનાવે છે અને સાંભળનાર એમાં સ્થળ કાળનું ભાન ભૂલી જાય છે. મદનના આગમન પહેલાં માસ્ટર ગુલામ હૈદર, શ્યામ સુંદર, પંડિત ગોવિંદ રામ અને હુશ્નલાલ ભગતરામ જેવા સંગીતકારોએ પોતાના કામમાં પંજાબના રંગ ભરી દીધા હતા એમ કહી શકાય. મદને ગઝલ ગાયકીના રંગમાં આમૂલ પરિવર્તન કરીને એને પોતાના અદ્વિતીય રંગે રંગી નાખી જે આજે પણ સવારની ઝાકળ જેટલીજ તાજી લાગે છે.

Comments